ગુજરાત સમગ્ર દેશમાં ઊર્જા ક્ષેત્રે ‘‘રોલ મોડેલ’’ બની રહ્યું છે: ઊર્જા મંત્રી

વિધાનસભા ગૃહમાં ઊર્જા વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત સમગ્ર દેશમાં ઊર્જા ક્ષેત્રે ‘‘રોલ મોડેલ’’ બની રહ્યું છે, તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ રાજ્યના નાગરિકનો માથાદીઠ વીજ વપરાશ એ રાજ્યના વિકાસનો માપદંડ છે. ગુજરાતની વાત કરીએ તો રાષ્ટ્રીય સરેરાશ ૧,૧રર યુનિટની સામે ગુજરાતનો માથાદીઠ વીજ વપરાશ ર,ર૭૯ યુનિટ છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણાથી પણ વધુ છે.
ગુજરાત સમગ્ર દેશમાં ઊર્જા ક્ષેત્રે ‘‘રોલ મોડેલ’’ બની રહ્યું છે: ઊર્જા મંત્રી

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ઊર્જા વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત સમગ્ર દેશમાં ઊર્જા ક્ષેત્રે ‘‘રોલ મોડેલ’’ બની રહ્યું છે, તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ રાજ્યના નાગરિકનો માથાદીઠ વીજ વપરાશ એ રાજ્યના વિકાસનો માપદંડ છે. ગુજરાતની વાત કરીએ તો રાષ્ટ્રીય સરેરાશ ૧,૧રર યુનિટની સામે ગુજરાતનો માથાદીઠ વીજ વપરાશ ર,ર૭૯ યુનિટ છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણાથી પણ વધુ છે.

રાજ્યની સ્થાપિત વીજ ક્ષમતા સંદર્ભે માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦રમાં રાજ્યની સ્થાપિત ક્ષમતા ૮,૭૫૬ મેગાવોટ હતી. જે ૧૫ વર્ષમાં વધીને આજે ર૬,૭ર૦ મેગાવોટ થયેલ છે એટલે કે ૧૯૬૦થી ર૦૦રના ૪ર વર્ષના ગાળામાં જે વીજ ક્ષમતા હતી તે છેલ્લા ૧૫ વર્ષમાં વધીને લગભગ ત્રણ ગણી થઇ છે. તે જ રીતે વર્ષ ર૦૦રમાં રાજ્યમાં ૭૩૦ સબ સ્ટેશનો હતાં જે ૧૫ વર્ષમાં વધીને આજે ૧,૭૮૧ થયા છે. એટલે કે, ૧૯૬૦ થી ર૦૦રના ૪ર વર્ષના ગાળામાં જે વીજ સબસ્ટેશનો હતાં તે છેલ્લા ૧૫ વર્ષમાં વધીને બમણાથી પણ વધુ થયા છે.

ખેડૂતોના વીજ દર બાબતે ગૃહમાં માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૪ વર્ષથી ખેડૂતોના વીજ દરમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. ગુજરાત વીજ નિયમન પંચે ખેડૂતો માટે જાહેર કરેલા વીજ દર સામે ખેડૂતો પાસેથી લગભગ ત્રીજા ભાગનો વીજ દર વસુલવામાં આવે છે અને તે તફાવતી કરોડો રૂપિયાની રકમનું ભારત ખેડૂતો વતી રાજ્ય સરકાર ઉઠાવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની આ રાજ્ય સરકાર ખેડૂતોને વીજ બીલમાં રાહત માટે રૂા. ૪,૫૯ર કરોડ સબસીડી આપે છે.

વર્ષ ૧૯૬૦ થી ર૦૦રના ૪ર વર્ષના સમયગાળામાં ખેડૂતોને વર્ષે સરેરાશ ૧૫ થી ર૦ હજાર નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવેલાં તેની સામે છેલ્લા પાંચ વર્ષથી વર્ષે સરેરાશ એક લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવે છે. આ સરકારે ખેડૂતો પાસેથી વીજ બીલમાં વસુલાતી ઇલેકટ્રીસીટી ડયુટી સંપૂર્ણ નાબૂદ કરી છે. તદ્દઉપરાંત સરકારે રહેણાંક અને ધંધાકીય હેતુવાળા વીજ ગ્રાહકોની ઇલેકટ્રીસીટી ડયુટીમાં પણ સતત ઘટાડો કર્યો છે.

ખાનગી ક્ષેત્રના ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવતી વીજળી અંગે કોંગ્રેસના સભ્યોના આક્ષેપોનો જવાબ આપતાં ઊર્જા મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, કેન્દ્રીય યુ.પી.એ. સરકારના શાસનમાં ‘‘નેશનલ ટેરીફ પોલીસી’’ અમલમાં મુકવામાં આવી હતી અને દરેક રાજ્યને ટેન્ડર દ્વારા વીજળી ખરીદવા માટે જણાવવામાં આવ્યું હતું. તદ્દઅનુસાર ખાનગી ક્ષેત્રમાં સ્પર્ધાત્મક બીડીંગ દ્વારા ખરીદાતી વીજળી સસ્તી પડતી હોય છે અને દેશના તમામ રાજ્યોએ પણ મેરીટ ઓર્ડર મુજબ જ વીજળી ખરીદવી તેવા વીજ નિયમન પંચના આદેશના કારણે વીજળી ખરીદવાની હોય ત્યારે સૌ પ્રથમ સસ્તી વીજળી એટલે કે ખાનગી ઉત્પાદકો પાસેથી વીજળી ખરીદાય છે.

ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વીજ ઉત્પાદન માટે જરૂરી કોલસાની ફાળવણી અગાઉ યુ.પી.એ. સરકારમાં દૂરની ખાણોમાંથી થતી હતી. જયારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ કોલસો નજીકની ખાણોમાંથી ગુજરાતને ફાળવવા બાબતે ત્વરિત નિર્ણય લેતાં રાજ્યને વર્ષે દહાડે રૂા. ૩૩૬ કરોડનો ફાયદો થયો છે. અંતે ઊર્જા મંત્રીએ કોંગ્રેસના સભ્યોને ટકોર કરતાં જણાવ્યું હતું કે, યુ.પી.એ. સરકારના શાસનકાળમાં જ ગુજરાત રાજ્યને ઊર્જા ક્ષેત્રે થયેલી શ્રેષ્ઠ કામગીરી માટે ર૫ જેટલા વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા છે. જે ઊર્જાવાન ગુજરાતની ઝળહળતી સફળતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news