ગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદી

Loksabha Election 2024: ગુજરાતમાં આજથી પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ સાથે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યાં હતા. 

ગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદી

અમદાવાદઃ ગુજરાતમાં 7 મેએ લોકસભાની 25 સીટો પર મતદાન થવાનું છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદીએ બનાસકાંઠામાં ચૂંટણી સભા સંબોધી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે કહ્યું કે સાથીઓ ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યા જે શિક્ષણ આપ્યું અને ખુબ લાંબા ગાળા સુધી મને મુખ્યમંત્રી રાખીને તમે જે અનુભવની તક આપી તે આજે દિલ્હીમાં કામ લાગે છે. 

પીએમ મોદીએ પૂર્વની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે 2024 પહેલા દેશમાં એવી સરકાર હતી જ્યાં ચારે તરફ આતંકવાદ અને ભ્રષ્ટાચાર હતો. દેશમાં નિરાશાનો માહોલ હતો. તમે ગુજરાતના ભાઈ-બહેનોએ મને 25 વર્ષથી સરકારમાં કામ કરતો જોયો છે. તેમણે કહ્યું કે દેશના સામર્થ્યનો હું એક પૂજારી બન્યો છું. ત્રીજી ટર્મમાં દેશને વિકસિત ભારત બનાવીશું. ત્રીજા ટર્મની સરકાર બને તે પહેલા 100 દિવસના કામનો એક્શન પ્લાન બનાવી લીધો છે. ત્રીજા કાર્યકાળમાં ગરીબના કલ્યાણ અને ખેતીના કલ્યાણ માટે કામ કરીશું. 

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતની બધી સીટ જીતીને મને સંતોષ નથી, આપણે બધા પોલીંગ બુથ જીતવાના છે. તમારો એક મત ઉમેદવારને નહીં પરંતુ મને મળશે. ગુજરાતમાં કોંગ્રેસને એકવાર હરાવ્યા બાદ પરત ફરવા દીધી નથી. એક ચા વાળો અને એક ગુજરાતી દાળભાત ખાવાવાળો શું કરી શકે તે તમે દેખાડ્યું છે. બીજી ચૂંટણી આવી તો 2019માં ચોકીદાર ચોર અને મોદી ખૂનના સોદાગર કહેતા હતા. 2019ની ચૂંટણી પછી આ લોકોએ મોદીનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું. 

વિકસિત ગુજરાત બનાવવાનું છે
પીએમ મોદીએ કહ્યું કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ આપણા બધા માટે નવા સંકલ્પનો દિવસ, નવી ઊર્જા માટેનો દિવસ અને એ નિમિતે આ વખતે આપણે સંકલ્પ લઈએ વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહિ રહેવા દઈએ.

પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણીમાં હજુ ઓછી સીટો જીતશે. પ્રથમ બે તબક્કાના મતદાન પર કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસને એકપણ સીટ મળશે નહીં. આ લોકોની મહોબ્બતની દુકાન એ ફેક ફેક્ટરી છે. આ લોકોએ ફેક વીડિયોની દુકાન ખોલી છે. અનામત પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ધર્મના આધારે અનામત આપે છે. એસટી, એસસી અને ઓબીસીને જે અનામત કાયદામાં મળ્યું છે તે કોઈ છીનવી શકે નહીં. 

પીએમ મોદીએ કહ્યું કે મને ગુજરાતીએ મોટો કર્યો છે તો તમે ચિંતા ન કરો. તેમણે કહ્યું કે દેશના લોકોએ કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો છે તેને હું લૂંટાવા દઈશ નહીં. ગાંધી પરિવાર પર હુમલો કરતા કહ્યું કે આ ચૂંટણી એવી છે જેમાં ગાંધી પરિવાર કોંગ્રેસને જ મત આપી શકશે નહીં. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news