લોકસભા ચૂંટણી 2019: મોદી-શાહને ક્લીન ચીટને મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક વિખવાદ બહાર આવ્યા

સૂત્રો અનુસાર ચૂંટણી કમિશનર અશોક લવાસા આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદોના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને સીધે-સીધી ક્લીન ચીટ અને વિરોધી નેતાઓને નોટિસ આપવાના વિરોધી રહ્યા છે. આ મુદ્દે તેઓ નારાજ છે. આ મુદ્દે તેમણે અસહમતિ વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચની બેઠકોમાં ભાગ લેવાનું છોડી દીધું હતું.
 

લોકસભા ચૂંટણી 2019: મોદી-શાહને ક્લીન ચીટને મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક વિખવાદ બહાર આવ્યા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદોમાં પક્ષપાતપૂર્ણ વ્યવહારને મુદ્દે ચૂંટણી પંચમાં ઊભા થયેલા મતભેદ હવે બહાર આવી ગયા છે. ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા નિર્ણયો મુદ્દે ચૂંટણી કમિશનર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનરને સુનીલ અરોડાને પત્ર લખ્યો હતો. ત્યાર પછી હવે સુનીલ અરોડાએ તેમના આ પત્રનો જવાબ આપ્યો છે અને તેના દ્વારા ચૂંટણી પંચનો આંતરિક વિખવાદ બહાર આવી ગયો છે. 

સુનીલ અરોડાએ પોતાના જવાબમાં કહ્યું છે કે, "હું ચર્ચામાં ક્યારેય દૂર રહ્યો નથી. ત્રણેય કમિશનરનો અલગ-અલગ અભિમત હોઈ શકે છે. દરેક વાતનો કોઈ સમય હોય છે. ચૂંટણી દરમિયાન સામે આવેલા મુદ્દાઓ અંગે સમિતિ બનાવવામાં આવશે." તેમણે કહ્યું કે, મીડિયામાં ચૂંટણી પંચની આંતરિક કાર્યપદ્ધતિ અંગે નિરર્થક વિવાદબહાર આવ્યો છે. જ્યારે જરૂર હોય છે ત્યારે હું વ્યક્તિગત રીતે જાહેર ચર્ચાથી દૂર ભાગતો નથી, પરંતુ દરેક બાબતો એક ચોક્કસ સમય હોય છે. 

— ANI (@ANI) May 18, 2019

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, "ચૂંટણી પંચમાં 3 સભ્ય હોય છે અને ત્રણેય એક-બીજાના ક્લોન હોઈ શકે નહીં."

શું છે સમગ્ર ઘટનાક્રમ
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી કમિશનર અશોક લવાસા દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની લાઈનમાં છે. સૂત્રો અનુસાર અશોક લવાસા આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદોના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને સીધે-સીધી ક્લીન ચીટ અને વિરોધી નેતાઓને નોટિસ આપવાના વિરોધી રહ્યા છે. આ મુદ્દે તેઓ નારાજ છે. આ મુદ્દે તેમણે અસહમતિ વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચની બેઠકોમાં ભાગ લેવાનું છોડી દીધું હતું.

તેમણે તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનરને એક પત્ર લખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, તેમના અસહમતિનો મત ઓન રેકોર્ડ નહી લેવાય ત્યાં સુધી તેઓ ચૂંટણી પંચની એક પણ બેઠકમાં ભાગ લેશે નહીં. વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે મળેલી ફરિયાદોની તપાસ માટે રચાયેલી સમિતિમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા, અશોક લવાસા અને સુશીલ ચંદ્રા સામેલ હતા. 

જોકે, ચૂંટણી પંચની નિયમાવલી મુજબ ત્રણેય કમિશનરના અધિકાર ક્ષેત્ર અને સત્તાઓ એક સમાન છે. કોઈ પણ મુદ્દે વિચારમાં મતભેદ હોવા અંગે બહુમતનો નિર્ણય જ માન્ય રહેશે. પછી મુખ્ય ચૂંટણી કમિશનર ભલે લઘુમતિમાં હોય. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news