PAK ચૂંટણી: સત્તા કબ્જે કરવા આતંકી હાફિઝે ઢગલો ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા, પણ મળી ધોબીપછાડ
પાકિસ્તાનમાં થયેલી સામાન્ય ચૂંટણીના ત્રણ ચહેરા પ્રમુખ છે. પહેલો છે ઈમરાન ખાન. ચૂંટણીમાં તેમની પાર્ટી પીટીઆઈ 114 બેઠકો પર લીડ મેળવી રહી છે
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનમાં થયેલી સામાન્ય ચૂંટણીના ત્રણ ચહેરા પ્રમુખ છે. પહેલો છે ઈમરાન ખાન. ચૂંટણીમાં તેમની પાર્ટી પીટીઆઈ 114 બેઠકો પર લીડ મેળવી રહી છે. તેમની પાર્ટીની જીત નિશ્ચિત ગણવામાં આવી રહી છે. બીજો ચહેરો છે નવાઝ શરીફ, જેની પાર્ટી ઈમરાન ખાનની પાર્ટી કરતા પાછળ છે. અને 63 બેઠકો પર આગળ છે. જ્યારે ત્રીજો ચહેરો છે આતંકી હાફિઝ સઈદ. હાફિઝે પાકિસ્તાનની ચૂંટણીમાં મોટા પાયે જીત મેળવવાના દાવા કર્યા હતાં. ચૂંટણી લડવાની જાહેરાતથી ભારતમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. પરંતુ પાકિસ્તાનની જનતાએ આ વખતે ચૂંટણીમાં મતાધિકારનો પ્રયોગ કરીને હાફિઝના તમામ દાવાની પોલ ખોલી નાખી. હકીકતમાં આ ચૂંટણીમાં તેની પાર્ટી અલ્લાહ ઓ અકબર તહરીક એક પણ સીટ પર લીડ મેળવી શકી નથી.
હાફિઝે લાહોરમાં કર્યુ હતું મતદાન
મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદે ચૂંટણીમાં મતદાન બાદ લોકોને અપીલ કરી હતી કે તેઓ પાકિસ્તાનની વિચારધારા માટે મતદાન કરે. સઈદનો પુત્ર અને જમાઈ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. સઈદે લાહોરમાં વફાકી કોલોનીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દેશમાં મોટી સંખ્યામાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ જે રીતે ચૂંટણી લડી રહ્યાં છે તે અંગે ચિંતા છે.
260 આતંકીઓને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા
આતંકી હાફિઝના પ્રતિબંધિત જમાત ઉદ દાવાની રાજકીય શાખા મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ)એ અલ્લાહ ઓ અકબર તહરીક (એએટી) નામની પાર્ટી દ્વારા પોતાના 260 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતાં. તેનો દાવો હતો કે તેના બધા ઉમેદવારો ચૂંટણી જીતશે. પરંતુ પાકિસ્તાનની જનતાએ તેની મહત્વકાંક્ષા પર પાણી ફેરવી દીધુ.
પુત્ર અને જમાઈને પણ ચૂંટણી લડાવી
હાફિઝે પુત્ર અને જમાઈને પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા. હાફિઝનો પુત્ર હાફિઝ તલહા સઈદ સરગોધાથી એનએ-91થી ચૂંટણી લડી રહ્યો હતો. જે જમાત ઉદ દાવા નેતાનું ગૃહનગર છે. લાહોરથી લગભગ 200 કિલોમીટર છે. હાફિઝનો જમાઈ ખાલિદ વલીદ પીપી-167થી ઉમેદવાર છે. તે પાર્ટી પણ એએટીના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યો છે. કારણ કે પાકિસ્તાન ચૂંટણી પંચે એમએમએલના રજિસ્ટ્રેશન માટે ના પાડી દીધી હતી.
પાકિસ્તાનની વિચારધારા માટે મતો માંગ્યા હતાં
આતંકી હાફિઝ સઈદે લોકોને ઘરમાંથી બહાર નીકળીને પાકિસ્તાનની વિચારધારા માટે મતદાન કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે મારી ઈચ્છા છે કે આ ચૂંટણી દેશ માટે ઉપયોગી સાબિત થાય. તેણે લોકોને ખુરશી માટે મતદાન કરવાની અપીલ કરી હતી જે એએટીનું ચૂંટણી ચિન્હ છે. જમાત ઉદ દાવાને જૂન 2014માં અમેરિકાએ વિદેશી આતંકી સંગઠન જાહેર કર્યું હતું. આતંકી ગતિવિધિઓ બદલ અમેરિકાએ સઈદ પર 10 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કરી રાખ્યું છે.
કોણ છે આ હાફિઝ સઈદ
હાફિઝ સઈદ પાકિસ્તાની આતંકી છે. તે આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો સંસ્થાપક સભ્ય છે. તથા જમાત ઉદ દાવાનો ચીફ છે. તેના સંગઠનને યુએનએ પણ આતંકી સંગઠન જાહેર કર્યું છે. 2008માં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા 164 લોકોના મોત બાદ 2012માં અમેરિકાએ તેના ઉપર કરોડો ડોલરનું ઈનામ રાખ્યુ હતું.
અનેક દેશોમાં પ્રતિબંધિત
આતંકી હાફિઝ સઈદ મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ ઉપરાંત 2006માં મુંબઈની ટ્રેનોમાં થયેલા વિસ્ફોટ અને 2001માં સંસદ પર થયેલા હુમલામાં પણ તેનો હાથ હતો. હાફિઝ સઈદ ભારતની તપાસ એજન્સી એનઆઈએના વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે. આ સાથે જ ભારતમાં તેના આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને જમાત ઉદ દાવાને પ્રતિબંધિત કરાયેલા છે. ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિય સંઘ હેઠળ આવનારા 26 દેશોમાં પણ તેના ઉપર પ્રતિબંધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે