અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર તરીકે વિજય નહેરાએ સંભાળ્યો ચાર્જ

 રૂ.7000 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતા મેગાસીટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશ્નર તરીકે રાજ્ય સરકારે સિનીયર આઇએએસ અધિકારી વિજય નહેરાની પસંદગી કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર તરીકે વિજય નહેરાએ સંભાળ્યો ચાર્જ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 32 કમિશ્નર તરીકે સિનીયર આઇએએસ અધિકારી વિજય નહેરાએ વિધીવત પોતાનો હોદ્દો ગ્રહણ કરી લીધો છે. રાજ્યની સૌથી મોટી મહાનગર પાલીકાના વહીવટી વડા તરીકનો ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ લોકોના પ્રાથમિક પ્રશ્નોના નિવારણ માટે તત્પરતા દાખવવાની વાત કરી છે.

તાજેતરમાં રાજ્ય સરકારે કરેલી આઇએએસ અધિકારીઓની બદલી અંતર્ગત એએમસીના કમિશ્નર મુકેશ કુમારની પણ બે વર્ષ બાદ બદલી થઇ છે. ત્યારે રૂ.7000 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતા મેગાસીટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશ્નર તરીકે રાજ્ય સરકારે સિનીયર આઇએએસ અધિકારી વિજય નહેરાની પસંદગી કરી છે. જેઓએ આજે સવારે 10.30 કલાકે વિધીવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો. 

જે દરમ્યાન એએમસીના અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમનુ સ્વાગત કર્યુ. એએમસી કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ મીડિયા સાથે ખુલ્લા મને વાત કરી. જેમાં વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો પામેલા અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવુ અને લોકોના પ્રાથમીમિક પ્રશ્નોનું ચૂંટાયેલા પ્રતીનિધિઓની મદદથી નિવારણ લાવવુ એ તેમની પ્રાથમિકતા રહેશે તેમ જણાવ્યું હતું. 

નોંધનીય છેકે મેગાસીટી અમદાવાદ હવે સ્માર્ટ સિટી બનવા તરફ પણ આગળ વધી રહ્યુ છે. ત્યારે શહેરના દરજ્જાને અનુરૂપ એએમસી દ્વારા કામગીરી કરાય, પીરાણા ડમ્પ સાઇટની સમસ્યાનો ઉકેલ આવે તથા ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ન ભરાય અને રોડ ન તૂટે તે માટે પણ ટૂંકા અને લાંબાગાળાના પગલા ભરવા માટેની વાત નવા મ્યુનિસિપલ કમિશ્નરે કરી છે.

નોંધનીય છેકે વિજય નહેરા આ પહેલા અમદાવાદના કલેક્ટર અને રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર સહીત વિવિધ જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે જેથી તેઓને અમદાવાદ શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સંબંધી બહોળો અનુભવ છે. ત્યારે હવે જોવાનુ રહે છેકે નવા કમિશ્નર શહેરના જુના પ્રશ્નોનો કેટલો ઉકેલ લાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news