ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં ચાર મહિનાનો વધારો કરાયો, વિધાનસભામાંથી પસાર થયું સુધારા બિલ

ગુજરાત વિધાનસભામાં શહેરી વિકાસ સત્તા મંડળ અને નગરપાલિકા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે થઈને ગત વર્ષે અમલી બનાવેલા કાયદાની મુદત 17 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ હતી. 
 

ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં ચાર મહિનાનો વધારો કરાયો, વિધાનસભામાંથી પસાર થયું સુધારા બિલ

ગાંધીનગરઃ અનધિકૃત બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા સરકાર  વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આજે વિધાનસભામાં ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું જે પસાર થઈ ગયું છે.  ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી મુદે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની મુદ્દતમાં ચાર મહિનાનો વધારો કર્યો છે. 

લોકોને મળી મોટી રાહત
ગુજરાત વિધાનસભામાં અનધિકૃત બાંધકામોને રેગ્યુલરાઇઝ કરવા પર રજૂ કરેલું સુધારા વિધેયક બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થયા બાદ લોકો 1-10-10 થી 1-10-2022 સુધીના જ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરી શકાશે. ઈન્પેક્ટ ફી ભરીને બાંધકામ કાયદેસર કરાવવાની મુદ્દતમાં ચાર મહિનાનો વદારો કરવામાં આવ્યો છે. હવે પછી તેની મુદ્દતમાં વધારો કરવાની સત્તા પણ સરકારને મળી છે. 

મહાનગરપાલિકા,સત્તામંડળો અને નગરપાલિકાઓ તેમજ પ્રજાજનો દ્વારા સમયમર્યાદા વધારવાની લેખિત-મૌખિક રજૂઆતોના આધારે વિધેયકમાં સુધારો કરાયો હોવાનું ગૃહમાં જણાવતા મંત્રીએ કહ્યું હતુ કે, ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેના ભવિષ્યમાં સંજોગો ઉભા થાય તો નાગરિકોના હિતમાં તેમને યોગ્ય તક અને પુરતો સમય મળી રહે તે માટે મુળ વિધેયકની કલમ 5(2) માં 4 મહિનાની જે સમયમર્યાદા હતી તેમાં 5(2-અ) ઉમેરી શરતોને આધીન મુદ્દતમાં વધારો કરવા રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિધ્ધ કરી શકે તેવી જોગવાઇ આ સુધારા વિધેયકમાં ઉમેરવામાં આવી છે. 

કોઇના ઘરનું સ્વપ્ન રોળાય નહીં અને કોઇની નાની રોજગારી છીનવાય નહીં તેવા ઉમદા હેતુથી નાના માણસના હિતમાં વિધેયકમાં સુધારો લઇને આવ્યા છીએ તેમ સુધારા વિધેયક અંગે વિધાનસભામાં જણાવતા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે, 17/10/2022 અમલમાં આવેલ આ વિધેયકથી રાજ્યની તમામ 8 મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને તમામ સત્તામંડળો હેઠળના શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે 50 % રહેવાસીઓને આ સુધારા વિધેયકનો લાભ મળશે.

14 ફેબ્રુઆરીની સ્થિતિએ રાજ્યભરમાંથી કુલ 57 હજારથી વધુ અરજીઓ બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે મળી હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ. 

મંત્રીએ સુધારા વિધેયક અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, RERA કાયદા હેઠળ જે અનઅધિકૃત બાંધકામોને નોટીસ મળી હોય તેવા બાંધકામોને આ વિધેયક અંતર્ગતની જોગવાઇ હેઠળ કાયદેસર કરવામાં આવશે નહીં.  01/10/2022 પહેલાની મિલકત જે બિનઅધિકૃત હોય અને વપરાશમાં આવી ગઇ હોય તેવી જ મિલકતોને આ સુધારા વિધેયક અંતર્ગત કાયદેસર કરવામાં આવશે.

આ કાયદા અંતર્ગત અનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટેની ફી પણ સામાન્ય વ્યક્તિને પોષાય તેવી નજીવી રાખવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news