Exit Poll 2019 : આખરે શું હોય છે એક્ઝિટ પોલ? જાણો કેવી રીતે તૈયાર થાય છે આંકડા...

Lok Sabha Exit Poll 2019 : કઈ પાર્ટીને કેટલી સીટ મળી રહી છે, વિજયી રથ પર કોણ સવાર થશે તે એક્ઝીટ પોલ દ્વારા સ્પષ્ટ થઈ જતું હોય છે. જોકે, બધા જ એક્ઝિટ પોલ સાચા સાબિત થાય છે એવું પણ નથી બનતું. 
 

Exit Poll 2019 : આખરે શું હોય છે એક્ઝિટ પોલ? જાણો કેવી રીતે તૈયાર થાય છે આંકડા...

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મતદાન પૂરું થવાની સાથે જ એક્ઝિટ પોલ-2019 (Exit Poll 2019) રજૂ થવાના શરૂ થઈ જશે. એક્ઝિટ પોલ દેશના વિવિધ પક્ષોના ધબકારા વધારશે. કઈ પાર્ટીને કેટલી સીટ મળી રહી છે, વિજયી રથ પર કોણ સવાર થશે તે એક્ઝિટ પોલ દ્વારા સ્પષ્ટ થઈ જતું હોય છે. જોકે, બધા જ એક્ઝીટ પોલ સાચા સાબિત થાય છે એવું પણ નથી બનતું. આથી એ જાણવું જરૂર છે કે એક્ઝીટ પોલ શું હોય છે? 

એક્ઝિટ પોલ એટલે શું? 
એક્ઝિટ પોલ એક સર્વેના માધ્યમથી તૈયાર કરવામાં આવે છે. આ સરવે દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે ચૂંટણીનું પરિણામ કયા પક્ષની તરફેણમાં આવી રહ્યું છે. મતદારો જ્યારે મત આપીને નીકળતા હોય છે ત્યારે તેમને પુછવામાં આવે છે કે તમે કોને મત આપ્યો. વર્તમાન લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે. આથી, એક્ઝીટ પોલના આંકડા દરેક તબક્કામાં મતદાન પછી એક્ઠા કરવામાં આવે છે. તેના આધારે જે સર્વેક્ષણનું વ્યાપક પરિણામ નિકળે છે તેને એક્ઝીટ પોલ કહે છે. સામાન્ય રીતે મતદાનના અંતિમ દિવસે ટીવી ચેનલો દ્વારા એક્ઝીટ પોલ દર્શાવવામાં આવતા હોય છે. 

આવી રીતે કરાય છે સરવે..
એક્ઝિટ પોલને સચોટ બનાવવા માટે ઘણું બધું ફીલ્ડ વર્ક કરવું પડે છે. એજન્સી એ માને છે કે, માત્ર મતદાન આપીને બહાર આવેલા મતદારોના અભિપ્રાયથી જ રિપોર્ટ તૈયાર કરી શકાય નહી. આથી એજન્સીઓ મતદાન કરીને બહાર આવેલા મતદાતાનો અભિપ્રાય જાણીને સરેરાશ કાઢવામાં આવે છે. મતદાનના બે-ચાર દિવસ પછી સચોટ પરિણામ માટે પોસ્ટ પોલ કરવામાં આવે છે. તેના માધ્યમથી મતદારોનો અભિપ્રાય જાણવામાં આવે છે. 

આવી રીતે આંકડા બહાર આવે છે
કોઈ પણ પોલ હોય, તેના આંકડે સરવેના માધ્યમથી બહાર આવે છે. આથી, તેને સેમ્પલિંગ સરવે પણ કહે છે. સેમ્પલિંગ સરવે ચૂંટણી સરવે કરાવતી એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. કેટલીક વખત આ ડાટા વાતચીત કરીને તો કોઈ વખત ફોર્મ ભરાવીને મેળવવામાં આવે છે. ઘણી વખત ઈન્ટરનેટના માધ્યમથી પણ આ આંકડા એક્ઠા કરકાય છે. આ ડાટા ઉંમર, વય જૂથ, આવકનો વર્ગ, જાતિ, ક્ષેત્ર વગેરેના આધારે એક્ઠા કરાય છે. 

પ્રથમ વખત એક્ઝિટ પોલ કોણે શરૂ કર્યા?
એક્ઝીટ પોલ શરૂ કરવાનું શ્રેય નેધરલેન્ડના એક સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજનેતા માર્સેલ વોન ડેમને જાય છે. તેમણે 15 ફેબ્રુઆરી, 1967ના રોજ તેનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો. નેધરલેન્ડ્સમાં થયેલી ચૂંટણીમાં તેમનું અનુમાન સચોટ રહ્યું હતું. જ્યારે ભારતમાં તેની શરૂઆત કરવાનું શ્રેય ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ઓપિનિયનના પ્રમુખ એરિક ડી. કોસ્ટાને જાય છે. ચૂંટણી દરમિયાન આ વિદ્યા દ્વારા પ્રજાનો મિજાજ પારખનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા. 

આ દેશોમાં કરાય છે એક્ઝિટ પોલ
દુનિયાના અનેક લોકશાહી દેશમાં એક્ઝીટ પોલ અંગે જુદો-જુદો અભિપ્રાય છે. બેલ્જિયમ, ડેનમાર્ક, જર્મની અને આયરલેન્ડ જેવા દેશોમાં એક્ઝીટ પોલ કરવાની ખુલ્લી છૂટ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને મેક્સિકોમાં કેટલીક શરતો સાથે એક્ઝીટ પોલ કરી શકાય છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news