24 કલાકમાં છિનવાઈ શકે છે કર્ણાટકના CM યેદિયુરપ્પાની ખુરશી!

હાલમાં પદ પર તલવાર લટકી રહી છે

24 કલાકમાં છિનવાઈ શકે છે કર્ણાટકના CM યેદિયુરપ્પાની ખુરશી!

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી મળી ગયા પછી હવે યેદિયુરપ્પાના વડપણમાં કર્ણાટકમાં બીજેપી સરકાર બની ગઈ છે. કોંગ્રેસ અને જેડીએસ તરફથી અપીલ કરાયા પછી બુધવારે રાત્રે લગભગ દોડ વાગ્યે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ ખોલવામાં આવી. ત્રણ જજોની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેઓ રાજ્યપાલનો નિર્ણય ન બદલાવી શકે અને આ સાથે જ કર્ણાટકમાં યેદિયુરપ્પાની સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં એક શરત મુકી છે જેના કારણે યેદિયુરપ્પા માટે મુસીબત ઉભી થઈ શકે છે. 

બુધવારે મધરાત પછી શરૂ થયેલી સુનાવણીમાં કોર્ટે તમામ પક્ષની દલીલ સાંભળી અને પછી બીજેપીને આયોજન પ્રમાણે શપથ ગ્રહણ સમારોહ યોજવાની મંજૂરી આપી દીધી. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એ.કે. સીકરી, ન્યાયમૂર્તિ એસ.કે. બોબડે અને ન્યાયમૂર્તિ અશોક ભુષણની વિશેષ પીઠે યેદિયુરપ્પાને રાજ્યપાલને 15 મે અને 16 મેના દિવસે સોંપાયેલા પત્ર કોર્ટમાં જમા કરવાનું કહ્યું છે.

કોર્ટ જાણવા માગે છે કે આખરે યેદિયુરપ્પાની ચિઠ્ઠીમાં એવું શું હતું કે રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. સુપ્રીમ કોર્ટે આજે બપોરે 2 વાગ્યા સુધી ચિઠ્ઠી કોર્ટમાં જમા કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે શુક્રવારે સવારે 10.30 વાગ્યે આ મામલે ફરી કોર્ટમાં સુનાવણી થશે.

જાણકારોનું માનવું છે કે જો ચિઠ્ઠીમાં બહુમતીના આંકડાનો ઉલ્લેખ નહીં હોય તો રાજ્યપાલના નિર્ણય પર સવાલ ઉભા થશે. યેદિયુરપ્પાએ બહુમતિ સાબિત કરતી યાદી કોર્ટમાં જમા કરાવવી પડશે અને જો એવું ન થાય તો આ સંજોગોમાં કોર્ટ ચુકાદો આપીને તેમની ખુરશી છિનવી પણ શકે છે. 

ઉત્તર પ્રદેશમાં જગદંબિકા પાસે સાથે આવો જ ઘટનાક્રમ બન્યો હતો. અલ્હાબાદ હાઇ કોર્ટની લખનૌ બેંચના નિર્ણય પછી જગદંબિકા પાલે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 21-22 ફેબ્રુઆરી, 1998ની રાતે યુપીના ગવર્નર રોમેશ ભંડારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાનો પ્રસ્તાવ મુક્યો હતો પણ કેન્દ્રએ એને ઠુકરાવી દીધો હતો. બીજેપીન મુખ્યમંત્રી કલ્યાણ સિંહે બીજા પક્ષના ધારાસભ્યો સાથે 93 સભ્યોનું મંત્રીમંડળ બનાવ્યું હતું.

બીજા રાજકીય દળોએ આ વાતનો ઇનકાર કર્યો હતો અને સરકારને અસ્થિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રોમેશ ભંડારીએ આ મામલે કેબિનેટ બરખાસ્ત કરવાનો નિર્ણય લઈને જગદંબિકા પાલને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે આ સરકાર એક દિવસ પણ ટકી શકી નહોતી. જગદંબિકા પાલે સીએમનું પદ છોડવાનો નિર્ણય લીધો અને કલ્યાણ સિંહનો મુખ્યમંત્રી તરીકે સ્વીકાર કરી લેવામાં આવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news