ગણેશ વિસર્જનનું સાચું મુહૂર્ત અને વિધિ જરૂર જાણી લેજો, આવતીકાલે કામ આવશે

ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ એટલે કે 11મા દિવસે અનંત ચતુર્થી આવે છે. ત્યારે ગણેશ વિસર્જન સાથે જોડાયેલી કેટલીક માહિતી અને વિસર્જનનું મુહૂર્ત તમને જરૂર કામમાં આવી શકે છે. 

ગણેશ વિસર્જનનું સાચું મુહૂર્ત અને વિધિ જરૂર જાણી લેજો, આવતીકાલે કામ આવશે

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશનું વિશેષ સ્થાન છે. કોઈ પણ પૂજા, હવન કે માંગલિક કાર્યો તેમની સ્તુતિ વગર કરવા અધૂરા છે. હિન્દુઓમાં ગણેશ વંદનાની સાથે કોઈ પણ નવા કામની શરૂઆત થાય છે. આ જ કારણ છે કે, ગણેશ ચતુર્થી એટલે કે ભગવાન ગણેશનો જન્મદિવસ દેશભરમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આવતીકાલે અનંત ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. 10 દિવસ સુધી પૂજા-સેવા કર્યા બાદ ધામધૂમથી ગણેશ વિસર્જન કરવાની આપણી પરંપરા છે. અનંત ચતુર્થીએ દેશભરના મંડળોમાં સ્થાપિત કરાયેલા ગણપતિના વિસર્જન કરવામાં આવશે. ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ એટલે કે 11મા દિવસે અનંત ચતુર્થી આવે છે. ત્યારે ગણેશ વિસર્જન સાથે જોડાયેલી કેટલીક માહિતી અને વિસર્જનનું મુહૂર્ત તમને જરૂર કામમાં આવી શકે છે. 

ગણેશ વિસર્જન માટે ચોઘડિયા મુહૂર્ત
સવારનું મુહૂર્ત (ચાર, લાભ, અમૃત) - 23 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગીને 49 મિનીટથી બપોરે 12 વાગીને 19 મિનીટ સુધી
બપોરનું મુહૂર્ત (શુભ) - બપોરે 1 વાગીને 49 મિનીટથી બપોરે 3 વાગીને 19 મિનીટ સુધી
સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - સાંજે 6 વાગીને 19 મિનીટથી રાત્રે 10 વાગીને 49 મિનીટ સુધી
રાતનું મુહૂર્ત (લાભ) 1 લાગીને 49 મિનીટથી 3 વાગીને 19 મિનીટ સુધી 

કેવી રીતે કરશો ગણપતિ વિસર્જન
ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની સ્થાપના બાદ 10 દિવસો સુધી તેમની સેવા કરવામાં આવે છે. તેમને મોદકનો ભોગ, ફળ અને ફૂલ અર્પિત કરવામાં આવે છે. ત્યારે નીચે આપેલી પૂજાવિધિથી વિસર્જન કરવાથી યોગ્ય ફળ મળે છે. 

  • વિદા કરતા પહેલા ગણેશજીને ભોગ ધરાવો.
  • આરતી કર્યા બાદ પવિત્ર મંત્રોથી તેમનું સ્વાસ્તિકવાચન કરો.
  • ઘરની યુવતીઓ એક પાટ લે, તેને ગંગાજળ અથવા ગૌમૂત્રથી પવિત્ર કરો.
  • ઘરની મહિલાઓ આ પાટ પર સ્વસ્તિક બનાવે.
  • હવે આ પાટ પર ચોખા રાખ્યા બાદ પીળા, ગુલાબી કે લાલ રંગના વસ્ત્ર પાથરવા.
  • હવે વસ્ત્ર પર ગુલાબની પંખડીઓ પાથરવી. 
  • પાટના દરેક ખૂણા પર એક-એક સોપારી મૂકવી.
  • હવે તમે જે જગ્યા પર ગણપતિની સ્થાપના કરી છે, ત્યાંથી તેમને ઉઠાવીને પાટ પર મૂકો.
  • ગણેશજીને બિરાજમાન કર્યા બાદ પાટ પર ફૂલ, ફળ, વસ્ત્ર, દક્ષિણા અને પાંચ મોદક રાખો.
  • હવે એક નાનકડી પોટલીમાં ચોખા, ઘઉં અને પંચ મેવા મિક્સ કરો. સાથે જ તેમાં સિક્કો પણ રાખો. વિસર્જન યાત્રા દરમિયાન કોઈ પરેશાની ન થાય તે માટે આવું કરવામાં આવે છે. 
  • નદી કે તળાવમાં ગણપતિનું વિસર્જન કરતા પહેલા તેમની આરતી કરો.
  • આરતી બાદ ગણપતિને પ્રાર્થના કરો કે તમારી જે પણ મનોકામના છે, તેને પૂર્ણ કરો. સાથે જ 10 દિવસ અજાણતા જ કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગો.
  • વિસર્જન સમયે ધ્યાન રાખો કે, ગણેશ પ્રતિમા કે તેમની અન્ય સામગ્રીઓ ફેંકો નહિ, પરંતુ પૂરતા માનથી તેને ધીરે ધીરે વિસર્જિત કરો. 

કેમ કરાય છે ગણપતિ વિસર્જન
ગણેશ વિસર્જનને લઈને અનેક ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. બ્રિટિશ કાળમાં લોકોમાં એકતા અને સૌહાર્દ વધારવા માટે ગણેશ સ્થાપના અને વિસર્જનની પરંપરા ફરીથી શરૂ કરાઈ હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહર્ષિ વેદવ્યાસે મહાભારતની કથા સંભળાવ્યા બાદ ભગવાન ગણેશનું તેજ શાંત કરવા માટે તેમને સરોવરમાં ડુબાડ્યા હતા. કહેવાય છે કે, વેદવ્યાસે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવવાની શરૂઆત કરી હતી. સતત 10 દિવસ સુધી વેદવ્યાસે કથા સંભળાવી હતી અને ગણેશજીએ કથા લખી હતી. જ્યારે કથા પૂરી થઈ ગઈ ત્યારે વેદવ્યાસે આંખો ખોલી, તો જોયું કે વધુ મહેનતને કારણે ગણેશજીનું તાપમાન વધી ગયું હતું. તેમનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસ તેમને સરોવર લઈ ગયા હતા, અને સ્નાન કરાવ્યું હતું. એ દિવસ અનંત ચતુર્થી હતી. બસ, ત્યારથી ભગવાન ગણેશને વિસર્જન કરવાની પરંપરા શરૂ થઈ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news