કલમ 370: ભારતને UNમાં લઈ જવાની ધમકી પાકિસ્તાનને જ ભારે પડી જશે, બનશે મોટી મુર્ખામી, જાણો કઈ રીતે 

કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાનમાં તો જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાન ભારતની પોતાની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.

કલમ 370: ભારતને UNમાં લઈ જવાની ધમકી પાકિસ્તાનને જ ભારે પડી જશે, બનશે મોટી મુર્ખામી, જાણો કઈ રીતે 

નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાનમાં તો જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાન ભારતની પોતાની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. કલમ 370 હટતા જાણે તેના માથે આફતોનો પહાડ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારતે આ કલમ દૂર કરતા હવે જમ્મુ અને કાશ્મીર સંપૂર્ણ પણે ભારત સાથે જોડાઈ ગયું જેનું પાકિસ્તાનને ખુબ દુ:ખ થઈ રહ્યું હોય તેવું જણાઈ આવે છે. પાકિસ્તાને આ મુદ્દે ભારતને અનેક ધમકીઓ પણ આપી છે જેમાંની એક ધમકી ભારતને યુએનમાં લઈ જવાની છે. પરંતુ આ મુદ્દે તો પાકિસ્તાન પોતે જ પોતાની જાળમાં ફસાઈ જવાનું છે. કાશ્મીર મુદ્દે 1948માં સંયુક્ત રાષ્ટ્રે પાકિસ્તાનને જે પગલાં લેવાનું કહ્યું હતું તેનું પાકિસ્તાને આજ સુધી પાલન કર્યું નથી. યુએનના પ્રસ્તાવ સંલગ્ન પોતાની પ્રતિબદ્ધતાઓને પાકિસ્તાને ક્યારેય પૂરી કરી નથી. 

1948ના યુએનના પ્રસ્તાવમાં તબક્કાવાર પગલાંઓ વર્ણવાયા હતાં
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ સંખ્યા 47માં કાશ્મીર મુદ્દે સમાધાન માટે સ્પષ્ટપણે તબક્કાવાર જણાવવામાં આવ્યું હતું. આ તમામ પગલાં યુએન કમિશન ફોર ઈન્ડિયા અને પાકિસ્તાન (UNCIP)ના 13 ઓગસ્ટ 1948ના પ્રસ્તાવમાં પણ રજુ કરાયા છે. અત્રે જણાવવાનું કે 20 જાન્યુઆરી 1948ના રોજ UNSCના પ્રસ્તાવ સંખ્યા 39 હેઠળ જ UNCIPનું ગઠન થયું હતું. 

પાકિસ્તાને પોતાના ગેરકાયદે કબ્જાવાળા કાશ્મીરમાંથી સેના હટાવવાની હતી
કાશ્મીર સમસ્યાના સમાધાન માટે સંયુક્ત રાષ્ટ્રે જે પગલાં અંગે જણાવ્યું હતું તે મુજબ પાકિસ્તાને કાશ્મીરમાંથી પોતાના તમામ સૈનિકોને હટાવવાના હતાં. આ ઉપરાંત પાકિસ્તાને 'કબીલાઈઓ' અને સામાન્ય રીતે તે વિસ્તારમાં ન રહેતા પાકિસ્તાની નાગરિકો કે જે યુદ્ધના હેતુથી ત્યાં હાજર હતાં તેમને પણ પાછા બોલાવવાની દરેક શક્ય કોશિશ કરવાની હતી. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાં મુજબ એકવાર જ્યારે પાકિસ્તાન આ પગલાં ભરી લે તો ત્યારબાદ ભારત પણ કાશ્મીરમાંથી પોતાની સેનાને તબક્કાવાર પાછી બોલાવી લે તેવું હતું. 

જુઓ LIVE TV

સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવની શરતોનું પાલન પાકિસ્તાને આજ સુધી કર્યું નથી
વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાને ક્યારેય સંયુક્ત રાષ્ટ્રની શરતોનું પાલન કર્યું નથી. કાશ્મીર પર યુએનના પ્રસ્તાવથી વાકેફ એક વિશેષજ્ઞે ઈકોનોમિક્સ ટાઈમ્સને જણાવ્યું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના એક ભાગ પર પોતાનો ગેરકાયદે કબ્જો તો જમાવ્યો જ છે પરંતુ સાથે સાથે નાટકિય ઢંગથી સૈન્ય તહેનાતી પણ ખુબ વધારી છે. આ રીતે યુએનએસસીના પ્રસ્તાવ સંખ્યા 47 અને UNCIPના 13 ઓગસ્ટ 1948 તથા 5 જાન્યુઆરી 1949ના પ્રસ્તાવોનું પાલન કર્યું નથી. તેમણે જણાવ્યું કે આમ કરવાથી પાકિસ્તાને જનમતસંગ્રહની માગણીનો અધિકાર પણ ગુમાવી દીધો છે. 

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રનું ન સાંભળ્યું તો જનમત સંગ્રહની રજુઆતથી ભારત પાછું હટ્યું
29 માર્ચ 1956ના રોજ લોકસભામાં પોતાના એક ભાષણમાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે યુએનસીઆઈપીએ એ સુનિશ્ચિત કરવા જેવું  હતું કે પાકિસ્તાન પોતાના કબ્જાવાળા કાશ્મીરમાંથી પોતાની સેના પાછી ખેંચે અને ત્યારબાદ ભારતને પણ સેના હટાવવાનું કહેવા જેવું હતું. નહેરુએ સંસદમાં પોતાના ભાષણમાં ત્યારે કહ્યું હતું કે આજે સાડા આઠ વર્ષ વીતી ગયા પરંતુ પાકિસ્તાની સેના હજુ પણ પીઓકેમાં હાજર છે. આથી જનમત સંગ્રહની વાતોનો આધાર આપોઆપ જ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે. 

29 માર્ચ 1956ના રોજ ભારતે કાશ્મીરમાં જનમતસંગ્રહની પોતાની રજુઆતને 3 આધારે પાછી ખેંચી. પહેલો આધાર એ હતો કે સંયુક્ત રાષ્ટ્રની શરતો મુજબ પાકિસ્તાને પોતાની સેના હટાવવાની હતી પરંતુ તેણે તેમ કર્યું નહી. બીજો આધાર એ હતો કે જમ્મુ અને કાશ્મીર સંવિધાન સભાએ ભારત સાથે વિલયને મંજૂરી આપી દીધી છે અને ભારતીય સંવિધાનને સ્વીકાર કરી લીધુ છે. ભારતે ત્રીજો આધાર એ ગણાવ્યો હતો કે પાકિસ્તાનની ઈચ્છા આ વિવાદને સૈન્ય પદ્ધતિથી ઉકેલવાની છે જેનાથી સ્થિતિઓ બદલાઈ ગઈ છે. 

POK સાથે પાકિસ્તાને કરી અનેક છેડછાડ, ચીનને પણ આપી દીધો એક હિસ્સો
પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રની શરતોનું પાલન તો ન જ કર્યું પરંતુ તેનાથી ઉલટુ અનેક એવા પગલાં ભર્યા જેનાથી યથાસ્થિતિ બદલાઈ ગઈ. તેણે પોતાના કબ્જાવાળા કાશ્મીરમાં અનેક બદલાવ કર્યાં અને ભાગલા પાડતા ગિલગિટ-બાલ્ટિસ્તાનને તેનાથી અલગ કર્યું. તેણે પીઓકેમાં પશ્તુનો અને ગિલકિટ-બાલ્ટિસ્તાનમાં પંજાબી વસ્તીને વસાવી દઈને યથાસ્થિતિ સાથે છેડછાડ કરી. આ ઉપરાંત પાકિસ્તાને 1963માં ચીનની સાથે સરહદ સમજૂતિ કરીને કાશ્મીરનો 5180 વર્ગ  કિલોમીટરનો વિસ્તાર ચીનને આપી દીધો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news