મહિલા ટી-20 રેન્કિંગઃ વિશ્વકપમાં હાર બાદ હરમનપ્રીત ટોપ-5માં, પૂનમ યાદવ બીજા સ્થાને યથાવત

આઈસીસીએ મહિલા ટી20 વિશ્વકપ બાદ ટી20 રેન્કિંગ જાહેર કર્યું છે. 

   મહિલા ટી-20 રેન્કિંગઃ વિશ્વકપમાં હાર બાદ હરમનપ્રીત ટોપ-5માં, પૂનમ યાદવ બીજા સ્થાને યથાવત

દુબઈઃ ભારતીય મહિલા ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને બોલર પૂનમ યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના તાજા ટી-20 રેન્કિંગમાં ક્રમશઃ બોલર અને બેટ્સમેનોની યાદીમાં ટોપ-5માં સામેલ થઈ ગઈ છે. આઈસીસીએ આ રેન્કિંગ રવિવારે વેસ્ટ ઈન્ડિઝમાં સમાપ્ત થયેલા મહિલા ટી20 વિશ્વકપ બાદ કરી છે. વિશ્વકપમાં રેકોર્ડ સદી ફટકારનાર હરમનપ્રીત કૌર બેટ્સમેનોની યાદીમાં ત્રણ સ્થાન ઉપર આવીને ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. તેના કુલ 632 રેટિંગ પોઈન્ટ થઈ ગયા છે. 

હરમનપ્રીત ટૂર્નામેન્ટમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ બેટ્સમેન એલીસા હિલી બાદ સર્વાધિક રન બનાવનાર બીજી ખેલાડી હતી. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સદીની મદદથી ટૂર્નામેન્ટમાં કુલ 183 રન બનાવ્યા હતા. 

જેમિમા રોડ્રિગ્જ  નવ સ્થાન ઉપર આવીને કરિયરની સર્વશ્રેષ્ઠ છઠ્ઠા રેન્કિંગ પર જ્યારે સ્મૃતિ 10માં સ્થાને પહોંચી ગઈ છે. મિતાલી રાજને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે નવમાં સ્થાને પહોંચી ગઈ છે. 

બેટ્સમેનોમાં છે આ સ્થિતિ
ન્યૂઝીલેન્ડની સુજી બેટ્સ 694 પોઈન્ટની સાથે પ્રથમ અને વેસ્ટ ઈન્ડિઝની સ્ટેફની ટેલર 654 પોઈન્ટની સાથે બીજા સ્થાને છે. અન્ય બેટ્સમેનોમાં વિશ્વકપમાં 225 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાની હિલી ચાર સ્થાન ઉપર આવીને આઠમાં સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનને ઝવેરિયા ખાન સાત સ્થાનની છલાંગ સાથે 14માં અને આયર્લેન્ડની ક્લેર શિલિંગટન 19માં સ્થાને પહોંચી ગઈ છે. 

બોલરોના રેન્કિંગમાં પૂનમ યાદવ 662 પોઈન્ટની સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની મેગન શટ હજુપણ પ્રથમ સ્થાને યથાવત છે. ન્યૂઝીલેન્ડની લેહ કાસ્પેરેક સાત સ્થાનોની છલાંગ સાથે ત્રીજા, ઈંગ્લેન્ડની સોફી એસ્લેસ્ટોન 12 સ્થાનની છલાંગ સાથે ચોથા અને ઓસ્ટ્રેલિયાની એલીસા પેરી ચાર સ્થાન ઉપર આવીને પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. ભારતની અનુજા પાટિલને છ સ્થાનનું નુકસાન થયું છે, હવે તે 20માં સ્થાને આવી ગઈ છે. 

ઓલરાઉન્ડરોની યાદીમાં એકપણ ભારતીય નહીં
ઓલરાઉન્ડ ખેલાડીઓના રેન્કિગંમાં ટોપ-5માં એકપણ ભારતીય ખેલાડી નથી. ટીમ રેન્કિંગમાં વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વિશ્વકપ જીતનાર ઓસ્ટ્રેલિયા 283 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને છે. આ સિવાય ઈંગ્લેન્ડ બીજા, ન્યૂઝીલેન્ડ ત્રીજા, વેસ્ટ ઈન્ડિઝ ચોથા અને ભારત 256 પોઈન્ટની સાથે પાંચમાં નંબર પર છે. ટીમ રેન્કિંગમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને બીજા સ્થાનેથી હટાવી દીધું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news