શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે? નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ

Gujarat Congress : ગુજરાતમાં કોઈપણ સમયે બદલાઈ શકે છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, આ નેતાઓના નામ ચર્ચામાં.... કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે OBC પર પસંદગી ઉતારી હવે પાટીદારને પ્રતિનિધિત્વ આપશે તેવી ચર્ચા ચાલી રહે છે...

શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે? નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ

Gujarat Congress : ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં પક્ષના નેતાની નિમણૂં કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉઠ્યો હતો. ત્યારે આખરે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું નામ ફાઈનલ કર્યું હતું. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યાં છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ બદલે તેવા અણસાર મળ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું, પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે. ઉલટાનું કોંગ્રેસને અગાઉની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ નુકસાન થયુ છે. બીજી તરફ, કોંગ્રેસમાં આંતરિક ડખા એટલા વધ્યા છે કે જગદીશ ઠાકોર આ ગૂંચ ઉકેલવામાં પણ અસફળ રહે છે. આવામાં હવે કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ લાવે તો નવાઈ નહિ. ત્યારે હવે કોંગ્રેસમા નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરાની શોધ ચાલી રહી છે. જેમાં પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. 

આ નામો પર ચર્ચા થઈ રહી છે 
કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખ બદલી શકે છે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. જોકે, ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે છે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે, ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનુ પદ આપી શકે છે. 

જોકે, 2022 ની વિધાનસભા ચૂંટણીમાં સ્થિતિ બદલાઈ હતી. 2019 માં અમરેલી સીટ પરથી ખુદ પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા અને જીતી ગયા હતા, જોકે 2022 ની ચૂંટણીમાં ભાજપ સામે તેમનો પરાજ્ય થયો છે. પરેશ ધાનાણીની સૌરાષ્ટ્રમાં દિગ્ગજ નેતા તરીકે ગણના થાય છે. ભૂતકાળમાં તેમણે ભાજપના મંત્રીઓને પણ હરાવ્યા છે. 2017 જિલ્લામાં થયેલું સારું પ્રદર્શન પણ પરેશ ધાનાણીને ફાળે ગયું હતું.

સત્ય શોધક સમિતિ આવી
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર થઇ તેના કારણો જાણવા દિલ્હી સત્યશોધક કમિટીના ત્રણ નેતાઓ અમદાવાદ આવી હતી. આવામાં ચૂંટણી જીત્યા ન હોય તેવા નેતાઓ હવે હારના કારણો જાણીને રિપોર્ટને અભિરાઇએ ચડાવી દે તો નવાઈ નહીં. વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ સત્યશોધક કમીટી સમક્ષ એવો બળાપો કાઢ્યો હતો છે કે, પક્ષના ગદારોને કારણે જ હાર થઇ છે. જો કોંગ્રેસ પક્ષવિરોધી સામે કેવાં  પગલાં  ભરે છે એ તો સમય જ બતાવશે પણ આ સ્થિતિ રહી તો પક્ષની આ જ દશા રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી કરાયું. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news