વાહ મારા બનાહ કોંઠા! ચીન, બ્રાઝિલ, થાઈલેન્ડ જેવા દેશોમાં આપણી મગફળીની ધૂમ
Agriculture News: દુનિયાભરના દેશોમાં ડંકો વગાડે છે ગુજરાતના બનાસકાંઠાના ખેતરમાં ઉગેલી મગફળી. દુનિયાભરના ડઝનથી વધારે દેશોમાં બનાસકાંઠાની મગફળની જબરદસ્ત માંગ. ખેડૂતોના ખેતરમાં ઉગે છે સોનું!
Agriculture News: ભારત એક ખેતી પ્રધાન દેશ છે. એમાંય ગુજરાત રાજ્ય ખેતી માટે સારું વાતાવરણ પુરું પાડે છે. ગુજરાતમાં થતી અનેકવિધ ખેતી દેશના એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રોથ એન્જીનનું કામ કરે છે. એમાંય ગુજરાતની મગફળીની તો વાત જ શું કરવી. આપણાં ગુજરાતના ખેતરોમાં ઉગેલી મગફળની દુનિયાભરમાં જોવા મળી રહી છે ધૂમ.
દુનિયાભરમાં બનાસકાંઠાની મગફળીની માગઃ
જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતના બનાસકાંઠાની મગફળીની દુનિયાના ડઝન કરતા વધારે દેશોમાં ભારે માંગ છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનાં સારા પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થાય છે. ત્યારે આ મગફળીની ચીન, બ્રાઝિલ, મલેશિયા, આર્જેન્ટિના, વિયેતનામ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને થાઈલેન્ડ સહિતના ડઝન કરતા વધારે દેશોમાં આ મગફળીની ભારે માગ છે. એટલું જ નહીં આ ઉપરાંત ગલ્ફ કન્ટ્રીઝમાં પણ ગુજરાતના બનાસકાંઠાની મગફળીએ માર્કેટ જમાવ્યું છે. ગુજરાતના બનાસકાંઠાથી લગભગ 15થી વધારે દેશોમાં મગફળીની નિકાસ કરવામાં આવે છે. આ સમાચાર જાણીને એમ કહેવાનું મન થાય કે, વાહ મારા બનાહ કોંઠા વાહ....
ક્યારે કરાયે છે મગફળીનું વાવેતર?
મગફળીના ભાવ સીંગતેલ અને દાણાની આવક તેની માંગ સાથે પુરવઠા આધારિત રહેતા હોય છે. સીંગતેલની માંગ અને પુરવઠો વધુ હોય તો ભાવ નીચા હોય છે. જિલ્લામાં ખેડૂતો ઉનાળામાં અને ચોમાસામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરતા હોય છે. અત્યારે ઉનાળુ મગફળીનું ખેડૂતો ઉત્પાદન મેળવી રહ્યા છે. જેથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળી લઈ ડીસા માર્કેટયાર્ડમાં વેચાણ કરવા માટે આવી રહ્યા છે. અહીં દરરોજની 40 હજાર કરતાં વધુ બોરીની ડીસા માર્કેટમાં આવક નોંધાઈ રહી છે. આ મગફળીની માંગ ગુજરાતની સાથે સાથે દેશ અને વિદેશમાં પણ જોવા મળી રહી છે.
કેટલાં હેક્ટરમાં કરાયું મગફળીનું વાવેતર?
ડીસા માર્કેટયાર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળામાં 28,974 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરાયું છે. જેમાં ડીસા તાલુકામાં 12,739 હેક્ટરમાં વાવેતર થયું હતું. ચાલુ વર્ષે મગફળીના ભાવ 1200 થી લઈ 1,411 સુધીના બોલાઈ રહ્યા છે. ડીસા માર્કેટયાર્ડમાં છેલ્લા દસ દિવસમાં મગફળીની 1,30,000 બોરીની આવક નોંધાઈ ચૂકી છે. માર્કેટયાર્ડમાં દરરોજની 40,000 જેટલી બોરીની આવક નોંધાઈ રહી છે.
ગત વર્ષે સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1273 નક્કી કરેલ હતા. તેનાથી વધુ ભાવ મગફળીના ડીસાના ખુલ્લા બજારમાં મળતા ખેડૂતો વધુ પ્રમાણમાં મગફળીનું વેચાણ માટે આવ્યા હતા. જેથી ડીસાની મગફળી ગુજરાતના તમામ સ્ટેટમાં અને દેશ-વિદેશમાં નિકાસ થાય છે. આ વર્ષે મગફળીના પ્રતિ 20 કિલોના 1200 થી લઈ 1411 રૂપિયાના ભાવ છે જે ગત વર્ષની સરખામણીમાં સો રૂપિયા વધારો નોંધાયો છે.જે ખેડૂતોને પોષણસમ નજીક ભાવ મળી રહ્યા છે. આમ મગફળીની સપ્ટેમ્બર સુધી આવક થશે અને આ ભાવ જળવાઈ રહે તેવી સંભાવના છે તેમજ જો કદાચ માંગ વધે તો ભાવમાં ઉછાળો આવવાની શક્યતા રહેલી છે.