IND vs NZ: માઇકલ બ્રેસવેલની અદ્ભુત ઈનિંગ, હૈદરાબાદ વનડેમાં માંડ-માંડ જીત્યું ભારત


India vs new zealand:ભારતે પોતાની વિજય યાત્રા જારી રાખતા હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને 12 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

IND vs NZ: માઇકલ બ્રેસવેલની અદ્ભુત ઈનિંગ, હૈદરાબાદ વનડેમાં માંડ-માંડ જીત્યું ભારત

હૈદરાબાદઃ માઇકલ બ્રેસવેલ (140 રન, 78 બોલ, 12 ચોગ્ગા, 10 સિક્સ) ની લડાયક ઈનિંગ અને સેન્ટનર (57) રનની શાનદાર બેટિંગ છતાં ભારતીય ટીમ હૈદરાબાદમાં રમાયેલી વનડેમાં 12 રને જીત મેળવવામાં સફળ રહી છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ગિલની બેવડી સદી (208 રન) ની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ન્યૂઝીલેન્ડની ખરાબ શરૂઆત
ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને 28 રનનો સ્કોર પર ડેવોન કોનવે (10) ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ હેનરી નિકોલ્સ 18 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. ડેરેલ મિચેલ 9 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડનો કેપ્ટન ટોમ લાથમ 24 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ગ્લેન ફિલિપ્સ (11) ને શમીએ બોલ્ડ કરી ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો હતો. 

માઇકલ બ્રેસવેલની અવિશ્વસનીય ઈનિંગ
ન્યૂઝીલેન્ડે 131 રન પર પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ માઇકલ બ્રેસવેલ ક્રિઝ પર આવ્યો હતો. બ્રેસવેલે ધમાકેદાર બેટિંગ કરી હતી. બ્રેસવેલે માત્ર 57 બોલમાં 11 ફોર અને 6 સિક્સ સાથે પોતાના વનડે કરિયરની બીજી સદી પૂરી કરી હતી. આ સાથે માઇકલ બ્રેસવેલ સાત કે તેનાથી નીચેના નંબરે બેટિંગ કરતા બે સદી ફટકારનાર બીજો બેટર બની ગયો છે. આ પહેલા એમએસ ધોનીએ વનડે ક્રિકેટમાં બે સદી ફટકારી હતી. માઇકલ બ્રેસવેલ 78 બોલમાં 12 ચોગ્ગા અને 10 સિક્સ સાથે 140 રન ફટકાર્યા હતા. બ્રેસવેલ અંતિમ વિકેટના રૂપમાં આઉટ થયો હતો. 

સેન્ટનર અને બ્રેસવેલ વચ્ચે 162 રનની ભાગીદાગી
ન્યૂઝીલેન્ડની ટીમે 29મી ઓવરમાં માત્ર 131 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મિચેલ સેન્ટનર અને માઇકલ બ્રેસવેલે માત્ર 120 બોલમાં 162 રનની ભાગીદારી કરી ન્યૂઝીલેન્ડની વાપસી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. મિચેલ સેન્ટનરે આ દરમિયાન પોતાની અડધી સદી પૂરી કરી હતી. સેન્ટનર 45 બોલમાં સાત ચોગ્ગા અને 1 સિક્સ સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. 

મોહમ્મદ સિરાજનો ઘાતક સ્પેલ
પોતાના ઘરઆંગણે રમી રહેલા મોહમ્મદ સિરાજે 10 ઓવરમાં 2 મેડન સાથે 46 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. શમીએ મહત્વના સમયે ભારતને સફળતા અપાવી હતી. જ્યારે સેન્ટનર અને બ્રેસવેલની ભાગીદારીને પણ સિરાજે તોડી હતી. સિરાજે સેન્ટનર અને શિપલીને એક ઓવરમાં આઉટ કરી પેવેલિયન પરત મોકલી દીધા હતા. 

શુભમન ગિલની બેવડી સદી
ભારતના યુવા ઓપનર શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રેકોર્ડ બનાવી દીધો છે. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા બેવડી સદી ફટકારી છે. ગિલે 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 સિક્સ સાથે 208 રન ફટકારી દીધા હતા. આ ગિલના વનડે કરિયરની પ્રથમ બેવડી સદી છે. તો ગિલે સતત બીજી વનડે મેચમાં સદી ફટકારી છે. 23 વર્ષીય શુભમન ગિલ ભારત તરફથી બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટર બની ગયો છે. નોંધનીય છે કે વનડે ક્રિકેટમાં અત્યાર સુધી ભારત તરફથી સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાહ, રોહિત શર્મા, ઈશાન કિશન બેવડી સદી ફટકારી ચુક્યા છે. 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને 60 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા 38 બોલમાં 2 સિક્સ અને 4 ચોગ્ગાની સાથે 34 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 8 રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો હતો. ઈશાન કિશન માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે ગિલનો સાથ આપ્યો હતો. ગિલ અને સૂર્યા વચ્ચે 65 રનની ભાગીદારી થઈ હતી. સૂર્યકુમાર 26 બોલમાં 4 ચોગ્ગા સાથે 31 રન બનાવી આઉટ થયો હતો. 

હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 28 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુર 3 અનો વોશિંગટન સુંદર 12 રન બનાવી આઉટ થયા હતા. અંતમાં કુલદીપ યાદવ 5 અને શમી 2 રન બનાવી અણનમ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી શિપલી અને મિચેલે બે-બે સફળતા મેળવી હતી. આ સિવાય ફર્ગ્યૂસન, સેન્ટનર અને ટિકરને એક-એક વિકેટ મળી હતી. 

ગિલે વનડેમાં પૂરા કર્યા 1 હજાર રન
હૈદરાબાદના મેદાન પર ગિલનો જલવો જોવા મળ્યો હતો. ગિલે પોતાની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી અને શિખર ધવનનો રેકોર્ડ તોડી દીધો. ભારત તરફથી વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 1000 રન પૂરો કરનાર બેટર ગિલ છે. તેની પહેલા આ રેકોર્ડ વિરાટ અને ધવનના નામે હતો. આ બંનેએ 24-24 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે ગિલે 19મી ઈનિંગમાં આ રેકોર્ડ બનાવી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news