પુણેની આ દિકરીએ દુનિયામાં વગાડ્યો ભારતનો ડંકો, સાઈકલ પર સૌથી વધુ ઝડપે કર્યું વિશ્વભ્રમણ
વેદાંગી કુલકર્ણીએ તેની સફરની શરૂઆત જુલાઈમાં ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી કરી હતી અને આ રેકોર્ડ પૂરો કરવા હવે તે ફરી પાછી ઓસ્ટ્રેલિયાના શહેરમાં પહોંચશે
Trending Photos
મુંબઈઃ પુણેની 20 વર્ષની વેદાંગી કુલકર્ણી સાઈકલ પર સૌથી વધુ ઝડપે વિશ્વનું ભ્રમણ કરનારી પ્રથમ એશિયન યુવતી બની ગઈ છે. વેદાંગીએ રિવારે કોલકાતામાં વહેલી સવારે સાઈકલ ચલાવીને જરૂરી 29,000 કિમીનું અંતર પુરું કર્યું હતું.
તેણે તેની આ સફરની શરૂઆત ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી કરી હતી અને હવે પોતાનો આ રેકોર્ડ પુરો કરવા માટે પાછી ઓસ્ટ્રેલિયાના પર્થ શહેર જશે.
વેદાંગીએ જણાવ્યું કે, તેણે 14 દેશની મુસાફરી કરી છે અને 159 દિવસમાં દરરોજ લગભગ 300 કિમી સાઈકલ ચલાવી હતી. આ દરમિયાન તેને કેટલાક સારા અને કેટલાક ખરાબ અનુભવ પણ થયા છે. તેના પિતા વિવેક કુલકર્ણીએ જણાવ્યું કે, દુનિયામાં કેટલાક લોકોએ જ આ મુશ્કેલ પડકાર પુરો કર્યો છે અને તેમની દિકરી સૌથી વધુ ઝડપે દુનિયાનું ભ્રમણ કરનારી પ્રથણ એશિયન યુવતી બની છે.
બ્રિટનના જેની ગ્રાહમ(38)ના નામે મહિલાઓ વચ્ચે સૌથી ઓછા દિવસમાં સાઈકલ પર પૃથ્વીનું ચક્કર કાપવાનો વિક્રમ છે. જેના માટે તેમણે 124 દિવસનો સમય લીધો હતો. આ રેકોર્ડ છેલ્લા રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઓછો હતો.
આ અભિયાનને પુરું કરવા માટે વેદાંગીને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. કેનેડામાં તેની પાછળ એક રીંછ પડી ગયું હતું. રશિયામાં બરફથી ઘેરાયેલા સ્થળોએ તેને એકલા રાત પસાર કરવી પડી છે તો સ્પેનમાં ચાકુની અણીએ તેની સાથે લૂંટફાટ પણ થઈ હતી.
બ્રિટનના બાઉનેમાઉથ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી વેદાંગીએ જણાવ્યું કે, તેણે આ માટે બે વર્ષ પહેલાથી તૈયારી શરૂ કરી હતી. તેણે સાઈકલ પર લગભગ 80 ટકા મુસાફરી એકલા જ પુરી કરી છે. આ મુસાફરી દરમિયાન તેને શૂન્યથી માંટીને માઈનસ 20થી 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સાઈકલ ચલાવવી પડી છે. આ દરમિયાન તે ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, કેનેડા, આઈસલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, ડેનમાર્ક, સ્વીડન, ફિનલેન્ડ અને રશિયામાંથી પસાર થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે