મને દુ:ખ છે કે તમે હવે શિક્ષણ મંત્રી તો નહીં પણ મંત્રી પણ નથી, શંકર ચૌધરી સામે અકળાઈ જનારા આજે ભરાયા

Gujarat Public University Bill 2023 : ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ મામલે વિધાનસભામાં પણ ગરમાગરમી થઈ... એક સમયના શિક્ષણ મંત્રી રમણલાલ વોરા ચર્ચામાં આવ્યા

મને દુ:ખ છે કે તમે હવે શિક્ષણ મંત્રી તો નહીં પણ મંત્રી પણ નથી, શંકર ચૌધરી સામે અકળાઈ જનારા આજે ભરાયા

Gujarat Vidhansabha : ગુજરાતની વિધાનસભા સત્રના છેલ્લા દિવસે આખો દિવસ હંગામો રહે તો નવાઈ નહીં. સરકારે વર્ષ ૨૦૨૩નું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં રજૂ કર્યું છે. જે સામે કોંગ્રેસ સતત વિરોધ કરી રહી છે. આ બિલ આ પહેલાં પણ 4 વાર રજૂ કરાયું છે અને ફગાવી દેવાયું છે. હાલમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર કોઈ પણ ભોગે આ બિલને પાસ કરાવે તેવી પૂરી સંભાવના છે. સરકારના આ બિલ બાદ રાજ્યની 11 યુનિમાં સરકારીકરણ થશે અને રાજ્યપાલ તમામ 11 યુનિવર્સિટીના વીસી બની જશે. જેને પગલે યુનિના તમામ નિર્ણયોમાં સરકારનો હસ્તક્ષેપ વધશે. આજે આ બિલ મામલે વિધાનસભામાં પણ ગરમાગરમી થઈ હતી.  

આજે અર્જુન મોઢવાડીયાના સંબોધન વચ્ચે રમણલાલ વોરાએ પોઈન્ટ ઓફ ક્લેરિફિકેશન ઉભો કર્યો  હતો. ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું હતું કે, ૨૦૦૭ થી ૨૦૧૨ની વચ્ચે હું શિક્ષણ મંત્રી હતો તે સમયમાં ખાનગી યુનિવર્સિટી વિધેયક સમયે અર્જુનભાઈ આજ ભાષણ આપતા હતા. 

તો આ સંદર્ભે અર્જુન મોઢવાડીયાએ જવાબ આપતાં કહ્યું મને દુખ છે કે તમે હવે શિક્ષણ મંત્રી તો નહીં પણ મંત્રી જ નથી. વિશ્વગૂરૂ ભાષણથી બની નહી શકાય, શિક્ષણમાં પાયાથી સુધારો કરવો પડશે. બિલ જે લઈને આવ્યા છે તે સંપૂર્ણ સરકારી કરણ છે. સરકારે પણ આ મામલે બચાવ કર્યો હતો કે, કુબેર ડિંડોર પ્રોફેસર પણ છે અને હવે મંત્રી પણ છે, કુંવરજી બળતરા શાળાના પ્રિન્સિપાલ હતા, હવે મંત્રી છે. 

ઈડરના રમણલાલ વોરા સતત બીજા દિવસે પણ વિપક્ષના ધારાસભ્ય સાથે બાખડી પડ્યા હતા. ઓબીસી અનામતના વિધેયકની ચર્ચા સમયે તેઓ પોઈન્ટ ઓફ ઓર્ડરના નામે સ્પષ્ટતા કરવા ઉભા થયા ત્યારે શંકરભાઈ ચૌધરીએ નિયમ ટાંકવા કહેતાં તેઓ અકળાઈ ઉઠ્યા હતા. પૂર્વ મંત્રી અને પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા રમણલાલ વોરા 15મી વિધાનસભામાં માત્ર ધારાસભ્ય છે પણ હજીયે તેઓ સરકારમાં હોય તેઓ પાવર કરી રહ્યાં હોવાની ચર્ચાઓ ધારાસભ્યોમાં થઈ રહી છે. 

આમ, આજે વિધાનસભા પર્વ અધ્યક્ષ રમણ વોરા અને વર્તમાન અધ્યક્ષ શંકર ચૌધરી વચ્ચે થયેલા શાબ્દીક ટકરાવનો મામલો પણ ચર્ચાયો હતો.  પૂર્વ અધ્યક્ષ રમણલાલા વોરાએ દિલગીરી વ્યક્ત કરી અને તેમના શબ્દોને રેકોર્ડ પર થી દૂર કરવા અનુરોધ કર્યો હતો. વર્તમાન અધ્યક્ષ શંકર ચૌધરીએ એ સમયે કહ્યું હતું કે, આપના પાસેથી ઘણું શિખ્યો છું, વિધાનસભા નિયમોથી ચાલે છે માટે મારો આગ્રહ છે કે નિયમો પર ભાર મુકાય. આપના શબ્દો એવા કોઈ છે નહીં માટે દિલગીરીનો પ્રશ્ન રહેતો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news