'સર્જિકલ સ્ટ્રાઈક માટે દીપડાના મૂત્રથી મળી હતી ભારતીય સેનાને મદદ' - લે. જનરલ નિંબોરકર

રાજેન્દ્ર નિંબોરકર કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં બ્રિગેડ કમાન્ડર રહી ચૂક્યા છે 

'સર્જિકલ સ્ટ્રાઈક માટે દીપડાના મૂત્રથી મળી હતી ભારતીય સેનાને મદદ' - લે. જનરલ નિંબોરકર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ઉડીમાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ જ્યારે નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરીને પાકિસ્તાનની સરહદના અંદર 15 કિમી સુધી ઘુસી જઈને જ્યારે આતંકી કેમ્પોનો સફાયો કર્યો હતો એ સમયે દીપડાના મળ-મૂત્રથી સેનાને મદદ મળી હતી. ભારતીય સૈન્યમાં નગરોટા કોર્પ્સ કમાન્ડર રહી ચૂકેલા લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર નિંબોરકરે મંગળવારે પુણેમાં આ ખુલાસો કર્યો હતો. પુણેની થોર્લે બાજીરાવ પેશવે પ્રતિષ્ઠાને સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન રાજેન્દ્ર નિંબોલકરના યોગદાન બબાતે તેમનું સન્માન કર્યું હતું. 

કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં રાજેન્દ્ર નિંબોરકર બ્રિગેડ કમાન્ડર પણ રહી ચૂક્યા છે. તેમણે એ વિસ્તારની જૈવ-વિવિધતાનો ઊંડો અભ્યાસ પણ કર્યો છે. તેમણે આ અંગે જણાવ્યું કે, "અમે જાણતા હતા કે એ વિસ્તારના જંગલોમાં દીપડા હંમેશાં કુતરાઓ પર હુમલા કરતા રહે છે. આથી પોતાને બચાવવા માટે કુતરાઓ નજીકના રહેણાક વિસ્તારોમાં છુપાઈ જતા હોય છે. આથી, અમે જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક ઓપરેશન માટેની રણનીતિ બનાવી તો એ બાબતનું પણ ધ્યાન રાખ્યું હતું કે, રસ્તામાં આવતા ગામમાંથી પસાર થવા દરમિયાન કુતરાઓ જરા સરખી પણ હલચલ જાણીને દીપડાના ભયથી ભોંકી શકે છે અને હુમલો પણ કરી શકે છે. આથી તેનાથી બચાવ માટે અમે દીપડાના મળ-મૂત્રની મદદ લીધી હતી. તેને એ ગામોની આસ-પાસના વિસ્તારમાં ફેંકી દેવાયું હતું. આ રણનીતિ અસરકારક રહી અને કુતરાઓએ નજીક આવવાની હિંમત પણ દેખાડી ન હતી."

ઓપરેશન માટે એક સપ્તાહનો સમય અપાયો હતો
આ અંગે વધુ વિગતો આપતા રાજેન્દ્ર નિંબોરકરે જણાવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપવા માટે ભારતીય સેનાએ સર્વોચ્ચ ગુપ્તતા રાખી હતી. તેમણે જણાવ્યું કે, તત્કાલિન સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે અમને જણાવ્યું હતું કે, એક અઠવાડિયાના અંદર આ ઓપરેશન કરવાનું છે. ત્યાર બાદ મેં ટોચના કમાન્ડરને આ અંગે જણાવ્યું હતું, પરંતુ લોકેશન અંગે તેમને અંતિમ સમય સુધી જાણ કરાઈ ન હતી. તેમને માત્ર એક દિવસ પહેલાં જ લોકેશન અંગે જણાવાયું હતું. 

surgical strike

28-29 સપ્ટેમ્બર, 2016 દરમિયાન ભારતીય સેનાએ એલઓસી પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. (ફાઈલ ફોટો)

તેની સાથે જ ઓપરેશન અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે, અમે હુમલા માટે પરોઢનો સમય પસંદ કર્યો હતો. અમે આતંકવાદીઓના લોન્ચ પેડનો અભ્યાસ કર્યો હતો. તેમના ટાઈમિંગનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે, હુમલા માટે સવારે સાડા ત્રણ વાગ્યાનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે. આ સમય પહેલાં અમારે એ સ્થળોએ સુરક્ષિત રીતે પહોંચી જવાનું હતું. 

માર્ગમાં પાથરવામાં આવેલી દારૂગોળાની સુરંગોનાં અઘરાં વિઘ્નો પાર કરતા જવાન ત્યાં પહોંચ્યા અને ત્રણ લોન્ચ પેડનો સફાયો કરવાની સાથે જ 29 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્યાર બાદ કોઈ પણ જાતના નુકસાન વગર બધા જ જવાન સલામત રીતે પરત આવી ગયા હતા. આ ઓપરેશને પાકિસ્તાની સેનાના મિલિટરી કમાન્ડરોને ચકિત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ 28-29 સપ્ટેમ્બર, 2016ની રાત્રીના સમયે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news