અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે... રાધનપુરમાં જાણો કોણે આપ્યું આવુ નિવેદન

Gujarat Elections 2022 : રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું બીજી વાર સંમેલન મળવા જઈ રહ્યું છે. તો પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના વિરોધમાં તીખી પ્રતિક્રિયા આપી

અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે... રાધનપુરમાં જાણો કોણે આપ્યું આવુ નિવેદન

પ્રેમલ ત્રિવેદી/પાટણ :રાધનપુરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ જંગ જામ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી હારનાર અલ્પેશ ઠાકોરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું બીજી વાર સંમેલન મળવા જઈ રહ્યું છે. તો પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના વિરોધમાં તીખી પ્રતિક્રિયા આપી છે. 

અલ્પેશ ઠાકોરના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરની તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારો અલ્પેશ ઠાકોર સામે પૂરતો વિરોધ છે. પરંતુ ભાજપ સામે કોઈ વિરોધ નથી. અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે. તેઓ ટિકિટ લઈને આવે તો આ સીટ જાય એમ છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ત્રણ તાલુકાને જોડતું આ વિધાનસભાનું સંમેલન છે. જેમાં ભાજપના વિરુદ્ધની કોઈ વાત નહિ થાય. અમારે એક જ મુદ્દો છે કે સ્થાનિક ઉમેદવાર જોઈએ. અમારી માંગ સ્થાનિક ઉમેદવાર માટેની છે. કારણ કે, અલ્પેશ ઠાકોર જ્યારે આવે ત્યારે તેમની સેનાના 2000 માણસોને બોલાવે અને તેમને મળીને જતા રહે છે. તે વિસ્તારના આગેવાનોને પૂછતો નથી, તેમને ઓળખતો પણ નથી. પાંચ વર્ષોમાં કોઈ દિવસ ફોન કર્યો નથી. મરજીની જેમ વહેવાર કરે છે. હવે તેમણે રાજકારણ છોડી દીધું છે. હવે તો તેમણે કહ્યું કે, મારે રાધનપુરને પરણવુ છે. આ નિવેદન વાજબી ન ગણાય. પરણવાની વાત રાજકીય ન ગણાય, એ તો બહેન-દીકરીને પરણવાની વાત હોય તેવું લાગે. તેથી સમાજમાં તેમના પ્રત્યે રોષ છે. જેથી અમે આ સંમેલન બોલાવ્યું છે. તેમા ભાજપના વિરોધની કોઈ વાત જ નથી. અમે વર્ષોથી ભાજપના હતા, અને ભાજપના રહેવાના છીએ. 

ઉલ્લેખનીય છે કે, રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાધનપુર બેઠક પર ભાજપની અંદરોઅંદરની લડાઈ જોવા મળી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવા સંકેત આપ્યા છે. તેની વચ્ચે રાધનપુર ભાજપમાં અંદરખાને જ બે મોટા ભાગ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ રાધનપુર વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ MLA લવિંગજી ઠાકોર-નાગરજી ઠાકોરની આગેવાનીમાં 11 ઓક્ટોબરે મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે. અઢારે આલમ સમાજના નામે યોજાનાર મહાસંમેલન પહેલા ‘જીતશે સ્થાનિક, હારશે બહાર’નો લખાણવાળી પત્રિકા ફરતી થઈ ગઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news