હાર્દિકનો સવાલ, જો બાબુ બજરંગીને સજા તો માયા કોડનાની નિર્દોષ કેવી રીતે?

વર્ષ 2002ના નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. માયા કોડનાનીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે બાબુ બજરંગીની મુશ્કેલીઓ વધી છે. કારણ કે કોર્ટે તેની સજા યથાવત રાખી છે 

હાર્દિકનો સવાલ, જો બાબુ બજરંગીને સજા તો માયા કોડનાની નિર્દોષ કેવી રીતે?

અમદાવાદ: વર્ષ 2002ના નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. માયા કોડનાનીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે બાબુ બજરંગીની મુશ્કેલીઓ વધી છે. કારણ કે કોર્ટે તેની સજા યથાવત રાખી છે અને જીવશે ત્યાં સુધી જેલમાં રહેશે. બાબુ બજરંગીને સ્પેશિયલ કોર્ટે 21 વર્ષની સજા કરી હતી. હાઈકોર્ટે બજરંગી સહિત 3 લોકોને કોર્ટે ષડયંત્રકારી ગણાવ્યાં. મુકેશ ઉર્ફે વકીલ, હીરાજી મારવાડી સહિત 12 લોકોને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. 31માંથી 14 દોષિત જ્યારે 17ને  નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. એકનું અગાઉ મોત થઈ ચૂક્યું છે. જસ્ટિસ હર્ષા દેવાણી અને ન્યાયમૂર્તિ એ એસ સુપેહિયાની પેનલે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ ગત વર્ષ ઓગસ્ટમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં સ્પેશિયલ કોર્ટે ભાજપના ધારાસભ્ય માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 32 લોકોને દોષિત ઠેરવતા ઉમરકેદની સજા સંભળાવી હતી.

ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા પર પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યાં છે. ઝી ન્યૂઝ સાથે એક ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે કોડનાનીને નિર્દોષ છોડી મૂકવા એક મોટો સવાલ છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે જો બાબુ બજરંગીની સજા યથાવત રાખી તો માયા કોડનાની નિર્દોષ કેવી રીતે? હાર્દિકે કહ્યું કે ન્યાયપાલિકા પર ભરોસો કરવો જ પડે છે. આમ કોડનાનીના નિર્દોષ છૂટકારા બાદ રાજ્યમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.અત્રે જણાવવાનું કે આજે આવેલા ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે માયા કોડનાનીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવે છે.

હાઈકોર્ટે કોણે દોષિત ઠેરવ્યાં અને કોને નિર્દોષ?

દોષિત
બાબુ બજરંગી, મુરલી નારણ, હરેશ જીવણલાલ , સુરેશ કાંતિભાઈ, પ્રકાશ સુરેશભાઈ, કિશન કોરાણી, પ્રેમચંદ તિવારી, સુરેશ દલ્લુભાઈ, નવાબ હરિસિંહ, મનોજ રેણુમલ, બિપિન ઓટોવાલા

નિર્દોષ
માયા કોડનાની, ગણપત છનાજી, વિક્રમ છારા, મનુ મરુડા, અશોક હુદલદાસ, મુકેશ રતિલાલ, હીરાજી મારવાડી, વિજય તખુભાઈ, રમેશ કેશવલાલ, સચિન નગીનદાસ, વિલાસ સોનાર , સંતોષ કોડુમલ , પિન્ટુ દલપત, કૃપાલસિંહ જંગબહાદૂર

શું છે મામલો?
ઉલ્લેખનીય છેકે 27 ફેબ્રુઆરીના 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસની બોગીઓને બાળવાની ઘટના બાદ 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં નરસંહાર થયો હતો. આ દરમિયાન 9 લોકોની હત્યા કરાઈ હતી. જ્યારે 33 લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નિકળ્યા હતાં. ગોધરાકાંડ વખતે ટ્રેનની બોગીમાં 59 લોકો હતાં. જેમાંથી મોટાભાગના લોકો અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો હતાં. ગોધરા કાંડના પગલે નરોડા પાટિયામાં તોફાનો થયાં હતા જેમાં 97 લોકોને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારાયાં હતાં. 

કોને કેટલી થઈ હતી સજા?
માયા કોડનાનીને 28 વર્ષની જેલની સજા થઈ હતી. એક બહુચર્ચિત આરોપી બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને મૃત્યુ સુધી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. સાત અન્યને 21 વર્ષના આજીવન કારાવાસની સજા અને અન્ય લોકોને 14 વર્ષના આજીવન કારાવાસની સજા થઈ હતી. નીચલી કોર્ટે પુરાવાના અભાવે 29 અન્ય આરોપીઓને છોડી મૂક્યા હતાં. દોષિતોએ નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જ્યારે વિશેષ તપાસ દળે 29 લોકોને છોડી મૂકવાના ફેસલા સામે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news