શપથગ્રહણ સમારોહમાં વિપક્ષી દળોની એક્તાનું શક્તિ પ્રદર્શન, ચાર્ટર્ડ પ્લેનથી પહોંચશે દિગ્ગજ નેતાઓ

વિપક્ષી દળો ભલે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડવા તૈયાર ન જોવા મળી રહ્યાં હોય પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદના શપથગ્રહણ સમારોહમાં એક્તાનું પ્રદર્શન જરૂર કરતા જોવા મળશે.

શપથગ્રહણ સમારોહમાં વિપક્ષી દળોની એક્તાનું શક્તિ પ્રદર્શન, ચાર્ટર્ડ પ્લેનથી પહોંચશે દિગ્ગજ નેતાઓ

નવી દિલ્હી: વિપક્ષી દળો ભલે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડવા તૈયાર ન જોવા મળી રહ્યાં હોય પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદના શપથગ્રહણ સમારોહમાં એક્તાનું પ્રદર્શન જરૂર કરતા જોવા મળશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીઓ સોમવારે શપથ લેવાના છે અને આ સમારોહમાં વિપક્ષના અનેક નેતાઓ સામેલ થાય તેવી આશા છે. હાલમાં જ પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો  બાદ કોંગ્રેસ હવે ત્રણ રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. અશોક ગેહલોત રાજસ્થાનના, કમલનાથ મધ્ય પ્રદેશના અને ભૂપેશ બઘેલ છત્તીસગઢના મુખ્યમંત્રી બનશે. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણેય શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે. પૂર્વ પીએમ એચડી દેવગૌડા, કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, જમ્મુ અને કાશ્મનીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા સહિત વિપક્ષના અનેક નેતાઓ સમારોહમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત બીએસપી પ્રમુખ માયાવતી અને સપા ચીફ અખિલેશ યાદવ પણ મંચ પર જોવા મળી શકે છે. 

ચંદ્રબાબુથી લઈને કેજરીવાલ સુધીના નેતાઓ રહેશે હાજર
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, સમારોહમાં ભાગ લેશે. એઆઈયુડીએફ નેતા બદરુદ્દીન અજમલ, ટીએમસી નેતા દિનેશ ત્રિવેદી અને એલજેડી નેતા શરદ યાદવ સહિત અનેક નેતાઓને સમારોહ માટે આમંત્રણ અપાયું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ પાઠવ્યું છે. આપ નેતા સંજય સિંહ પણ રાજસ્થાનમાં શપથગ્રહણ સમારોહમાં સામેલ થઈ શકે છે. કહેવાય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ શપથગ્રહણ સમારોહમાં સામેલ થઈ શકે છે. 

આ ઉપરાંત જેએમએમ નેતા હેમંત સોરેન, ઝારખંડ વિકાસ મંચના નેતા બાબુલાલ મરાંડી, સ્વાભિમાની પક્ષ નેતા રાજુ શેટ્ટી, અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ નેતાઓની સમારોહમાં આવવાની પણ સંભાવના છે. આ નેતાઓ વારાફરતી ત્રણેય રાજ્યોમાં શપથગ્રહણ સમારોહમાં સામેલ થઈ શકે તે માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરાઈ છે. દક્ષિણ ભારતથી જેડીએસના પ્રમુખ એચડી દેવગૌડા, ડીએમકે પ્રમુખ એમ કે સ્ટલિન વગેરે સામેલ થઈ શકે છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ કર્ણાટકમાં એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં વિપક્ષી દળોએ એકજૂથતા બતાવવાની કોશિશ કરી હતી. જો કે તે ઘટના બાદ એવા અનેક અવસરો આવી ચૂક્યા છે કે જ્યારે વિપક્ષી નેતાઓએ એકબીજા પર આકરા પ્રહારો કર્યા હોય. આ વખતે ત્રણ રાજ્યોમાં શપથગ્રહણ સમારોહ પહેલા  પણ રાહુલ ગાંધીને નેતા ગણવા પર નારાજગી જોવા મળી હતી. ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિને રાહુલ ગાંધીને આગામી વડાપ્રધાન બનાવવાની વાત કરી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, બીએસપી, એનસીપી સહિત અનેક પક્ષોએ તેના પર નારાજગી વ્યક્ત કરી. તેઓ આગામી ચૂંટણી માટે વિપક્ષ તરફથી કોઈ પણ નેતાને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા માંગતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news