થીજી ગયું કાશ્મીર, ગુલમર્ગમાં માઈનસ 10 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન
કારગિલમાં તાપમાન માઈનસ 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, છેલ્લા બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે દેશભરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો પારો અચાનક જ નીચે ગગડી ગયો છે
Trending Photos
શ્રીનગરઃ કાશ્મીર ઘાટીમાં કારગિલમાં લોહી થીજવી નાખે એવી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કારગિલમાં તાપમાન શનિવારે 9.9 ડિગ્રી નોંધાયું છે. કડકડતી ઠંડીને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાળાઓમાં પાણી જામી ગયું છે, આટલું જ નહીં ઝરણાઓમાં વહેતું પાણી પણ થીજીને બરફ બની ગયું છે.
લોકોને પીવાનું પાણી લેવા માટે નદીમાં અંદર સુધી જવું પડી રહ્યું છે. અહીંના લોકોના જણાવ્યા અનુસાર, હિમવર્ષાને કારણે અહીં વિજળી પુરવઠો પણ 24 કલાકમાંથી માત્ર 8 કલાક જેટલો જ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવેમ્બર મહિનાથી જ હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી.
આ વર્ષે શિતકાલીન દિવસો (ઠંડીના 40 દિવસ જે 21 ડિસેમ્બરથી શરૂ થાય છે) તેના પહેલાં જ ઠંડી આવી ગઈ છે. કારગિલ અને લેહ ઘાટી કાશ્મીરથી વિખૂટી પડી ગઈ છે. શ્રીનગર-લેહ માર્ગ પર ભારે હિમવર્ષાને કારણે જોઝિલા પાસ બંધ કરી દેવાયો છે. આ રસ્તા બંધ થવાને કારણે કારગિલમાં રહેતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ જાય છે.
સ્થાનિક નિવાસી મુતાઝ અલીએ જણાવ્યું કે, 'જોઝિલા પાસ 6 મહિના બંધ રહેવથી અહીં કોઈ પણ પ્રકારની શાકભાજી મળતી નથી.' કારગિલ અને લેહની જેમ જ કાશ્મીરના અન્ય ભાગોમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. લેહમાં તાપમાન માઈનસ 5.9 તો કાશ્મીરના સૌથી સુંદર પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં સૌથી ઓછું તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમય કરતાં પહેલા હિમવર્ષા થવાને કારણે ઠંડીમાં વધારો થઈ ગયો છે. હવામાન ખાતાના ડિરેક્ટર સોમન લોટસે જણાવ્યું કે, "લેહ કારગિલમાં પણ માઈનસ 9થી માઈનસ 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. લઘુત્તમ તાપમાનમાં હજુ પણ વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વખતે નવેમ્બર મહિનામાં જ સારો એવો બરફ પડી ગયો છે."
કાશ્મીર-લેહ માર્ગ અને મુગલ માર્ગ પરિવહન માટે બંધ કરી દેવાયો છે. દેશને કાશ્મીર સાથે જોડનારો શ્રીનગર-જમ્મુ ધોરિમાર્ગ તાજેતરમાં થયેલી હિમવર્ષાને કારણે બંધ કરાયો હતો, જે આજે ખોલવામાં આવ્યો છે, પરંતુ હજુ લપસણો માર્ગ હોવાને કારણે માત્ર એ ગાડીઓને જ આગળ જવા દેવાઈ રહી છે જે અધવચ્ચે ફસાઈ ગઈ હતી.
કાશ્મીર ઘાટીમાં અન્ય સ્થળોમાં શ્રીનગરમાં માઈનસ 1 ડિગ્રી, પહેલગામમાં માઈનસ 9.7 ડિગ્રી, કાઝીગુંડમાં માઈન 3.4 ડિગ્રી, કોકરનાગમાં માઈનસ 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે