રાધનપુરમાં નવા-જૂનીના એંધાણ, ભાજપ વર્સિસ ભાજપની લડાઈ વચ્ચે મહાસંમેલન યોજાશે
Gujarat Elections : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવા સંકેત આપ્યા છે. તેની વચ્ચે રાધનપુર ભાજપમાં અંદરખાને જ બે મોટા ભાગ થઈ ગયા હોવાનું સામે આવ્યું
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ: રાધનપુર વિધાનસભા ચૂંટણી પહેલા જ નવા-જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. રાધનપુરની ટિકિટ માટે ભાજપમાં અંદરોઅંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પૂર્વ MLA લવિંગજી ઠાકોર-નાગરજી ઠાકોરની આગેવાનીમાં 11 ઓક્ટોબરે મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે. અઢારે આલમ સમાજના નામે યોજાનાર મહાસંમેલન પહેલા ‘જીતશે સ્થાનિક, હારશે બહાર’નો લખાણવાળી પત્રિકા ફરતી થઈ ગઈ છે. 11 ઓક્ટોબરે સમીના રણાવાડા ગામે આ મહાસંમેલન યોજાનાર છે.
મહત્વનું છે કે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાધનપુર બેઠક પર ભાજપની અંદરોઅંદરની લડાઈ જોવા મળી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવા સંકેત આપ્યા છે. તેની વચ્ચે રાધનપુર ભાજપમાં અંદરખાને જ બે મોટા ભાગ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ રાધનપુર વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે.
રાધનપુર બેઠકની ટીકીટને લઈ ભાજપમા જ કકળાટ શરૂ થયો છે. એક તરફ અલ્પેશ તો બીજી તરફ પૂર્વ MLA લવિંગજી ઠાકોર-નાગરજી ઠાકોર છે. આમ રાજકીય રીતે આ મહાસંમેલન મોટો ભાગ ભજવશે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા 2022 ની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. તાજેતરમાં દશેરાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પાટણની ચાણસ્મા વિધાનસભા બેઠક પર યોજાયેલ સહસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં આગામી વિધાનસભા 2022 ની ચૂંટણીને લઇ ચાણસ્મા અને રાધનપુર વિધાનસભા બેઠક પર સંભવિત ઉમેદવાર વિશે આડકતરી રીતે સંકેત આપતા ચર્ચા શરૂ થઈ છે. સીઆર પાટીલે ચાણસ્મા સીટ પર ચૂંટણી લાડવા માટે દિલીપ ઠાકોરના નામના સંકેત આપ્યા હતા, તો બીજી તરફ રાધનપુરથી બીજી વાર પરણવાના નિવેદનને લઈને અલ્પેશ ઠાકોરને પાર્ટીના સિનિયર નેતા કહીને કટાક્ષ કર્યો હતો અને તે રાધનપુરથી ચૂંટણી લડે અને જીતે તેમ જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે