'ભાજપની વાત મગજમાં ના બેઠી તો કોંગ્રેસમાં આયો, પ્રમુખનું કિધું કરીશ, મારી ઘરવાળીનું નહીં'

પહેલાં પંજો છોડી કમળ પકડેલું, હવે પાછું કમળ છોડીને આ નેતાએ પકડ્યો હાથનો સાથ. નેતાજીએ વટથી કહ્યું અત્યારે તો બધે આયારામ ગયારામની સ્થિતિ છે એમાં હું ભાજપમાંથી પાછો કોંગ્રેસમાં આવ્યો એમાં કઈ બહુ મોટી વાત નથી. અધ્યક્ષ કહે એમ મારે કરવાનું હોય મારી ઘરવાળી કહી એમ નહીં.

'ભાજપની વાત મગજમાં ના બેઠી તો કોંગ્રેસમાં આયો, પ્રમુખનું કિધું કરીશ, મારી ઘરવાળીનું નહીં'

ઝી બ્યૂરો, અમદાવાદઃ આગામી લોકસભાની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયેલો છે. ભારત દ્વારા ઓપરેશન લોટસ અંતર્ગત એક બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક કરાતો હોવાની વાતો પણ સામે આવી રહી છે. બીજી તરફ ચૂંટાયેલાં ધારાસભ્યો પણ પોતાનો પક્ષ છોડીને ભાજપમાં આવવા તલપાપડ થઈ રહ્યાં હોવાના પણ અનેક પૂરાવા સામે આવ્યાં છે. આ સ્થિતિની વચ્ચે એક અવળીગંગા વહેતી જોવા મળી. એક નેતાજી પહેલાં કોંગ્રેસમાં હતા અને પછી ભાજપના વિચારધારાથી પ્રેરાઈને ભાજપમાં આવી ગયા. થોડા જ ટાઈમમાં એમને હવે ભાજપની વિચારધારા નથી ગમી રહી. એમણે કહ્યુંકે, ભાજપની વાત...ભાજપની વિચારધારા મારા મગજમાં ના બેસી...તેથી હું ભાજપ છોડી રહ્યો છું.

અહીં વાત થઈ રહી છે મોરબીના કિશોર ચિખલિયાની. જેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવતાની સાથે જ તેમને મોરબી જિલ્લા પ્રમુખનું પદ આપી દેવામાં આવ્યું. જોકે, આ નિર્ણયથી પૂર્વ પ્રમુખ અને કાર્યકરોમાં ભારે રોષ પણ જોવા મળ્યો. જોકે, આ રાજકીય રજળપાટમાં કાર્યકરોનું કે પ્રજાનું કોણ વિચારે છે. જે નેતા બને એ જ મોજ કરે છે. કિશોર ચીખલિયાએ અગાઉ 2 વખત કોંગ્રેસ પક્ષ સામે બળવો કર્યો અને પેટા ચૂંટણી સમયે મોરબી કોંગ્રેસે જીતેલી બેઠક ગુમાવવી પડી હતી. તે જ નેતાની ફરી કોંગ્રેસમાં એન્ટ્રી થતાં મોરબી કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. 

અધ્યક્ષ કહે એમ મારે કરવાનું હોય મારી ઘરવાળી કહી એમ નહીં:
એટલું જ નહીં ભાજપ છોડીને પાછા કોંગ્રેસમાં જોડાતાની સાથે જ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની નિમણૂક કરવામાં આવતા મોવડી મંડળના નિર્ણય સામે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. જે મામલે કિશોર ચીખલિયાએ નિવેદન આપ્યું હતું કે, મને ભાજપની વિચારધારા મગજમાં ન બેસી એટલે હું ફરી કોંગ્રેસમાં આવ્યો છું. રાષ્ટ્રીય અધ્યક્ષે મને પદ આપી જવાબદારી સોંપી છે માટે તેઓ જે કહે તે મારે કરવાનું હોય મારી ઘરવાળી કહે તેમ નહીં. કહી પૂર્વ પ્રમુખ પર કટાક્ષ કર્યો હતો.

લોકસભાને ધ્યાને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત રાજ્યના 11 જિલ્લાના પ્રમુખના નામની યાદી જાહેર કરાઈ છે. આ ઉપરાંત શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં પાછા આવેલાં કિશોર ચીખલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ જિલ્લા પૂર્વ પ્રમુખ સહિત કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

અત્યારે બન્ને પક્ષમાં આયારામ ગયારામ જેવી જ સ્થિતિ છે!
ભાજપ છોડીને કોંગ્રેસમાં પાછા આવેલાં ચીખલીયાએ વધુમાં જણાવ્યુંકે, મને કોગ્રેસના બંને પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા અને મહંમદ જાવીદ પીરઝાદાએ ખુબ સપોર્ટ કર્યો છે. મને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ આવી મોટી જવાબદારી સોંપી છે તો હું કોંગ્રેસનું જ કામ કરુંને મારી ઘરવાળીનું થોડું કરું. એમપણ બંને પક્ષમાં આયારામ ગયારામ જેવી સ્થિતિ છે જેથી હું કોંગ્રેસમાં જોડાયો તેમા કોઈ બહુ મોટી વાત નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news