INDvsAUS: ઓસ્ટ્રેલિયા સામે અંતિમ બે ટેસ્ટ માટે ટીમની જાહેરાત, હાર્દિક પંડ્યાની વાપસી

હાર્દિક પંડ્યા ભારતીય ટેસ્ટ ટીમનો 19મો સભ્ય હશે. તેણે રણજી મુકાબલામાં ફિટનેસ સાબિત કરતા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

INDvsAUS: ઓસ્ટ્રેલિયા સામે અંતિમ બે ટેસ્ટ માટે ટીમની જાહેરાત, હાર્દિક પંડ્યાની વાપસી

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ રણજી મુકાબલામાં ફિટનેસ સાબિત કરવાની સાથે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી લીધી છે. પંડ્યાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને ચોથા ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ત્રીજી ટેસ્ટ (બોક્સિંગ ડે ટેસ્ટ) 26 ડિસેમ્બરથી મેલરોર્નમાં રમાશે. ત્યારબાદ આગામી વર્ષે ત્રણ જાન્યુઆરીથી સિડનીમાં સિરીઝની ચોથી ટેસ્ટ રમાશે. 

ભારતીય ક્રિકેટ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે હાર્દિક પંડ્યાને ટીમમાં વધારાના ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતીય ટીમનો 19મો સભ્ય હશે. ભારતીય ટીમમાં પહેલાથી જ 18 ખેલાડી સામેલ છે. ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ સિરીઝમાં 1-0થી આગળ ચાલી રહી છે. 

પંડ્યાએ રણજીમાં કર્યું શાનદાર પ્રદર્શન
એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થનાર પંડ્યાએ રણજી ટ્રોફીમાં પોતાની ફિટનેસ સાબિત કરી છે. મુંબઈ વિરુદ્ધ રણજી મેચમાં કુલ 7 વિકેટ અને 73 રન બનાવ્યા હતા. પંડ્યાએ બરોડા માટે બોલિંગની શરૂઆત કરી અને સૌથી વધુ ઓવર ફેંકી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 18.5 ઓવર બોલિંગ કરી અને 5 વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઈનિંગમાં બે સફળતા મેળવી હતી. 

પૃથ્વી શોની જગ્યાએ મયંક અગ્રવાલને તક
ભારતીય ટેસ્ટ ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોને એડીમાં ઈજા થવાને કારણે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને પસંદગી સમિતિએ કર્ણાટકના યુવા બેટ્સમેન મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપ્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, પંત બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ફીટ થઈ જશે. પરંતુ તે ફીટ ન થતા તેના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરવાનો નિર્ણય પસંદગી સમિતિએ કર્યો છે. સિરીઝનો ત્રીજો ટેસ્ટ મેચ બોક્સિંગ ડે ટેસ્ટ 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી રમાશે. 

ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી, મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, પાર્થિવ પટેલ, અશ્વિન, જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news