નાની-મોટી હિંસા વચ્ચે મધ્યપ્રદેશમાં 75 ટકા મતદાન

મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે 2899 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 1,094 ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, રાજ્યમાં 1145 EVM મશીનમાં ગરબડ જણાતા તેના સ્થાને નવા મશીન મુકવામાં આવ્યા 

નાની-મોટી હિંસા વચ્ચે મધ્યપ્રદેશમાં 75 ટકા મતદાન

ભોપાલઃ બુધવારે મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠક માટે મતદાન યોજાયું હતું. રાજ્યમાં સાંજે 7 કલાક સુધીમાં 75% મતદાન નોંધાયું હતું. વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં 72.69 ટકા મતદાન નોંધાયું હતું. હવે, 11 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. 

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વી.એલ. કાન્થા રાવે જણાવ્યું કે, "રાજ્યમાં 227 બેઠકો પર સવારે 8 કલાકથી સાંજે 5 કલાક સુધી મતદાન યોજાયું હતું, જ્યારે નકસલવાદ પ્રભાવિત બાલાઘાટ જિલ્લાની લાનજી, પારસવાડા અને બૈહાર બેઠકો પર સવારે 7 કલાકથી બપોરે 3 કલાક સુધી મત નાખવામાં આવ્યા હતા. રાજ્યમાં 65,341 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં 3,00,782 ચૂંટણી કર્મચારીઓ પોતાની ફરજ બજાવી હતી, જેમાં 45,904 મહિલા કર્મચારી હતા. ચૂંટણીની ફજ દરમિયાન હૃદયરોગનો હુમલો આવતાં 3 કર્મચારીના મોત થયા હતા. રાજ્યમાં ચૂંટણીમાં સુરક્ષા માટે 1 લાખ 80 હજાર અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે"

ચૂંટણી કમિશનરે વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં 1145 વોટિંગ મશીન અને 1,545 VVPAT મશીન બગડેલા હોવાની ફરિયાદ મળી હતી, જેના સ્થાને નવા મશીન મુકવામાં આવ્યા હતા. 

રાજ્યમાં કેટલાક સ્થળોએ નાની-મોટી હિંસાના સમાચાર આવ્યા હતા. ભીંડની લહાર વિધાનસભામાં ઉપદ્રવીઓએ ઉત્પાત મચાવતા મછંડ પોલિંગ બૂથ પર કબ્જો જમાવ્યો. હોબાળા દરમિયાન ત્યાં ફાયરિંગનો મામલો પણ સામે આવ્યો છે. આ જ વિસ્તારના રાયપુરા મતદાન મથક પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો. અહીં વોટિંગ મશીન તોડ્યા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અટેર વિધાનસભાના પોલિંગ બૂથ પર109 પર નકલી મતદાનને લઈને ભાજપના એજન્ટ અભિષેક મિશ્રા પર હુમલો થયો. આરોપ છે કે વિપક્ષી દળના અડધા ડઝનથી વધુ લોકોએ હુમલો કર્યો છે. 

મતદાન ચાલું હતું ત્યારે કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આરોપ લગાવ્યો હતો કે, "રાજ્યમાં અનેક જગ્યાએ ઈવીએમ ખોટકાઈ ગયા હોવાની ફરિયાદો જાણવા મળી છે. અમે ચૂંટણી પંચને આ સ્થળોએ મતદાનનો સમય લંબાવી આપવા વિનંતી કરી છે." કોંગ્રેસના નેતા કમલનાથે પણ ટ્વીટ કરીને જે સ્થળોએ ઈવીએમ બગડી ગયાની ફરિયાદો મળી હોય ત્યાં સમય વધારો કરવા અંગેનો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી હતી. 

કમલનાથી ટ્વીટનો જવાબ આપતા મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે દિલ્હીમાં જણાવ્યું કે, જે જગ્યાએ ઈવીએમ મશીન ખરાબ થઈ જાય અને તેને બદલવાની પ્રક્રિયામાં જો સમય વેડફાય તો મતદાન પ્રક્રિયામાં તેટલો સમય વધારવાની સ્થાનિક ચૂંટણી અધિકારીને સત્તા આપવામાં આવેલી છે. આથી તેઓ સમગ્ર બાબત જોઈ લેશે. 

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવામાં લાગેલા પોલીસ અને પ્રશાસને રાજ્યમાં ભિંડ જિલ્લામાં 3 વિધાનસભાના દબંગ ઉમેદવારોને નજરકેદ કર્યા છે. કોઈ પ્રકારના અનિચ્છનીય હાલાત  પેદા ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. 

સવારે 8 વાગે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પત્ની સાધના સિંહ સાથે પોતાના ગામ જૈતમાં મતદાન કર્યું. આ અગાઉ ભાજપના નેતા શિવરાજ સિંહે પત્ની અને પુત્રો સાથે પોતાના પૈતૃક ગામ જૈતમાં દર્શન પૂજન કરીને પ્રદેશવાસીઓને કલ્યાણ, સુખ અને સમૃદ્ધિની કામના કરી. તેમણે કહ્યું કે આજે મતદાન છે, આથી દર્શન પૂજા કરીને હવે મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું. અત્રે જણાવવાનું કે બુધની વિધાનસભા સીટ પર આ વખતે શિવરાજ સિંહ સામે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવ જંગ લડી  રહ્યાં છે. 

રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર છે અને વર્તમાન ચૂંટણીમાં ભાજપે 230 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. કોંગ્રેસે 229 બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે અને એક બેઠક શરદ યાદવના લોકતાંત્રિક દળને આપી છે. સમાજવાદી પાર્ટી 52 બેઠકો પર, જ્યારે માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી 227 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 

મધ્યપ્રદેશ 2013 ચૂંટણી પરિણામ
બેઠકઃ ભાજપ(165), કોંગ્રેસ (58), બીએસપી(4) અને અપક્ષ(3)
મતની ટકાવારીઃ ભાજપ(44.88 ટકા), કોંગ્રેસ (36.38 ટકા), બીએસપી (6.29 ટકા)
મતદાર સંખ્યાઃ કુલ મતદાર 4,66,36,788 (2,45,71,298 પુરુષ અને 2,20,64,402 મહિલા)
મતદાન ટકાવારીઃ કુલ 70.07 ટકા (73.86 ટકા પુરુષ અને 70.09 ટકા મહિલા)

મધ્યપ્રદેશ વિધાનસભા
કુલ બેઠકઃ 230
બહુમત માટે જરૂરી બેઠકઃ 116
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 28 નવેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news