મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ માટે એન્ટી ઈન્કમ્બન્સીનો ડર, કોંગ્રેસને પરિવર્તનની તક
રાજ્યમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા હોવા છતાં આ વખતે કોંગ્રેસનો ગઢ મજબૂત હોય એવું દેખાઈ રહ્યું છે, કેન્દ્રની ભાજપ સરકાર વચનો પાળવામાં નિષ્ફળ ગઈ હોવાની સીધી અસર મધ્યપ્રદેશના સ્થાનિક રાજકારણમાં પણ જોવા મળી રહી છે
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ દેશનાં પાંચ રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં આગામી વિધાનસભા માટેની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી. મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે 11 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થવાનું છે. મધ્યપ્રદેશ વિધાનસભાની મુદ્દત 7 જાન્યુઆરી, 2019ના રોજ સમાપ્ત થવાની છે. મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ 231 બેઠક છે, જેમાં 1 બેઠક નામાંકિત સભ્ય માટેની છે.
કુલ બેઠકઃ 230
બહુમત માટે જરૂરી બેઠકઃ 116
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 28 નવેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018
2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ સીટ
ભાજપ 166
કોંગ્રેસ 57
બસપા 4
અપક્ષ 3
ભાજપને એન્ટી-ઈન્કમ્બન્સીનો ડરઃ
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ) છેલ્લા 15 વર્ષથી એકધારૂં શાસન કરી રહ્યા છે અને તેમની રાજકીય પકડ મજબૂત છે. જોકે, અત્યારે રાજ્યમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ છે, જેના કારણે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. શવિરાજ સિંહના 15 વર્ષમાં રાજ્યનો વિકાસ થયો છે તેવું દર્શાવવા માટે કોઈ નક્કર કારણો નથી. જેની સામે, કેન્દ્રની ભાજપ સરકાર 2014ની ચૂંટણીમાં આપેલા વચનો પાળવામાં નિષ્ફળ ગઈ છે તેનો ફટકો પણ મધ્યપ્રદેશ ભાજપને પડી શકે એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
મધ્યપ્રદેશમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની પ્રવેશ પરીક્ષા લેતા બોર્ડ 'વ્યાપમ'નું કૌભાંડ પણ શિવરાજ સિંહને નડે એમ છે. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં સંડોવાયેલા 100થી વધુ લોકોનાં અકુદરતી મોત થયાં છે અને એક સમયે સરકાર ભીંસમાં આવી ગઈ હતી.
ભાજપ આ વખતે નવા ચહેરાઓને તક આપવા માગે છે. ભાજપના વર્તમાન 70-80 જેટલા ધારાસભ્યોની ટિકિટ કપાય તેવી સંભાવના છે. આ કારણે, ટિકિટ ન મળવાથી નારાજ ધારાસભ્યો કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે અને તેની સીધી અસર ભાજપને ચૂંટણી પરિણામમાં પડી શકે છે.
કોંગ્રેસમાં ત્રણ નેતા વચ્ચે ખેંચતાણઃ
મધ્યપ્રદેશ કોંગ્રેસમાં સૌથી મોટી સમસ્યા પ્રમુખ નેતા અથવા ચહેરાનો અભાવ છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, મધ્ય પ્રદેશના વર્તમાન પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથ અને ગ્વાલિયરના મહારાજા માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ મુખ્ય સમસ્યા છે. આ કારણે જ ભાજપને એવું કહેવાની તક મળી છે કે, કોંગ્રેસ પાસે મુખ્યમંત્રી પદના ત્રણ ચહેરા છે.
કોંગ્રેસમાં પણ નવા ચહેરાને ટિકિટ આપવી કે જૂનાને રિપીટ કરવા તેની અસમંજસની સ્થિતી છે. જોકે, હાલની સ્થિતી મુજબ કોંગ્રેસ તેના 57 ધારાસબ્યોમાંથી 42ને રિપીટ કરવાનું વિચારી રહી છે.
માયાવતીનું જોરઃ
બહુજન સમાજવાદી પાર્ટીનું આમ તો મધ્યપ્રદેશમાં કોઈ ખાસ અસ્તિત્વ નથી. અગાઉ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માગતા માયાવતીએ છેલ્લી ઘડીએ એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બસપાને 4 બેઠક મળી હતી. એટલે, બસપાનું કંઈ વધુ ઉપજે એમ જણાતું નથી.
સ્થાનિક પક્ષોની પણ ટક્કરઃ
આ ત્રણ પાર્ટીઓ ઉપરાંત રાજ્યના ચૂંટણી મેદાનમાં સમાજવાદી પાર્ટી, ગોડવાના ગણતંત્ર પાર્ટી અને જયસ જેવા સંગઠન પણ ઉતરેલા છે. SC/ST એક્ટ અને પ્રમોશનમાં અનામત વિરુદ્ધ અવાજ ઉઠાવનારી સપાક્સની 'અનારક્ષિત સમાજ પાર્ટી'એ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
મુખ્ય ચહેરાઃ
મધ્યપ્રદેશના ચૂંટણી પ્રચારમાં સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ પાસે કોઈ મુખ્ય ચહેરો નથી જેને તેઓ પ્રમોટ કરી શકે, એટલે હાલ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની કમાન હાથમાં લીધી છે. કોંગ્રેસના યુવાન નેતાઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રમુખ ચહેરો છે, જે ગ્વાલિયર રાજઘરાણાનો સુપુત્ર હોવાને કારણે થોડી લાગણી ખેંચી શકે છે.
ભાજપનો મુખ્ય ચહેરો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે, જેઓ છેલ્લા 15 વર્ષથી મુખ્યમંત્રી તરીકે ચૂંટાતા આવ્યા છે. આ ઉપરાંત, કૈલાશ વિજય વર્ગીય અને અન્ય પીઢ નેતાઓ પણ ભાજપના ચૂંટણી પ્રચારના મુખ્ય ચહેરા બની શકે છે. વડા પ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ પણ ભાજપ માટે વોટ ખેંચી લાવી શકે છે.
મધ્યપ્રદેશમાં છેલ્લા 5 વિધાનસભા કાર્યકાળ
વર્ષ 2013- ભાજપ (166), કોંગ્રેસ (57), મુખ્યમંત્રી- શિવરાજ સિંહ ચૌહાણ
વર્ષ 2008 - ભાજપ (143), કોંગ્રેસ (71), મુખ્યમંત્રી - શિવરાજ સિંહ ચૌહાણ
વર્ષ 2003 - ભાજપ (173), કોંગ્રેસ (38), મુખ્યમંત્રી - ઉમા ભારતી
વર્ષ 1998 - કોંગ્રેસ (172), ભાજપ (119), મુખ્યમંત્રી - દિગ્વિજય સિંહ
વર્ષ 1993 - કોંગ્રેસ (174), ભાજપ (119), મુખ્યમંત્રી - દિગ્વિજય સિંહ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે