સિંહોના મોત અંગે વિરોધ પક્ષે રૂપાણી સરકાર સામે કર્યા આકરા સવાલો

ગીર મેનેજમેન્ટ પ્લાન અને ગીર રક્ષીત જંગલમાં વન અધિકારીને ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે. આ અધિકારીઓ ચાલીને જંગલમાં પેટ્રોલીંગ કરતા નથી.

સિંહોના મોત અંગે વિરોધ પક્ષે રૂપાણી સરકાર સામે કર્યા આકરા સવાલો

ગૌરવ પટેલ/ અમદાવાદ: ગીર ફોરેસ્ટમાં થયેલા સિંહના મોતના મામલે વિરોધ પક્ષના નેતા પરેશધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારને આડે હાથ લેતા એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેઓએ સિંહોના મોત અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે રૂપાણી સરકાર પર આકરા સવાલો કર્યા હતા.

ગુજરાતમાં થોડા સમય પહેલા એક પછી એક 23 સિંહોના મોત થયાની ઘટના બની હતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હીતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર માટે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી. હાઇ કોર્ટે રાજ્ય સરકારને તેનું યોગ્ય અમલીકરણ કરાવવાની તાકીદ કરી હતી. સાથે જ કોર્ટના નિર્દેશો મુજબ થયેલી કામગીરીનો રિપોર્ટ 15 જાન્યુઆરી 2019 સુધી સોંપી દેવાનું રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ત્યારે આજે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને સિંહોના મોત અંગે પત્ર લખ્યો હતો.

આ પત્રમાં તેઓએ સિંહોના મોત અંગે ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે ગીર મેનેજમેન્ટ પ્લાન અને ગીર રક્ષીત જંગલમાં વન અધિકારીને ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે. આ અધિકારીઓ ચાલીને જંગલમાં પેટ્રોલીંગ કરતા નથી. ફોરેસ્ટર અને ફોરેસ્ટર ગાર્ડને દર મહિને 100 કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે, તો રેન્જ ઓફીસરને દર મહિને 80 કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે. એસીએફને દર મહિને 65 કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. અને ડીસીએફને દર મહિને 50 કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અધિકારીઓ 10 ટકા જોગાવાઇનું પણ પાલન કરતા નથી. આ અધિકારીઓએ ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે તેના બદલે તેઓ જીપ્સી લઇને પેટ્રોલિંગ કરે છે જેના કારણે સિંહોની ખામીઓ સામે આવતી નથી. આવા આક્ષેપો સાથે પરેશ ધાનાણીએ રૂપાણી સરકાર પર આકરા 13 સવાલો કર્યા હતા.

પરેશ ધાનાણીએ રૂપાણી સરકાર પર કરેલા સવાલો નીચે મુજબ છે...

1. સિંહોના મૃત્યુ માટે સરકાર ઇન ફાઇટનું કારણ આપી રહી હતી પણ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ નવી દિલ્હીના 9 ઓક્ટોબરના રીપોર્ટમાં નોંધવામાં આવ્યુ કે નેશનલ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીને પુનાને 6 ઓક્ટોબરના રોજ શક્કરબાગ ઝુ દ્વારા 27 સિંહોના કાન, નાક, આંખ અને અન્ય ભાગના 80 સેમ્પલ મોકલાયા હતા તે વાત સાચી છે?

2. 27 સિંહોના સેમ્પલમાંથી 21 સિંહોના સેમ્પલમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી)ના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હોવાનું એનઆઇવી પુના દ્વારા જાહેર કરવામાં આવ્યુ તે હકિકત સાચી છે?

3. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી) પોઝીટીવ આવતાં નેશનલ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) પુના દ્વારા સીડીવીથી સિંહોને બચાવવા માટે વેક્સીન તાત્કાલીક આપવા જણાવાયુ હતું તે હકિકત સાચી છે?

4. નેશનલ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) પુના દ્વારા વધુમાં જણાવાયુ કે સીડીવી માટે એમેરીકન જીનોટાયપ 1 અને 2 વેક્સીન ઉપલબ્ધ છે. આ વેક્સીન ઘણા દેશોમાં વપરાઇ છે અને તેની અસર સારી રહી હોવાનું જણાવાયુ છે, તે હકિકત સાચી છે?

5. સીડીવી વાઇરસ અગાઉ અન્ય દેશોમાં આવેલ અને તેના કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતા. આવા વાઇરસથી બચવા માટે જરૂરી રસી ઉપલબ્ધ છે. તેમ છતાં રાજ્ય સરકારે આ રસી અગાઉથી મંગાવવાની વ્યવસ્થા કેમ ન કરી, પુર આવે ત્યારે પાળ બાંધવી કે આગ લાગે ત્યારે કુવો ખોદવો જેવી નિતિ અપનાવીને 23 સિંહોના મૃત્યુ બાદ રસી મંગવવામાં આવી તો 23 સિંહોના મોતની ઘટનાને માનવ સર્જીત ઘટના કેમ ન ગણવી?

6. સિંહ Schedule-1નું પ્રાણી હોવાથી તેને સુરક્ષા પ્રદાન કરવી જરુરી બને છે. વાઈલ્ડ લાઈફ એક્ટ-1972ની રીતે જો Schedule-1નાં પ્રાણીને હેરાનગતિ કે નુકશાન પહોંચાડવામાં આવે તો એની માટે કડકમાં કડક પગલા લેવા જોગવાઇ છે. ત્યારે 23 સિંહોના મૃત્યુ અગાઉથી રસી આપીને બચાવી શકાયા હોત તો આવા માનવ સર્જીત સિંહોના મૃત્યુ માટે જવાબદારો સામે પગલાં લેવા જોઇએ.

7. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે બરડો ડુંગર સિંહો માટે અનુકુળ છે. તો પછી અત્યાર સુધી બરડા ડુંગરમાં સિંહોને સ્થાયી કેમ ન કર્યા? અને જો કર્યા જ હોય તો કેટલી સંખ્યામાં કર્યા અને તે સંખ્યા કયા માપદંડના આધારે નક્કી કરી?

8. સુપ્રીમ કોર્ટ દ્રારા 15 એપ્રિલ 2013નાં રોજ ચુકાદો આપવા આવ્યો કે સિંહને બીજુ ઘર આપવું, સિંહો માટે બીજુ ઘર શોધવાનો મુખ્ય મુદ્દો રાગચાળાના ભયનો હતો તેના માટે સરકારે શા પગલાં લીધાં?

9. ડો. દિવ્યભાનુ સિંહ ચાવડાનાં સંશોધનને સુપ્રીમ કોર્ટે નોંધમાં લીધુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, જો આફ્રિકાનાં સેરેનગટી જેવા સિંહોની મરવાની ઘટના બને તો એશિયાટીક સિંહ લુપ્ત થઈ જાય અને રોગ ચારો ફાટી નીકળે તો, લુપ્ત થઈ જાય. તો ગુજરાત સરકારે સુપ્રીમની આ નોંધની કેમ અવગણના કરી કેમ રોગચાળા સામે કોઈ વ્યવસ્થા ન ઊભી કરી?

10. આફ્રીકામાં જે રોગથી સિંહ મર્યા હતા એ રોગનો આશરો લઇ વાયરસ વાયરસની બુમો સરકાર પાડી રહ્યુ છે, તો આપણી પાસે સિંહ હોવા છતાં સુપ્રીમ કોર્ટ દ્વારા રોગચાળા મુદ્દે ગંભીર નોંધ લીઇ સિંહોના બીજા ઘર માટે ચુકાદો આપ્યો હોવા છતાં આપણી પાસે એક પણ દવા આજ દિવસ સુધી કેમ ઉપલબ્ધ નહોતી કે પછી જાણી જોઇને કોઇ કાવતરૂ કરવામાં આવેલ?

11. લિઓજિન પ્રોજેક્ટ 2009-2010માં અમલમાં મુક્યો કરોડો રૂપિયા ફ્ળવ્યા. તેમ છતાં સિંહનાં રોગ રોકવા માટે રસી નહોતી. CAGનાં અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, કે લિઓજિન પ્રોજેક્ટ મંદ ગતિએ ચાલી રહ્યો છે. તો મંદ ગતીએ ચાલતા પ્રોજેક્ટ માટે જવાબદાર લોકો સામે શા માટે પગલાં ન લીધા?

12. શુ હવે સુપ્રીમ કોર્ટના આદેશને જ માનવો રહ્યો અને સરકાર માત્રને માત્ર સિહના સંવર્ધનના રૂપિયા તંત્ર ચાઉ કરી ગયુ અને સંવર્ધનની વાતો માત્ર કાગળ પર રહી.

13. છેલ્લે જ્યારે pccf દ્રારા રિપોર્ટ જારી કાર્યો ત્યારે 32 સિંહ જે જામવાળામાં રાખવામાં આવ્યાં છે તેં સંપુર્ણ સ્વસ્થ છે. તો પછી એમને રસી શા કરણથી મુકવામાં આવી?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news