ડિયર જિંદગી: કાશ! માફ કરી દીધા હોત...

ડિયર જિંદગી: કાશ! માફ કરી દીધા હોત...

'ડિયર જિંદગી'ને હાલ જે ઈમેલ, પત્ર અને સંદેશાઓ મળી રહ્યાં છે, તેમાં મોટાભાગના વાંચકોમાં એકબીજાને માફ ન કરી શકવાની અપાર પીડાના ભાવ જોવા મળી રહ્યાં છે. વાંચકો લખે છે કે જો તેમને માફ કરી દીધા હોત, તો કેટલું સારું થાત!

આમાંથી કેટલાક એવા છે જેમના મિત્ર ફરીથી મળ્યા જ નહીં. કેટલાક અચાનક દુનિયા છોડીને જતા રહ્યાં. કેટલાક રીસાઈને એટલા દૂર જતા રહ્યાં કે તેમને માફ કરવાની તક ફરીથી મળે એ શક્ય જ નહતું. સંબંધોના પુલ જીવનની મોટી મોટી પરીક્ષાઓ તો પાર કરી નાખે છે, પરંતુ અનેકવાર 'નદી'નું થોડું પાણી પણ જો 'પુલ' પર આવી ગયું તો તિરાડ પડી જાય છે!

એક આવો જ પ્રસંગ અમને અમારા એક વાંચકે યાદ કરાવ્યો. આ કિસ્સો છે, ભારતીય સિને જગતના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને પોતાની ખાસ ડાઈલોગ ડિલિવરી માટે પ્રખ્યાત શત્રુઘ્ન સિન્હાનો. શત્રુઘ્ન સિન્હા પોતાની બાયોગ્રાફી 'એનીથિંગ બટ ખામોશ' માં લખે છે કે તેઓ ખાસ મિત્ર રાજેશ ખન્ના વિરુદ્ધ ચૂંટણીમાં ઊભા રહેવા માંગતા નહતાં, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ના પાડી શક્યા નહીં. તેઓ અડવાણીને પોતાના ગાઈડ અને ગુરુ માનતા હતાં. જેમની વાત ટાળવી એ તેમના માટે શક્ય નહતી. 

જાણીતા ફિલ્મ વિવેચક ભાવના સોમૈયાએ થોડા દિવસ પહેલા જ રેડિયો પર એક કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે રાજેશ ખન્ના અને શત્રુઘ્ન સિન્હાની ગાઢ દોસ્તી બોલિવૂ઼ડમાં કોઈનાથી છૂપી નહતી. પરંતુ જ્યારે રાજેશ ખન્ના વિરુદ્ધ 1992માં દિલ્હીથી ચૂંટણી લડવાનું તેમણે નક્કી કર્યું તો તેમની દોસ્તીમાં તિરાડ પડી ગઈ. બોલિવૂડના અનેક દિગ્ગજોએ તેમને આમ ન કરવાની સલાહ પણ આપી, કારણ કે તેનાથી બોલિવૂડ બે જૂથમાં વહેંચાઈ જાય તેનો ડર હતો. પરંતુ શત્રુઘ્ન ન માન્યાં. ત્યારબાદ તેમને બંને જગ્યાએથી હારનો સામનો કરવો પડ્યો. 

  • શત્રુઘ્ન સિન્હા રાજેશ ખન્ના સામે ચૂંટણી હારી ગયા.
  • રાજેશ ખન્ના સાથેની તેમની મિત્રતા હંમેશા માટે તૂટી ગઈ. રાજેશ ખન્નાએ ક્યારેય આ બદલ તેમને માફ કર્યા નહીં. 

'ડિયર જિંદગી'નો આ અંક લખતા પહેલા મેં યુ-ટ્યુબ પર શત્રુઘ્ન સિન્હાના અનેક વીડિયો જોયા. એક વીડિયો એવો પણ મળ્યો કે જેમાં તેઓ પોતાના વિરુદ્ધ ચૂંટણી લડનારા અભિનેતા શેખર સુમનને માફ કરતા ઉષ્માભરી રીતે સંબંધ બહાલ કરતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં તેઓ એક વાત માટે દુ:ખી પણ છે કે કેવી રીતે એક રાજકીય નિર્ણયે તેમની પાસેથી હંમેશ માટે એક મિત્રને છીનવી લીધો. શેખર સુમનનો શત્રુઘ્ન સિન્હા સાથે એ જ સંબંધ રહ્યો છે જે એક સમયે સિન્હા અને રાજેશ ખન્નાનો હતો. આ સંબંધમાં પણ ચૂંટણીના કારણે તિરાડ પડી પરંતુ સુમનના પ્રયત્નો અને શત્રુઘ્ન સિન્હાએ મન મોટુ રાખતા સંબંધ ભલે અનેક વર્ષો પછી  પરંતુ પાછા ટ્રેક પર આવી ગયાં. 

હું જે વીડિયોની વાત કરું છું, તેમાં શત્રુ બંનેની મિત્રતાની વાત કરે છે. તેમના મનમાં ઊંડી પીડા જોવા મળી રહી છે. આ વાતને ભાવના વિસ્તૃત રીતે બતાવે છે કે શત્રુઘ્ને આ સંબંધને જોડવાની ખુબ કોશિશ કરી, પરંતુ રાજેશ ખન્ના તે ચૂંટણી બાદ તેમને ક્યારેય મળવા તૈયાર થયા નહીં. એકવાર રાજેશ ખન્નાની તબિયત ખુબ ખરાબ હતી ત્યારે પણ આ મુલાકાત શક્ય બની શકી નહીં. 

શત્રુઘ્ન સિન્હાને આ વાતનું અત્યારે પણ ખુબ દુ:ખ છે. રાજેશ ખન્ના આજે આપણા વચ્ચે નથી, જ્યાં પણ હશે કદાચ તેમને પણ એવું લાગતું હશે કે જો માફ કરી દેત તો સારું થાત! આ કિસ્સાને શેર કરીને હું ફક્ત બે જ વાત કહેવા માંગુ છું. આમ જોઈએ તો માફી હંમેશા દેખાય છે બેતરફી પરંતુ અસલમાં જે માફ કરી દે છે તે જ સૌથી વધુ શાંતિ ભોગવે છે. તેના મનમાં સંતોષ વધુ ગાઢ બને છે. બીજાના મનમાં ઘર કરીને બેસી ગયેલી વ્યથાથી તે ઉભરી જાય છે. 

માફી ન મળવી એ તમારા બસમાં નથી. પરંતુ માફ કરી દેવું તો તમારા અધિકારમાં છે! તેનાથી પોતાને વંચિત ન રાખો!

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news