એક-બે નહીં 25 વાર ધાકધમકી અને બળજબરીથી અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો બળાત્કાર

વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરિણીતાએ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર બળાત્કારના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે

એક-બે નહીં 25 વાર ધાકધમકી અને બળજબરીથી અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો બળાત્કાર

કૌશલ જોશી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુન્હો નોંધાતા સરકારી આલમમાં ખળભળાટ મચ્યો છે. વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાની એક પરિણીતાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. વેરાવળ રેન્જના RFO હરેશ ગલચર દ્વારા અનેક વાર બળાત્કાર ગુજાર્યાનો પરિણીતાએ આક્ષેપ કર્યો છે. વેરાવળમાં ફોરેસ્ટ ઓફીસના સરકારી મકાનમાં તેમજ સ્ટાફ ક્વાર્ટરમાં હીનકૃત્ય આચરવામાં આવ્યું હોવાનો પરિણીતાએ આક્ષેપ કર્યો છે.

આ ઉપરાંત આ ગુન્હામાં મદદગારી કરનાર દાનીશ પંજા અને રાજ ગલચર વિરુદ્ધ પણ પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. પોલીસમાં ગુન્હો નોંધાતા વન વિભાગમાં ખળભળાટ મચ્યો છે. બીજી તરફ સરકારી ઓફિસ અને કવાટરમાં થયેલ દુષ્કર્મને લઈને લોકો સ્તબ્ધ બન્યા છે. જે સરકારી અધિકારીઓ પાસે શિસ્ત અને સંચાલનની અપેક્ષા રખાય છે તે આવું દુષ્કર્મ આચરે ત્યારે કોના પર ભરોસો કરવો અને કોના પર નહિ તે સવાલ પ્રસ્તુત થાય છે.

વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરિણીતાએ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર બળાત્કારના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવાયું હતું કે, આ ઘટનાની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે લાયન શોમાં પકડાયેલ જેને છોડાવવા પીડિતા તેના પતિ સાથે RFO હરેશ ગલચરને મળ્યા હતા.

ત્યારે પીડિતા અને આરએફઓ સંપર્કમાં આવ્યા હતા અને પીડિતાનો મોબાઈલ નંબર મેળવી તેને મદદની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પીડિતાના કહેવા મુજબ 25 વખત બળજબરીથી ધાકધમકી આપી ફોરેસ્ટ ક્વાર્ટર અને કચેરીમાં બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના કહેવા મુજબ આરોપી RFO હરેશ ગલચર દ્વારા તેમના પતિ અને સંતાનને મારી નાખવા તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી.

એ.એસ.પી. ઓમપ્રકાશ જાટે વધુમાં જણાવ્યું હતું કે, પીડિતા દ્વારા થોડા સમય પૂર્વે પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી. ત્યારે આરોપી દ્વારા પીડિતાના પતિને સુત્રાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફીસ કરાર આધારિત નોકરી પર રાખી ફરિયાદ ના કરવા દબાણ કર્યું હતું. પરંતુ બાદમાં તેમના પતિ પગાર લેવા જતા ધમકાવી કાઢી મુક્યા હતા. હાલ તો પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ આધારે RFO ગલચર તથા આ કૃત્યમાં મદદગારી કરનાર દાનીશ અલીમહમદ પંજા, રાજ ગલચર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દરમિયાન રાત્રીના જ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટિમ દ્વારા આરોપી હરેશ ગલચરને ફોરેસ્ટ કોલોનીમાંથી ઝડપી લઈ વેરાવળ પોલીસ હવાલે કરાયા છે. જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર હોવાનું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news