PM મોદીની અપીલ, 'કુંભ જાઓ અને ફોટો પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકોને પ્રેરિત કરો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. 

PM મોદીની અપીલ, 'કુંભ જાઓ અને ફોટો પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકોને પ્રેરિત કરો'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. તેમના આ કાર્યક્રમની આ 51મી શ્રેણી હતી. ચાલુ વર્ષે મન કી બાતનો આ છેલ્લો કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં પીએમ મોદીએ વર્ષ 2018માં દેશે મેળવેલી અનેક ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી. 

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આગામી વર્ષ જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં આયોજિત થનારા કુંભનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિની અનેક વાતો પર આપણે ગર્વ  કરી શકીએ છીએ. જેમાંથી એક છે કુંભ મેળો. હું તમને બધાને આગ્રહ કરીશ કે તમે કુંભ જાઓ તો કુંભના અલગ અલગ પહેલુ અને તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર શેર કરો જેથી કરીને વધુમાં વધુ લોકોને કુંભ જવાની પ્રેરણા મળે. 

પીએમ મોદીએ કહ્યું કે તમે બધાએ વિચાર્યું હશે કે વર્ષ 2018ને કેવી રીતે યાદ રખાય. વર્ષ 2018ને ભારત એક દેશ તરીકે, પોતાની 130 કરોડ જનતાના સામર્થ્ય રૂપમાં, કેવી રીતે યાદ રાખશે- તે યાદ કરવું પણ મહત્વપૂર્ણ છે. આપણને બધાને ગર્વથી ભરી દેનારું છે. તેમણે કહ્યું કે વર્ષ 2018ને હંમેશા યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં નવું કરવાનો સંકલ્પ છે. તેમણે કહ્યું કે વર્ષ 2018ને હંમેશા યાદ રખાશે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને મળી. ભારતને સયુંક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર મળ્યો. 2019માં ભારતની ઉન્નતિની આ યાત્રા આ રીતે જ ચાલુ રહેશે અને દેશ નવી ઉંચાઈઓને સ્પર્શ કરશે. 

ગરીબીથી મુક્તિ તરફ અગ્રેસર
પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2018માં વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્યમાન ભારતની શરૂઆત થઈ. દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી. વિશ્વની ગણમાન્ય સંસ્થાઓએ સ્વીકાર્યું છે કે ભારત રેકોર્ડ ગતિ સાથે દેશને ગરીબીથી મુક્તિ અપાવી રહ્યું છે. દેશવાસીઓના અડગ સંકલ્પથી સ્વસ્છતા કવરેજ વધીને 95 ટકા પાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. 

ઉપલબ્ધિઓને ગણાવી
તેમણે કહ્યું કે આઝાદી બાદ લાલકિલ્લા પરથી પહેલીવાર આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાઠ પર તિરંગો ફરકાવવામાં આવ્યો. ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલી મહાસભાનું આયોજન થયું. આપણા સામૂહિક પ્રયત્નોનું જ પરિણામ છે કે આપણા દેશની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અભૂતપૂર્વ સુધાર થયો. 

ખેલ જગતમાં દેશને મળ્યું ગૌરવ
પીએમ મોદીએ 2018માં ખેલ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિઓને પણ ગણાવી. તેમણે કહ્યું કે અંડર 19 ક્રિકેટ વિશ્વ કપ અને બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વ કપમાં ભારતે જીત નોંધાવી. આ ખતે એશિયન ગેમ્સમાં ભારતે મોટી સંખ્યામાં મેડલ જીત્યાં. 16 વર્ષની રજનીએ જૂનિયર મહિલા બોક્સિંગ ચેમ્પિયનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મહિને પુણેની વેદાંગી કુલકર્ણીએ સાઈકલથી દુનિયાનું ચક્કર લગાવનારી સૌથી ઝડપી એશિયન બની ગઈ છે. 

સુરક્ષા ક્ષેત્રે સશક્ત થયો દેશ
પીએમ મોદીએ કહ્યું કે દેશને સુરક્ષા ક્ષેત્રમાં નવી મજબુતાઈ મળી છે. આ વર્ષે આપણા દેશે સફળતાપૂર્ક ન્યૂક્લિયર ટાઈડ પૂરો કર્યો, એટલે હવે આપણે જળ, થલ અને આભ એમ ત્રણેયમાં પરમાણુ શક્તિ સંપન્ન થઈ ગયા છીએ. દેશની દીકરીઓએ નાવિકા સાગર પરિક્રમાના માધ્યમથી સમગ્ર વિશ્વનું ભ્રમણ કરીને દેશને ગર્ભથી ભરી દીધો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અગાઉ 25 નવેમ્બરના રોજ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતની 50મી શ્રેણી દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે મન કી બાત 130 કરોડ દેશવાસીઓના મનનો અવાજ છે. ભારતનો મૂળ પ્રાણ રાજનીતિ અથવા રાજશક્તિ નથી પરંતુ ભારતનો મૂળ પ્રાણ સમાજનીતિ અને સમાજ શક્તિ છે. 

તેમણે આ કાર્યક્રમમાં બંધારણના નિર્માતાઓને યાદ કર્યા હતાં. આ સાથે જ મન કી બાત કાર્યક્રમની સફળતા માટે દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 2014માં પ્રસારિત આ કાર્યક્રમની પહેલી શ્રેણીમાં વડાપ્રધાન મોદીએ નાગરિકોને કહ્યું હતું કે તેઓ ઓછામાં ઓછુ ખાદીના એક ઉત્પાદનનો પ્રયોગ કરે જેથી કરીને ગરીબ વણકરોની સહાયતા થઈ શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news