લોકસભા ચૂંટણી 2019: અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી, થયો અધધ...60 હજાર કરોડનો ખર્ચ

સીએમએસ દ્વારા કરવામાં આવેલા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં રૂ.30 હજાર કરોડનો ખર્ચ થયો હતો, જે આ વખતે સીધો જ બમણો થઈ ગયો છે, આ રીતે ભારતના લોકસભા ચૂંટણી ઈતિહાસમાં 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી બની ગઈ છે 

લોકસભા ચૂંટણી 2019: અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી, થયો અધધ...60 હજાર કરોડનો ખર્ચ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પછી નવી સરકાર અને નવા મંત્રીમંડળની પણ રચના થઈ ગઈ છે, પરંતુ આ ચૂંટણી સાથે સંકળાયેલા જે આંકડા આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી બની ગઈ છે. 7 તબક્કામાં 75 દિવસ સુધી ચાલેલી આ ચૂંટણીમાં રૂ.60,000 કરોડનો ખર્ચ થયો છે. આ અનુમાન એક ખાનગી થિન્ક ટેન્ક 'સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ' દ્વારા વ્યક્ત કરાયું છે. 

'સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ' (CMS) દ્વારા લોકસભા ચૂંટણી 2019માં થયેલા ખર્ચ અંગે જે રીસર્ચ કરાયું છે તેના અુસાર આ ચૂંટણીમાં એક વોટ પાછળ સરેરાશ રૂ.700નો ખર્ચ થયો છે. જો લોકસભા સીટના હિસાબે જોઈએ તો આ ચૂંટણીમાં દરેક લોકસભા વિસ્તારમાં રૂ.100 કરોડનો ખર્ચ થયો છે. 

સીએમએસ દ્વારા કરવામાં આવેલા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં રૂ.30 હજાર કરોડનો ખર્ચ થયો હતો, જે આ વખતે સીધો જ બમણો થઈ ગયો છે, આ રીતે ભારતના લોકસભા ચૂંટણી ઈતિહાસમાં 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી બની ગઈ છે. સીએમએસનો દાવો છે કે, આ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી છે. 

ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર, દિલ્હી ખાતે આ રિપોર્ટ જાહેર કરાયો હતો. આ કાર્યક્રમમાં દેશના પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી પણ હાજર રહ્યા હતા. 

રિપોર્ટ મુજબ ચૂંટણીમાં ક્યાં-કેટલો થયો ખર્ચ

  • 12થી 15 હજાર કરોડ મતદારો પાછળ
  • 20થી 25 હજાર કરોડ જાહેરાત પાછળ
  • 5થી 6 હજાર કરોડ પરિવહન પાછળ
  • 10થી 12 હજાર કરોડ ઔપચારિક ખર્ચ
  • 3થી 6 હજાર કરોડ અન્ય પરચુરણ ખર્ચ 
  • આમ, આ બધી રકમનો કુલ સરવાળો 55થી 60 હજાર કરોડ પર પહોંચે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત કાયદેસરના ખર્ચની માર્યાદા માત્ર રૂ.10થી 12 હજાર કરોડ હતી. 

સીએમએસ દ્વારા 'ચૂંટણી ખર્ચઃ2019'ના નામથી આ રિપોર્ટ જાહેર કરાયો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, 1998થી 2019 દરમિયાન 20 વર્ષના સમયગાળામાં ચૂંટણી ખર્ચમાં 6થી 7 ગણો વધારો થયો છે. 1998માં ચૂંટણી ખર્ચ લગભગ રૂ.9 હજાર કરોડ થયો હતો, જે હવે વધીને રૂ.55થી 60 હજાર કરોડ થઈ ગયો છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news