ગુજરાત અને સૌરાષ્ટ્રનો રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ
રણજી ટ્રોફીની ક્વાર્ટર 15થી 19 જાન્યુઆરી દરમિયાન રમાશે, સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન અને કેરળની ટીમ પણ પહોંચી ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં
Trending Photos
રાજકોટઃ અહીં રમાયેલી મેચમાં યજમાન સૌરાષ્ટ્રએ ગુરુવારે પ્રથમ ઈનિંગની લીડના આધારે એલાઈટ ગ્રૂપ-એમાં વર્તમાન ચેમ્પિયન વિદર્ભને હરાવીને રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતું. સૌરાષ્ટ્રના ખેલાડીઓએ ચોથા અને અંતિમ દિવસે બે વિકેટે 218 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ મેચ ડ્રો જાહેર કરાઈ હતી.
યજમાન સૌરાષ્ટ્ર તરફથી રમતાં વિશ્વરાજ સિંહ જાડેજા (105 અણનમ) અને શેલડોન જેક્સન (53 અણનમ) વિદર્ભના બોલરોને હંફાવી દીધા હતા. વિદર્ભે ગઈકાલે તેમના 9 વિકેટે 280ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો.
વિદર્ભની ટીમને આ મેચમાં માત્ર એક પોઈન્ટ મળ્યો હતો. જોકે, તેણે ગ્રૂપ-એના લીગ ટેબલમાં 29 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. સૌરાષ્ટ્રએ પણ વિદર્ભ જેટલા જ પોઈન્ટ મેળવ્યા હતા, પરંતુ તેના કરતાં ઓછો રનરેટ હોવાને કારણે ગ્રૂપ-એમાં તે બીજા સ્થાને રહ્યું હતું.
ગ્રૂપ-એ અને ગ્રૂપ-બીમાં સૌરાષ્ટ્ર અને વિદર્ભ ઉપરાંત અંતિમ-8માં સ્થાન મેળવનારી ટીમમાં કર્ણાટક(27 પોઈન્ટ) અને કેરળ તથા ગુજરાત (26 પોઈન્ટ) છે. બરોડાના પણ ગુજરાતની જેમ 26 પોઈન્ટ જ હતા, પરંતુ ગુજરાત કરતાં ઓછો રનરેટ હોવાને કારણે તે ફેંકાઈ ગયું હતું.
ક્વાર્ટર ફાઈનલનો કાર્યક્રમ (15 જાન્યુ.થી 19 જાન્યુ.)
- પ્રથમ ક્વાર્ટર ફાઈનલઃ વિદર્ભ વિ. ઉત્તરાખંડ
- બીજી ક્વાર્ટર ફાઈનલઃ સૌરાષ્ટ્ર વિ. ઉત્તરપ્રદેશ
- ત્રીજી ક્વાર્ટર ફાઈનલઃ કર્ણાટક વિ. રાજસ્થાન
- ચોથી ક્વાર્ટર ફાઈનલઃ કેરળ વિ. ગુજરાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે