Uttarakhand: આજથી ઉત્તરાખંડની કમાન પુષ્કર સિંહ ધામીના હાથમાં, રાજ્યના 11માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

Uttarakhand New Cm: આજથી ઉત્તરાખંડમાં ધામી રાજની શરૂઆત થઈ ગઈ છે. પુષ્કર સિંહ ધામીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. 

Uttarakhand: આજથી ઉત્તરાખંડની કમાન પુષ્કર સિંહ ધામીના હાથમાં, રાજ્યના 11માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

દેહરાદૂનઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે પુષ્કર સિંહ ધામીએ શપથ ગ્રહણ કરી લીધા છે. આ સાથે પુષ્કર સિંહ ધામી પ્રદેશના સૌથી યુવા મુખ્યમંત્રી બની ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પુષ્કર સિંહ ધામીને મહત્વની જવાબદારી આપી છે. ધામી ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ બેબી પ્રસાદ મૌર્યએ તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા છે.મહત્વનું છે કે માત્ર સાડા ચાર વર્ષમાં ભાજપે ત્રીજા મુખ્યમંત્રી આપ્યા છે. પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી હતા. ત્યારબાદ તીરથ સિંહ રાવતને કમાન સોંપવામાં આવી હતી. પરંતુ ત્રણ દિવસ પહેલા તીરથ સિંહે બંધારણીય સંકટની વાત કહી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ પાર્ટીએ પુષ્કર સિંહ ધામીની પસંદગી કરી છે. 

મુખ્યમંત્રીની સાથે આ ધારાસભ્યોએ મંત્રી પદે લીધા શપથ
મુખ્યમંત્રીની સાથે ભાજપના વરિષ્ઠ નેતા સતપાલ મહારાજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય હરક સિંહ રાવતે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. ધારાસભ્ય બંશીધર ભગત અને યશપાલ આર્યએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. સુબોધ અનિયાલ, અરવિંદ પાન્ડેય, ગણેશ જોશી, ડો. ધનસિંહ રાવત, બિશન સિંહ, રેખા આર્યએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. 

વરિષ્ઠ નેતાઓના લીધા આશીર્વાદ
પુષ્કર સિંહ ધામીએ શપથ લેતા પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ધામીએ દેહરાદૂનમાં રાજ્યના મંત્રી સતપાલ મહારાજ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ ભુવન ચંદ્ર ખંડૂરી સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ લીધા હતા. 

— ANI (@ANI) July 4, 2021

બન્યા સૌથી યુવા મુખ્યમંત્રી
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના સૌથી યુવા ઉંમરના મુખ્યમંત્રી બની ગયા છે. તેઓ 45 વર્ષની ઉંમરે સીએમ બની ગયા છે.  પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર 1975ના રોજ ખાતીમામાં થયો હતો. હાલમાં ઉત્તરાખંડમાં સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે રહેશે. 70 વિધાનસભા સીટવાળા ઉત્તરાખંડમાં ભાજપની પાસે 57 ધારાસભ્યો છે. સાડા ચાર વર્ષના શાસનમાં ભાજપે ત્રીજા મુખ્યમંત્રી આપ્યા છે. આ પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવત અને તીરથ સિંહ રાવત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તીરથ રાવતે બંધારણીય કારણોથી ચાર મહિનાની અંદર પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. 

ભાજપ યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે
તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે. ભાજપના યુવા કાર્યકર્તાઓ પર તેમની સારી પકડ માનવામાં આવે છે. તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ ભાજપની એક રણનીતિ યુવા મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાની હોઈ શકે છે. 

ખટીમાથી સતત બીજીવાર ધારાસભ્ય
ધામી ઉધમસિંહ નગર જિલ્લાની ખટીમા વિધાનસભા સીટથી સતત બીજીવાર ધારાસભ્ય બન્યા છે. 

ભગતસિંહ કોશિયારીના નજીકના
ધામીને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશ્યારીના નજીકના માનવામાં આવે છે. કોશ્યારી હાલ સક્રિય રાજનીતિમાં છે અને તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. 

બીજીવાર ધારાસભ્યથી મુખ્યમંત્રીની ખુરશી સુધી
પુષ્કર સિંહ ધામી 2012માં પ્રથમવાર ખટીમા સીટથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે ત્યારે કોંગ્રેસના દેવેન્દ્ર ચંદને આશરે 5 હજાર મતોના અંતરથી હરાવ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધામીએ ખટીમાથી સતત બીજીવાર જીત મેળવી હતી. આ વખતે તેમણે કોંગ્રેસના ભુવન ચંદ્ર કાપડીને 3 હજારના મતે હરાવ્યા હતા. હવે તેઓ રાજ્યના 11માં મુખ્યમંત્રી બની ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news