ભારત-રશિયા વચ્ચેની જે ડીલથી અમેરિકા લાલચોળ છે, ચીન-PAK થથરી રહ્યાં છે, તેનું મહત્વ જાણો

અનેક દેશો રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવા માંગે છે. કારણ કે અમેરિકાના થાડ (ટર્મિનલ હાઈ ઓલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ) સિસ્ટમ કરતા તેને સારી ગણવામાં આવે છે.

ભારત-રશિયા વચ્ચેની જે ડીલથી અમેરિકા લાલચોળ છે, ચીન-PAK થથરી રહ્યાં છે, તેનું મહત્વ જાણો

નવી દિલ્હી: ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસના ભારત પ્રવાસ પર દિલ્હી પહોંચી ગયા છે. પુતિન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતમાં અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત થવાની છે. પરંતુ આખા વિશ્વની નજર એસ-400 મિસાઈલ ડીલ પર ટકેલી છે. 

અમેરિકાને કેમ ખટકે છે ભારત-રશિયાની મિત્રતા?
રશિયાએ પુતિનના ભારત પ્રવાસના એક દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે આ ડીલ પર હસ્તાક્ષર એ પુતિનના પ્રવાસનો મુખ્ય હેતુ છે. ભારત માટે આ સિસ્ટમ કેટલી જરૂરી છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે અમેરિકાના પ્રખર વિરોધને પણ ભારતે સાઈડલાઈન કરી નાખ્યો. એ પણ એવા સમયમાં કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે સૈનિક સંબંધ સતત મજબુત થઈ રહ્યાં છે. 

ચીનને ધ્યાનમાં રાખીને આ ડીલ ખુબ મહત્વપૂર્ણ
ચીનની હવાઈ તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે. હાલમાં તેણે તિબ્બતમાં નવા એરબેઝ બનાવ્યાં છે અને ત્યાં ફાઈટર જેટ્સની સ્થાયી તહેનાતી શરૂ કરી દીધી છે. ચીનની મિસાઈળ ક્ષમતા પણ બહુ અસરકારક છે. એટલે કે હાલ ભારતની હવાઈ સુરક્ષા ખાસી નબળી હાલતમાં છે. ભારત માટે S-400ની ડીલ ખુબ જરૂરી છે. કારણ કે આ ડીલથી ભારતીય વાયુસેનાની હવાઈ હુમલાથી રક્ષાની ક્ષમતાને વધારી શકાશે. 

શું છે આ એસ-400 ડીલ?
આ મિસાઈલ સિસ્ટમનું પૂરેપૂરું નામ S-400 ટ્રાયમ્ફ છે જેને નાટો દેશોમાં SA-21 ગ્રોલરના નામથી ઓળખવામાં આવે છે. આ એક લાંબા અંતરની જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ સિસ્ટમ છે જે રશિયાએ બનાવી છે. S-400નો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 2007માં થયો હતો. જો કે S-300નું તે અપડેટેડ વર્ઝન છે. વર્ષ 2015થી ભારત-રશિયા વચ્ચે આ મિસાઈલ સિસ્ટમની ડીલ માટે વાત ચાલી રહી છે. 

અમેરિકાની થાડ સિસ્ટમથી અનેકગણી સારી છે S-400
અનેક દેશો રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવા માંગે છે. કારણ કે અમેરિકાના થાડ (ટર્મિનલ હાઈ ઓલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ) સિસ્ટમ કરતા તેને સારી ગણવામાં આવે છે. આ એક મિસાઈલ સિસ્ટમમાં અનેક સિસ્ટમ એક સાથે લાગી હોવાના કારણે તેની વ્યુહાત્મક ક્ષમતા ખુબ મજબુત ગણાય છે. અલગ અલગ કામ કરનારા અનેક રડારો, ટારગેટને સ્વયં નક્કી કરનારી એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ, લોન્ચર, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર એક સાથે હોવાના કારણે S-400ની દુનિયામાં ખુબ ડિમાન્ડ છે. 

શું છે તેની ખાસિયતો?
- ભારત રશિયા પાસેથી લગભગ 5.5 બિલયન અમેરિકી ડોલરના ભાવે S-400ની પાંચ રેજિમેન્ટ ખરીદી રહ્યું છે. 
- દરેક રેજિમેન્ટમાં કુલ 16 ટ્રક હોય છે. જેમાં 2 લોન્ચર ઉપરાંત 14 રડાર અને કંટ્રોલ રૂમના ટ્રક્સ હોય છે. 
- S-400, 400 કિમીની રેન્જમાં આવનારા કોઈ પણ ફાઈટર એરક્રાફ્ટ્સ, મિસાઈલ કે હેલિકોપ્ટરને તોડી પાડી શકે છે. 
- તેને આદેશ મળ્યા બાદ 5 મિનિટની અંદર તહેનાત કરી શકાય છે અને તે એકસાથે 80 ટારગેટને નિશાન પર લઈ શકે છે. 
- તે 600 કિમીના અંતરેથી દરેક પ્રકારના ટારગેટનો પીછો કરવાનું શરૂ કરી દે છે.
- એક અંદાજ મુજબ માત્ર 3 રેજિમેન્ટ તહેનાત કરીને પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાથી સુરક્ષિત થઈ શકા છે. 
- આ સિસ્ટમ -70 ડિગ્રીથી લઈને 100 ડિગ્રીના તાપમાન પર કામ કરે છે. 
- તેની મારક ક્ષમતા અચૂક છે કારણ કે તે એકસાથે 3 દિશાઓમાં મિસાઈલ છોડી શકે છે. 
- 400 કિમીની રેન્જમાં એક સાથે અનેક ફાઈટર વિમાનો, બેલિસ્ટિક તથા ક્રુઝ મિસાઈલ અને ડ્રોન પર તે હુમલો કરી શકે છે. 

કેમ જરૂરી છે આ એસ-400 ડીલ?
ભારત માટે આ સિસ્ટમ કેટલી જરૂરી છે તેનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય કે અમેરિકાના પ્રખર વિરોધને પણ ભારતે અવગણ્યો છે. એ પણ એવા સમયે કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે સૈનિક સંબંધ સતત મજબુત બની રહ્યાં છે. વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ કહ્યું છે કે એસ400 આવવાથી કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાથી બચવાની ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. 

ભારતીય વાયુસેના હાલ ફાઈટર એરક્રાફ્ટની ભારે અછત સામે ઝઝૂમી રહી છે. એટલે કે કોઈ પણ પ્રકારનો હવાઈ હુમલો થાય તો તેને પહોંચી વળવા માટે મુશ્કેલી પડે. ખાસ કરીને ચીનની સતત વધતી તાકાત અને પાકિસ્તાનના આક્રમક થઈ રહેલા વલણને જોઈને આ વાયુસેનાની આ મુશ્કેલી વધુ ચિંતાજનક બને છે. 

S-400ના સંદર્ભમાં વાયુસેનાની હાલની શક્તિ?
ભારતીય વાયુસેનાને ચીન અને પાકિસ્તાન એમ બંને સ્તરે પહોંચી વળવા માટે 42 ફાઈટર સ્ક્વોડ્રનની જરૂર છે. પરંતુ હાલ વાયુસેના પાસે ફક્ત 31 સ્ક્વોડ્રન છે. જેમાં મિગ-21, મિગ-27, જગુઆર અને મિરાજની સંખ્યા વધુ છે. જેને ચાર દાયકા પહેલા ખરીદાયા હતાં. જો મિગ-29 અને સુખોઈ-30ને છોડી દેવામાં આવે તો વાયુસેના પાસે ફાઈટર જેટ્સ પોતાની ઉંમર પૂરી કરી ચૂક્યા છે. 

રાફેલની 2 સ્ક્વોડ્રનોથી આ કમી પૂરી થઈ શકે નહીં. સ્વદેશી વિમાનો તેજસના આગમનને હજુ ખાસ્સો સમય છે અને હળવા ફાઈટર વિમાનો હોવાના કારણે તેની ક્ષમતા પણ સીમિત છે. જ્યારે ચીનની હવાઈ તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે. હાલમાં જ તેણે તિબ્બતમાં નવા એરબેઝ બનાવ્યાં છે અને ત્યાં ફાઈટર જેટ્સની સ્થાયી તહેનાતી પણ શરૂ કરી દીધી છે. ચીનની મિસાઈલ ક્ષમતા પણ ખુબ અસરકારક છે. એટલે કે હાલ ભારતની હવાઈ સુરક્ષા ખાસી નબળી હાલતમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news