INDvsAUS: ભારતના ઐતિહાસિક શ્રેણી વિજયમાં બનેલા આંકડા અને તમામ રેકોર્ડ પર નજર

સિડનીમાં રમાયેલી શ્રેણીની અંતિમ ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થતા ભારતીય ટીમે 71 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર 2-1થી હરાવીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. 

 INDvsAUS: ભારતના ઐતિહાસિક શ્રેણી વિજયમાં બનેલા આંકડા અને તમામ રેકોર્ડ પર નજર

સિડનીઃ ભારતીય ટીમે ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી પરાજય આપ્યો અને પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. સિડની ટેસ્ટના પાંચમાં દિવસે વરસાદને કારણે મેચ ડ્રો જાહેર કરવામાં આવ્યો અને ભારતે સિરીઝ પોતાના નામે કરી લીધી. ચેતેશ્વર પૂજારાએ મેચમાં 193 રન ફટકાર્યા અને તેને મેન ઓફ ધ મેચની સાથે મેન ઓફ ધ સિરીઝનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

આવો નજર કરીએ ભારતના શ્રેણી વિજયમાં બનેલા તમામ આંકડા અને રેકોર્ડ પર

- ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર ભારતનો કબજો યથાવત. 

- ભારતીય ટીમના નામે હવે આઠ ટેસ્ટ દેશોમાં સિરીઝ જીતનો રેકોર્ડ. ભારતે માત્ર દક્ષિણ આફ્રિકામાં હજુ સુધી ટેસ્ટ સિરીઝ જીતી નથી. 

- ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની છે. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીત્યું નથી. 71 વર્ષ એક મહિનો અને 10 દિવસ બાદ કોઈ એશિયન ટીમે આ સિદ્ધિ મેળવી છે. 

- ભારત પહેલા ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડે 13 વાર, વેસ્ટઈન્ડિઝે ચાર વખત, દક્ષિણ આફ્રિકાએ ત્રણવાર અને ન્યૂઝીલેન્ડે એકવાર ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું છે. 

- ચેતેશ્વર પૂજારાએ પ્રથમવાર મેન ઓફ ધ સિરીઝનું ટાઇટલ જીત્યું છે. 

- પૂજારા ઓસ્ટ્રેલિયામાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર માત્ર પાંચમો ભારતીય ખેલાડી બન્યો. તેના પહેલા આ રેકોર્ડ કૃષ્ણમચારી શ્રીકાંત અને કપિલ દેવ (1985-86), સચિન તેંડુલકર 1999-00) અને રાહુલ દ્રવિડે (2003-04)મા બનાવ્યો હતો. 

- ભઆરતની બહાર વિરાટ કોહલીએ ચોથી ટેસ્ટ સિરીઝ જીતી અને આ મામલામાં તેણે સૌરવ ગાંગુલીની બરોબરી કરી છે. 

- ઓસ્ટ્રેલિયા તરફથી શ્રેણીમાં એકપણ સદી ન લાગી અને માર્કસ હૈરિસે 79 સર્વાધિક સ્કોર રહ્યો. ભારતે બીજીવાર ચાર મેચોની સિરીઝમાં વિપક્ષી ટીમના કોઈપણ બેટ્સમેનને સદી ન ફટકારવા દીધી. આ પહેલા 2015મા ભારતમાં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં દક્ષિણ આફ્રિકા તરફથી એકપણ સદી ન લાગી હતી. 

- રિષભ પંતે એક સિરીઝમાં સૌથી વધુ કેચ અને શિકાર (20)નો નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો. 

- ચેતેશ્વર પૂજારાએ સિરીઝમાં સૌથી વધુ 521 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી એકપણ સદી ન લાગી અને તેના તરફથી માર્કસ હૈરિસે સૌથી વધુ 258 રન બનાવ્યા, જેમાં બે અડધી સદી સામેલ છે. 

- જસપ્રીત બુમરાહ અને નાથન લાયને સિરીઝમાં સૌથી વધુ 21-21 વિકેટ ઝડપી. શમી 16 વિકેટો સાથે બીજા સ્થાને રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news