વેરા માટે પ્રજાનો વારો પાડતું તંત્ર, કેમ ભૂલી જાય છે સરકારી કચેરીઓનું કરોડોનું લેણું!

વડોદરા પાલિકા દ્વારા વેરામાં વધારો કરી સામાન્ય નાગરિકો પર 80 કરોડ રૂપિયાનો બોઝો ઝીંકવામાં આવ્યો છે.તો સાથે જ પાલિકા દ્વારા નાગરિકો પાસેથી વેરાની કડક વસુલાત પણ કરવામાં આવી રહી છે.

વેરા માટે પ્રજાનો વારો પાડતું તંત્ર, કેમ ભૂલી જાય છે સરકારી કચેરીઓનું કરોડોનું લેણું!

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા કોર્પોરેશન દ્વારા સામાન્ય નાગરિકો પાસેથી વેરાની કડક વસુલાત કરવામાં આવી રહી છે. જો કોઈ નાગરિક વેરાની રકમ ન ભરે તો તેની મિલકત સિલ કરવામાં આવી રહી છે. વડોદરામાં આવેલી સરકારી કચેરીઓનો 39 કરોડ ઉપરાંતનો વેરો બાકી છે. ત્યારે નાગરિકો પાસેથી વેરાની કડક ઉઘરાણી કરતી પાલિકા સરકારી કચેરીઓ સામે લાચાર બની હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરા પાલિકા દ્વારા વેરામાં વધારો કરી સામાન્ય નાગરિકો પર 80 કરોડ રૂપિયાનો બોઝો ઝીંકવામાં આવ્યો છે.તો સાથે જ પાલિકા દ્વારા નાગરિકો પાસેથી વેરાની કડક વસુલાત પણ કરવામાં આવી રહી છે, પાલિકા દ્વારા શહેરના 37000 જેટલી રેહનાક મિલકતોને વેરો ભરી દેવા નોટીસ ફટકારવામાં આવી છે, તો સાથે જ વેરાની રકમ નહિ ભરનાર 3500 મિલકતો સીલ કરી દેવામાં આવી છે, તેવામાં પાલિકામાં વેરો નહીં ભરતા રાજ્ય અને કેન્દ્ર સરકારની 135 કચેરીઓનો હાલ 39.72 કરોડના વેરો બાકી નીકળતા પાલિકાની બેવડી નીતિ ખુલ્લી પડી ગઈ છે.

છેલ્લા 10 વર્ષથી અમુક સરકારી ઈમારતો પાલિકામાં વેરો જ ભરતાં નથી. વડોદરા પાલિકાની વેરા વસૂલાતની આવક ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 502 કરોડને પાર પહોંચી ગઇ છે. સાથે જ ગત વર્ષ 21 ફેબ્રુઆરીની સરખામણીએ 54 કરોડ 36 લાખથી વધુના રૂપિયાની વેરા વસૂલાત થઇ છે. તેવામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંચાલિત કચેરીઓ દ્વારા કરોડો રૂપિયાનો વેરો નહિ ભરાતા કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા પાલિકાની બેવડી નીતિ સામે વેધક સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

  • વેરા બાકી છે તેવી સરકારી કચેરીઓની યાદી
  • રાજ્ય સરકાર સંચાલિત કચેરીઓ
  • પોલીસ ભવનનો રૂ.8,78,87,199 વેરો બાકી
  • SSG હોસ્પિટલનો રૂ.3,72,78,708 વેરો બાકી
  • ગોત્રી GMERS હોસ્પિટલના રૂ. 1,77,62,442 વેરો બાકી
  • સરકારી મેડિકલ કોલેજના રૂ.1,85,44,745 વેરો બાકી
  • આ સાથે જ નર્મદા પ્રોજેકટ,ખાદીગ્રામ ઉદ્યોગ,સિટી સબ ડીવીઝન,આણંદ એગ્રો યુનિવર્સિટી,વેકસીન ઇન્સ્ટિટ્યૂટ.સેન્ટ્રલ જેલ
  • TDO કચેરી સહિતની 102 કચેરીઓ દ્વારા પાલિકામાં વેરાની રકમ નથી ભરવામાં આવી
  • જ્યારે કેન્દ્ર સરકાર સંચાલિત કચેરીઓ અંગે વાત કરવામાં આવે તો
  • વેસ્ટર્ન રેલવે,આર્મી,BSNL, એરફોર્સ, એરપોર્ટ,કસ્ટમ વિભાગ,પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર
  • ઇન્કમ ટેક્ષ સહિત 33 જેટલી કચેરીઓનો વેરો બાકી છે

ગુજરાતમાં કોરોનાનુ સૌથી મોટું કૌભાંડ! જયા, જુહી અને મહિમા જેવા સ્ટારનું નામ ચર્ચામાં

અત્યાર સુધી સરકારી કચેરીઓના 39 કરોડ જેટલો વેરો બાકી છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ તમામ કચેરીઓને ફક્ત નોટિસ આપવામાં આવે છે અને સરકારી કચેરીના બાકી પડતા વેરા જલ્દી આવી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાય છે...સરકારી કચેરીના બાકી વેરાની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારના 33 વિભાગો-કચેરીઓના રૂ. 13.64 કરોડ અને રાજ્ય સરકારના 102 વિભાગોના રૂ. 26.07 કરોડ બાકી છે.

કેન્દ્ર સરકાર સંચાલિત જો કોઈ કચેરીનો વેરો બાકી હોય તો તે સૌથી વધુ વેસ્ટર્ન રેલવેના રૂ. 8.59 કરોડ છે, તો સાથે જ રાજ્ય સરકારની પોલીસ કમિશનર કચેરીના 8.78 કરોડ, સયાજી હોસ્પિટલના રૂ. 3.72 કરોડ, ગોત્રી મેડિકલ કોલેજ-હોસ્પિટલના રૂ. 1.77 કરોડના બાકી વેરાની વસુલાત કરવામાં આવી નથી. ત્યારે સમગ્ર મામલે મેયર કેયુર રોકડીયાએ કહ્યું કે કોર્પોરેશન અવાર નવાર પોલીસ બંદોબસ્ત લે છે, જેના નાણાં પોલીસને નથી ચૂકવતાં તેના બદલામાં પોલીસ પણ પાલિકાનો વેરો નથી ભરતી...જ્યારે અન્ય સરકારી ઇમારતો પાસેથી વહેલીતકે વેરો વસુલ થાય તેવા પ્રયાસો કરીશું. જ્યારે પાલિકાના ડેપ્યુટી મ્યુનસિપલ કમિશ્નરને હજી પણ વિશ્વાસ છે કે સરકારી ઇમારતોના સત્તાધીશો વેરો ભરી દેશે..

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંચાલિત કુલ 135 જેટલી સરકારી કચેરીઓ દ્વારા પાલિકામાં વેરાની રકમ ભરવામાં આવતી નથી, છતાં પાલિકાના શાસકોના વેરાની કડક વસૂલાત કરતાં હાથ ધ્રૂજે છે. ત્યારે સામાન્ય નાગરિકો અને સરકારી ઈમારતો વચ્ચે વેરા વસુલાત નીતિમાં ભેદભાવ કેમ તે સવાલો ઉઠવા પામે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news