'જો પાણી નહિ મળે તો અમારો પાક મુરઝાઈ જશે', બનાસકાંઠાના ખેડૂતોને માથે હાથ દઈ આવ્યો રોવાનો વારો!

ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ પાક મુરઝાવાની ભીતિ ઉભી થતા રોષે ભરાયેલા ખેડૂતોએ કેનાલોને ચૂંટણીલક્ષી કેનાલો ગણાવી રોષ ઠાલવી સરકાર પાસે ખેડૂતોએ માત્ર બે પિયતનું પાણી આપવા માંગ કરી છે. 

'જો પાણી નહિ મળે તો અમારો પાક મુરઝાઈ જશે', બનાસકાંઠાના ખેડૂતોને માથે હાથ દઈ આવ્યો રોવાનો વારો!

અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. કેનાલ માંથી મળતું સિંચાઈનું પાણી ખેડૂતોને ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ પાક મુરઝાવાની ભીતિ ઉભી થતા રોષે ભરાયેલા ખેડૂતોએ કેનાલોને ચૂંટણીલક્ષી કેનાલો ગણાવી રોષ ઠાલવી સરકાર પાસે ખેડૂતોએ માત્ર બે પિયતનું પાણી આપવા માંગ કરી છે. 

ઉત્તર ગુજરાતમાં દિવસેને દિવસે ભૂગર્ભજળની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે બનાવેલી કાચી કેનાલોમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકા માંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા દિયોદર ,લાખણી, થરાદ,કાંકરેજ અને થરાદના રાહ પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 

ખેડૂતોએ ઉનાળામાં બાજરી સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ ચાલુ કેનાલ અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના પાક મુરઝાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, માત્ર ચૂંટણીના સમયે જ પાણી છોડી પાણી બંધ કરી દેવાના ખેડૂતોએ આરોપ લગાવ્યા તો સાથે સાથે સરકાર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ખેતી માટે માત્ર બે થી ત્રણ પિયત પીવડાવી શકાય તેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહે તો ખેડૂતોના ભૂગર્ભજળની સમસ્યાનો પણ સમાધાન થઈ શકે તેમ છે.

આઠસોથી હજાર ફૂટ જેટલા બોરવેલમાં પાણી ઊંડા જતા ખેડૂતો હવે કેનાલ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે તો બીજી તરફ વાવેતર કરેલા તૈયાર પાક હવે ખેતરોમાં લહેરાઇ રહ્યો છે અને અચાનક જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને માથે હાથ દઈ રોવનો વારો આવ્યો છે .
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news