ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરાના વટના કારણે યોજાઈ 1971ની વચગાળાની ચૂંટણી

વર્ષ 1971ની લોકસભા ચૂંટણી ભારતીય નેશનલ કોંગ્રેસમાં પડેલા બે ફાડાના કારણે વહેલી યોજવી પડી હતી, જેમાં એક વર્ગ ઈન્દિરા ગાંધીને પડકાર ફેંકવા તૈયાર થયો હતો. વાત રાષ્ટ્રપતિની ચૂંટણીથી શરૂ થઈ હતી. 1971ની લોકસભા ચૂંટણીમાં દેશમાં 1967ના સરખામણીએ 2 કરોડ 30 લાખ નવા મતદાતાનો પણ ઉમેરો થયો હતો. જોકે, માત્ર 30 લાખ વધુ મત પડ્યા હતા અને 1967ના 61.32 ટકા મતદાનની સરખામણીએ 1971માં 55.25 ટકા જ મતદાન નોંધાયું હતું 

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરાના વટના કારણે યોજાઈ 1971ની વચગાળાની ચૂંટણી

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભારતે લોકશાહી ઢબે સરકાર રચવા માટે 1951માં સૌ પ્રથમ મતદાન કર્યું હતું. ત્યાર પછી દર 5 વર્ષે ચૂંટણી યોજાઈ હ તી. જોકે, 1971માં પ્રથમ વખત નિયત સમય પહેલાં લોકસભા ભંગ કરવામાં હતી અને પ્રથમ વખત મધ્યાવધિ ચૂંટણી યોજાઈ હતી. ઈન્દિરા ગાંધી પૂર્ણ બહુમત સાથે વધુ મજબુતાઈ સાથે ચૂંટાઈને આવ્યા હતા અને તેમણે સતત 5મી વખત કોંગ્રેસની સરકાર બનાવી હતી. 

કોંગ્રેસમાં આંતરિક વિખવાદની શરૂઆત 
1967ની ચૂંટણી પછી કોંગ્રેસના અંદર ઈન્દિરા ગાંધીના વડા પ્રધાન બનવા સામે અંદરો-અંદર અવાજ ઉઠવા લાગ્યો હતો. પાર્ટીની અંદર બે ફાડા પડી ગયા હતા, પરંતુ લોકો ખુલીને બહાર આવતા ન હતા. 1969માં રાષ્ટ્રપતિ ઝાકીર હુસેનના મૃત્યુ પછી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ કે રાષ્ટ્રપતિ પદ માટે સિન્ડિકેટને મહત્વ આપતી આવી છે, તેમણે સંજીવ રેડ્ડીને પોતાના રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યા હતા. ઈન્દિરા ગાંધીને સિન્ડિકેટ સામે વાંધો હતો અને તેઓ પોતાના વિશ્વસનીય વ્યક્તિને રાષ્ટ્રપતિ પદે બેસાડવા માગતા હતા. જોકે, તેઓ પાર્ટી દ્વારા નામાંકિત ઉમેદવારનો જાહેરમાં વિરોધ કરી શકે એમ ન હતા. 

આથી, તેમણે 18 જુલાઈ, 1969ના રોજ મોરરાજી દેસાઈના નાણામંત્રી પદેથી ખસેડીને ખાતું પોતાની પાસે લઈ લીધું. 21 જુલાઈના રોજ તેમણે દેશની 14 પ્રમુખ બેન્કોને રાષ્ટ્રિયકૃત કરવાની જાહેરાત કરી. સાથે જ રજવાડાઓને જે વિશેષ સાલિયાણુ આપવામાં આવતું હતું તે બંધ કરવાની પણ તેમણે જાહેરાત કરી. કોંગ્રેસની સિન્ડિકેટ તેમના આ નિર્ણયોનો વિરોધ કરવા અને તેને રદ્દ કરવા માટે પોતાનો રાષ્ટ્રપતિ બનાવવા માગતી હતી. 

આથી, સિન્ડિકેટે સંજીવ રેડ્ડીના સમર્થનમાં વોટ આપવા માટે કોંગ્રેસની સિન્ડિકેટે વિરોધ પક્ષોનો સંપર્ક કર્યો. ઈન્દિરા ગાંધી આ તકની જ રાહ જોતા હતી કે, સિન્ડિકેટ એક ભૂલ કરે અને તેનો લાભ તેઓ લઈ લે. ત્યાર પછી તેમણે ઉપરાષ્ટ્રપતિ વી.વી. ગિરીને રાષ્ટ્રપતિ બનાવવા જાહેરમાં સમર્થન કર્યું, જેઓ અપક્ષ તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે પાર્ટીમાં કોઈ વ્હીપ બહાર પાડ્યો નહીં અને કોંગ્રેસના નેતાઓને તેમની મરજી પડે તેને વોટ આપવા જણાવ્યું. પરિણામે ગીરી કોંગ્રેસના સાંસદોના સમર્થનથી ચૂંટાઈ આવ્યા. 

રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ પછી આત્મવિશ્વાસથી ભરપૂર ઈન્દિરા ગાંધીએ પોતાની સ્વતંત્ર પાર્ટી કોંગ્રેસ(આર) બનાવી. જેમાં કોંગ્રેસના 220 સાંસદોએ તેમને સમર્થન આપ્યું અને 68 સાંસદોનો તેમણે બહારથી ટેકો મેળવ્યો. આમ, તેમને એક વર્ષ સુધી સાશિયાલિસ્ટ, ડીએમકે, અકાલી દલ અને કેટલાક અપક્ષોના ટેકો લઈને કેટલાક કાયદાઓ પસાર કરવા પડ્યા. અન્ય લોકો સામે ઝુકવા ન ટેવાયેલા ઈન્દિરા ગાંધીએ 27 ડિસેમ્બર, 1970ના લોકસભા ભંગ કરી દીધી અને 21 ફેબ્રુઆરી, 1971ના રોજ તેમણે મધ્યાવધિ ચૂંટણીની જાહેરાત કરી દીધી. હકીકતમાં, લોકસભાનો કાર્યકાળ 15 માર્ચ, 1972ના રોજ પૂરો થતો હતો. 

રાજ્યોની સ્થિતિઃ 
1967થી 1971ની લોકસભા ચૂંટણી વચ્ચેના ગાળામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈ ખાસ સુધારો થયો ન હતો. માત્ર 14 જાન્યુઆરી, 1969ના રોજ મદ્રાસ રાજ્યનું નામ તમિલનાડુ કરવામાં આવ્યું હતું. 1971ની લોકસભા ચૂંટણીમાં દેશમાં 27 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ હતા. 

આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મૈસૂર, નાગાલેન્ડ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાલ, હિમાચલ પ્રદેશ, આંદમાન, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દિલ્હી, ગોવા, દમણ અને દીવ, લક્ષદ્વીપ, મિિકોય અને અમિદીવ ટાપુઓ, મણીપુર, પોન્ડીચેરી, ત્રીપુરા. 

રાજકીય પક્ષોઃ 
1971ની લોકસભા ચૂંટણીમાં 8 રાષ્ટ્રીય પાર્ટી હતી અને 17 રાજ્ય સ્તરની પાર્ટી હતી. જોકે, નોંધાયેલા હોય પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય એવી પાર્ટીઓનો એ સમયે રાફડો ફાડ્યો હતો અને તેમાંથી 28 તો આજે પણ અસ્તિત્વમાં છે. 

રાષ્ટ્રીય પાર્ટીઓઃ 

  • ભારતીય જનસંઘ
  • કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા
  • કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ)
  • ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ(આર)
  • ઈન્ડિયન નેશનલ કોંગ્રસ (ઓ)
  • પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી
  • સમયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી
  • સ્વતંત્ર પાર્ટી

લોકસભા ચૂંટણી જંગઃ જાણીને નવાઈ લાગશે કે દેશમાં 96 ટકા રાજકીય પક્ષો માન્યતા વગરના

રાજ્ય સ્તરની પાર્ટીઓઃ 

  • ઓલ પાર્ટી હિલ લીડર્સ કન્ફરન્સ
  • બાંગ્લા કોંગ્રેસ
  • ભારતીય ક્રાંતિ દલ
  • દ્વવિડ મુનેત્ર ગઝગમ
  • ફોરવોર્ડ બ્લોક
  • જન કોંગ્રેસ
  • જનતા પાર્ટી
  • કેરળ કોંગ્રેસ
  • મહારાષ્ટ્રવાદી ગોમંતક
  • મુસ્લિમ લીગ
  • નાગાલેન્ડ નેશનાલિસ્ટ ઓર્ગેનાઈઝેશન
  • પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી
  • રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી
  • શિરોમણી અકાલી દલ
  • યુનાઈટેડ ફ્રન્ટ ઓફ નાગાલેન્ડ
  • યુનાઈટેડ ગોઆન્સ (સિક્વિરા ગ્રૂપ)
  • વિશાલ હરિયાણા

લોકસભા ચૂંટણીઃ અહીં રાષ્ટ્રીય પાર્ટીઓને પણ પાણી ભરાવી રહી છે લોકલ પાર્ટીઓ

નોંધાયેલી પરંતુ માન્યતા ન મળી હોય એવી પાર્ટીઓઃ
બેકવર્ડ ક્લાસિસ મહાસભા, છોટા નાગપુર ભૂમિ રક્ષક પાર્ટી, અખિલ ભારત હિન્દુ મહાસભા, હિન્દુસ્તાની શોષિત દલ, ઈન્ડિયન ગોરખા લીગ, ઈન્ડિયન સોશિયાલિસ્ટ પાર્ટી, ઓલ ઈન્ડિયા ઝારખંડ પાર્ટી, ઉત્તર પ્રદેશ કિસાન મઝદૂર પાર્ટી, લોક રાજ પાર્ટી હિમાચલ પ્રદેશ, લોક સેવક સંઘ, માઈનોરિટીઝ લેબર પાર્ટી, મણીપુર પીપલ્સ પાર્ટી, મુસ્લિમ મજલિસ ઉત્તર પ્રદેશ, પ્રાઉટિસ્ટ બ્લોક ઓફ ઈન્ડિયા, બિહાર પ્રાન્ત હલ ઝારખંડ, રિવોલ્યુશનરી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(આંબેડકર), રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (ખાબાર્ગડે), અખિલ બારતીય રણરાજ્ય પરિષદ, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ એન્ડ લેનિનિસ્ટ), શોષિત દલ બિહાર, શિવ સેના, સોશિયાલિસ્ટ પાર્ટી, સોશિયાલિસ્ટ યુનિટી કેન્ટર ઓફ ઈન્ડિયા, તેલંગાણા કોંગ્રેસ, તેલંગાણા પ્રજા સમિતિ, ઉત્કલ કોંગ્રેસ. 

1971ની લોકસભા ચૂંટણીઃ
1971ની લોકસભા ચૂંટણી સ્પષ્ટ રીતે કોંગ્રેસ (આર) ઈન્દિરા ગાંધીની તરફેણમાં રહેલા કોંગ્રેસીઓ અને ઈન્દિરાના વિરોધમાં બનેલી કોંગ્રેસ (ઓ) વચ્ચે અસ્તિત્વની લડાઈ સમાન હતી. કોંગ્રેસ(ઓ) દ્વારા સ્વતંત્ર પાર્ટી, જન સંઘ પાર્ટી અને સમયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી સાથે મળીને 'મહા ગઠબંધન' બનાવાયું હતું. બંને કોંગ્રેસ (આર) અને મહા ગઠબંધન દ્વારા તમામ 442 લોકસભા બેઠક પર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા. 

આ ઉપરાંત, અન્ય પક્ષો ભારતીય ક્રાંતિ દલ (95), પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી (63), સીપીઆઈ (37) અને સીપીઆઈ (એમ) 85 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. 1971ની લોકસભા ચૂંટણીની રસપ્રદ બાબત એ હતી કે લગભગ 1000 જેટલા અપક્ષો (સ્વતંત્ર ઉમેદવાર)એ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. 

1 માર્ચથી 10 માર્ચ, 1971 દરમિયાન લોકસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 15,12,96,749 લોકોએ મતદાન કર્યું હતું. 1971ની લોકસભા ચૂંટણીમાં દેશમાં 1967ના સરખામણીએ 2 કરોડ 30 લાખ નવા મતદાતાનો પણ ઉમેરો થયો હતો. જોકે, માત્ર 30 લાખ વધુ મત પડ્યા હતા અને 1967ના 61.32 ટકા મતદાનની સરખામણીએ 1971માં 55.25 ટકા જ મતદાન નોંધાયું હતું.

1971 લોકસભા ચૂંટણીનું પરિણામઃ
ઈન્દિરાની કોંગ્રેસ(આર) દેશમાં સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી હતી. તેમણે 352 બેઠક પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસને 43.68 ટકા મત મળ્યા હતા. બીજો એક પણ પક્ષ કે ગઠબંધન મોટો વિજય મેળવી શક્યા ન હતા. કોંગ્રેસ(ઓ)ના તો માત્ર 16 ઉમેદવાર જ જીત્યા હતા. સ્વતંત્ર પાર્ટીના (8), ભારતીય જનસંખ (22), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (23) અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ)25 ઉમેદવાર જીત્યા હતા. સ્થાનિક પક્ષોમાં ડીએમકે મજબૂત રાજકીય પક્ષ બનીને બહાર આવ્યો હતો અને તેણે 23 સીટ જીતી હતી. 

લોકોએ ઈન્દિરા ગાંધીમાં અપ્રતિમ વિશ્વાસ દર્શાવ્યો અને ઈન્દિરા ગાંધીએ 36 મંત્રી સાથે સરકાર બનાવી હતી. જોકે, ત્યાર પછીના વર્ષોમાં ઈન્દિરા ગાંધી પર રાય બરેલીની સીટ પરથી ચૂંટણી જીતવા માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરવાના આરોપો લાગ્યા હતા. ઈન્દિરા ગાંધી સામે ચૂંટણીમાં છેતરપીંડી આચરવાનો કેસ થયો અને 1975માં અલાહાબાદ હાઈકોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવ્યા. જેના જવાબમાં ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી, જે ભારતીય રાજકારણમાં આજે પણ ચર્ચાનો વિષય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news