PAKvsNZ: પાકિસ્તાનની જીતમાં ઝળક્યો યાસિર શાહ, ઇમરાન ખાનની કરી બરોબરી

પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને બીજી ટેસ્ટમાં ઈનિંગ અને 16 રને પરાજય આપ્યો છે. આ સાથે તેણે ત્રણ મેચની સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી છે. 

 PAKvsNZ: પાકિસ્તાનની જીતમાં ઝળક્યો યાસિર શાહ, ઇમરાન ખાનની કરી બરોબરી

દુબઈઃ લેગ સ્પિનર યાસિર શાહની શાનદાર બોલિંગની મદદથી પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને બીજી ટેસ્ટમાં ઈનિંગ અને 16 રને પરાજય આપ્યો હતો. તેણે પાંચ દિવસનો આ ટેસ્ટ મેચ ચોથા દિવસે જીતી લીધો હતો. આ સાથે તેણે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-1ની બરોબરી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ ચાર રને જીત્યો હતો. સિરીઝનો અંતિમ ટેસ્ટ મેચ ત્રણ ડિસેમ્બરથી રમાશે. 

પાકિસ્તાની લેગ સ્પિનર યાસિર શાહે આ મેચમાં 184 રન આપીને કુલ 14 વિકેટ પોતાના નામે કરી હતી. આ પાકિસ્તાનના કોઈપણ સ્પિનરનું ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તો કોઈપણ પાકિસ્તાની બોલર દ્વારા ટેસ્ટમાં કરવામાં આવેલું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ મામલામાં પ્રથમ નંબર પર પાકિસ્તાનના હાલના વડાપ્રધાન અને પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનનું નામ છે, જેમણે 116 રન આપીને 14 વિકેટ ઝડપી હતી. 

યાસિર શાહે મેચના ત્રીજા દિવસે 10 વિકેટ ઝડપી હતી. તેમાંથી આઠ વિકેટ ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગમાં અને બે વિકેટ બીજી ઈનિંગમાં લીધી હતી. આ સાથે તે ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલે બાદ એક દિવસમાં 10 વિકેટ ઝડપનારો પ્રથમ બોલર છે. કુંબલેએ 1999માં પાકિસ્તાન વિરુદ્ધ નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ટેસ્ટમાં એક દિવસમાં એક ઈનિંગમાં 10 વિકેટ ઝડપી હતી. 

મેચની વાત કરવામાં આવે તો પાકિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 418 રન પર દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ તેણે યાસિર શાહ (8/41)ના દમદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં 90 રન પર આઉટ કરી દીધું હતું. ત્યારબાદ પાકિસ્તાને પ્રવાસી ટીમને ફોલોઓન આપ્યું હતું. કીવી ટીમ ફોલોઓન રમતા પોતાની બીજી ઈનિંગમાં પણ પાકિસ્તાનના સ્કોરને પાર ન કરી શકી તથા 312 રનમાં ફરી આઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં યાસિર શાહે 6 વિકેટ ઝડપી હતી. 

કીવી ટીમે ચોથા દિવસે એટલે કે મંગળવારની શરૂઆત બે વિકેટના નુકસાન પર 131 રન સાથે કરી હતી. ત્રીજા દિવસે 44 રને અણનમ રહેનાર ટોમ લાથમ (50) પોતાની અડધી સદી પુરી કરીને હસન અલીનો શિકાર બન્યો હતો. લાથમની સાથે ત્રીજા દિવસે અણનમ રહેનાર રોસ ટેલર (82) રન બનાવી આસિફનો શિકાર બન્યો હતો. અહીંથી કીવી ટીમે સતત વિકેટ ગુમાવી હતી. યાસિર શાહે અંતિમ પાંચ વિકેટમાંથી ચાર વિકેટ ઝડપીને પાકને શાનદાર જીત અપાવી હતી. આ સિવાય હસન અલીએ ત્રણ અને બિલાલને એક સફળતા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news