મારો ધણી ક્યારે આવશે? ગુજરાતના આ ગામની મહિલાઓના નસીબમાં કેમ છે આસું અને વેદના

Gujarat News : સૌરાષ્ટ્રના દાંડી ગામના અનેક પુરુષો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેને કારણે અહીં વસતા તેમના પરિવારજનોની હાલત કફોડી બની છે 
 

મારો ધણી ક્યારે આવશે? ગુજરાતના આ ગામની મહિલાઓના નસીબમાં કેમ છે આસું અને વેદના

Gir Somnath News રજની કોટેચા/ગીર-સોમનાથ : ગુજરાતમાં એક એવું ગામ જ્યાં સંભળાય છે તો બસ ગામની મહિલાઓની વેદના અને રુદન. આંખોમાંથી વહેતા આસું અને શહેરોના નાકા પર દેખાતી કોઈના પતિ, કોઈના પિતા અને કોઈના ભાઈની જોવાથી વાટ... આવા દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દાંડી ગામના. આ ગામમાં 2500 ની આસપાસની વસ્તી છે. પણ ગામના 29 જેટલા પુરુષો માત્ર પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં મતલબ કોઈ ફરવા ગયું હોય કે કમાણી કરીને આવશે તેવું નથી. પરંતુ પાકિસ્તાનની જેલમાં કેદ છે. 

ગામનો મુખ્ય વ્યવસાય જ માછીમારી અને ખેતી છે. જેમાં પણ ખેતી માત્ર ચોમાસા પર નિર્ભર છે. બાકી તો માછીમારી અને મજૂરી. અને આજ ગામમાં એવી તો સ્થિતિ ઉભી થઇ છે કે ગામના 29 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જેમાં કોઈનો ભાઈ છે, તો કોઈ પિતા, તો કોઈનો પતિ અને કોઈનો પુત્ર. બસ આ તમામ લોકોની રાહમાં ગામની દરેક ઘરની મહિલાઓના આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં છે, તો હૃદયમાંથી વેદના ઘટતી નથી. ક્યારે આવશે ઘરના મોભી ??? એવા સવાલો સતત સતાવી રહ્યો છે.

જોકે આ માત્ર ઉના તાલુકાના દાંડી ગામની મહિલાઓનું રુદન છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગીર સોમનાથ જિલ્લા સહિત દેશભરના માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ છે. જેમાં દેશભરના અલગ અલગ વિસ્તારોના 666 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જે પૈકી 400 જેટલા માછીમારો તો માત્ર ગીર, જ્યારે ગીર સોમનાથ જિલ્લાના છે. જેમના પરિવારજનો સરકાર સમક્ષ ગુહાર લગાવી રહ્યા છે કે માછીમારોને સરકાર ક્યારે છોડાવશે. 

સવિતાબેન મજેઠીયા, લક્ષ્મીબેન જીણાભાઈ તો બચીબેન અરજણભાઈ જેવી અનેક મહિલાઓ છે જે પોતાના સ્વજનની યાદમાં આસું વહાવી રહી છે. 

ગામના અગ્રણી અને પોતે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને પરત આવેલા ભાયાભાઈ શિયાળ કહે છે કે, પાકિસ્તાન જેલમાં કેદ અનેક માછીમારો તો એવા છે કે જેમને પાંચ પાંચ વર્ષ વીતી ચુક્યા છે. તેમ છતાં મુક્ત થયા નથી. નિયમ મુજબ ત્રણ થી 3 વર્ષ માં માછીમારો મુક્ત કરવાના હોય છે. પરંતુ પાંચ વર્ષ થવા છતાં મુક્ત ન થયા. બીજી તરફ માછીમારો જે કેદ છે તેમના પરિવાર ને સરકાર સહાય ચૂકવે છે. પરંતુ અનેક માછીમાર પરિવારોનું કહેવું છે કે કોઈ કારણોસર બીજા અનેકોને સહાય મળતી નથી. અને તેમના બાળકો મજૂરી કામ કરવા મજબુર બન્યા છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષથી પાકિસ્તાન સાથે ભારતના સબંધમાં કડવાશ આવ્યા બાદ નિર્દોષ માછીમારો આ બંને દુશ્મનીનો ભોગ બની રહ્યા છે. જે સમય મર્યાદામાં માંછીમારો મુક્ત થતા જોઈએ, તેના બદલે વર્ષો વીતવા છતાં મુક્ત ન થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. તો બીજી વર્ષો પહેલા પાક જેલમાં સજા કાપી પરત આવનાર માછીમાર પણ સરકાર પાસે વ્યથા વ્યક્ત કરી રહ્યા છે કે, વહેલી તકે બંધક માછીમારોને છોડાવવામાં આવે.

જે ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે તે પૈકી કોઈ બીમાર પડે ત્યારે માત્ર ભગવાન જ ભરોસે રહે છે. 'ત્યાં કોઈ ભારતીય માછીમાર કેદીની યોગ્ય સારવાર થતી નથી કે નથી તેને હોસ્પિટલે લઈ જતા. કા તો તેને ભગવાન બચાવે અથવા તો તેનો મૃતદેહ ઘરે આવે." આ શબ્દો છે પાકિસ્તાનની જેલમાં ત્રણ વર્ષ જેને ગાળ્યા છે તે દાંડી ગામના માછીમાર ભાયાભાઈ શિયાળના....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news