Wheat Procurement: ભારત એ એક ખેતી પ્રધાન દેશ છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી કરાઈ છે. રાજ્ય સરકારોની સાથો સાથ કેન્દ્ર સરકાર પણ ખેડૂતોની તકલીફોને વિશેષ પ્રાધાન્ય આપે છે. કારણકે, ખેડૂતો ખુશ હશે તો તેને સીધો લાભ પણ ચૂંટણીમાં સરકારને મળશે. હાલના તબક્કે ખેડૂતોના નારાજગી વહોરવી કોઈ સરકારને ખપે તેમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત આપવા માટે સરકારે લીધો છે મોટો નિર્ણય. ખાસ કરીને ઘઉં પકવતા ખેડૂતો માટે સરકારે લીધો છે મહત્ત્વનો નિર્ણય. આ નિર્ણય અંતર્ગત હવે ખેડૂતોને હવે MSP નાણા માત્ર 48 કલાકમાં જ ચૂકવી દેવામાં આવશે. અગાઉ ખેડૂતોએ આ નાણા મેળવવા માટે લાંબી રાહ જોવી પડતી હતી. જેને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડતો હતો. જોકે, લોકસભાની ચૂંટણી પહેલાં જ સરકારે ખેડૂતોની સામે જોયું છે. અને સરકારે આખરે ખેડૂતોની આ સમસ્યાનું સમાધાન કરી દીધું છે. 


ઘઉંની ખરીદી અંગે સરકારની મોટી જાહેરાતઃ
લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે જ સરકારે ખેડૂતોના હકમાં લઈ લીધો છે આ મોટો નિર્ણય. સરકારના આ નિર્ણયથી ખેડૂતોની સાથો-સાથ સામાન્ય જનતાને પણ મોટી રાહત મળશે એમાં કોઈ બે મત નથી. કેન્દ્રએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર જેવા બિન-પરંપરાગત રાજ્યોમાં ઘઉંની ખરીદી વધારવાની જાહેરાત કરી છે. વર્તમાન માર્કેટિંગ વર્ષ 2024-25માં સરકારે આ ખરીદી સાત ગણી વધારીને 50 લાખ ટન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ત્રણેય રાજ્યોએ 2023-24 માર્કેટિંગ વર્ષ દરમિયાન કેન્દ્રીય પૂલમાં માત્ર 6.7 લાખ ટનનું યોગદાન આપ્યું હતું. તે જ સમયે, કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે 2024-25 માટે 310 લાખ ટનના કુલ ઘઉંની ખરીદીના લક્ષ્યાંકમાંથી 16 ટકા ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો છે.


ઘઉંની MSP કેટલી છે?
લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ઘઉંની ખરીદી સામાન્ય રીતે કેન્દ્રની નોડલ એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) અને રાજ્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. જોકે, સહકારી મંડળીઓ નાફેડ અને એનસીસીએફનો પણ આ વર્ષે સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પ્રત્યેક પાંચ લાખ ટનની પ્રાપ્તિના લક્ષ્યાંક છે. ચાલુ વર્ષ માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,275 નક્કી કરવામાં આવ્યા છે.


આ રાજ્યો અંગે સરકારે કરી ખાસ વિચારણાઃ
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન તેમની ક્ષમતા કરતાં ઘણું ઓછું યોગદાન આપી રહ્યા છે. અમે આ વર્ષે કુલ 310 લાખ ટન ઘઉંની ખરીદી કરવાનો લક્ષ્‍યાંક રાખીએ છીએ, જેમાંથી અમે એકલા ત્રણ બિન-પરંપરાગત ખરીદી કરતા રાજ્યોમાંથી ઓછામાં ઓછા 50 લાખ ટન ઘઉંની ખરીદીની અપેક્ષા રાખીએ છીએ.


ઘઉંની ખરીદી અને લોકસભા ચૂંટણીઃ
ઑક્ટોબરથી, કેન્દ્ર આ ત્રણ રાજ્યો સાથે ખરીદીનું સ્તર વધારવા માટે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ખામીઓને દૂર કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે અને તેનાથી ત્રણેય રાજ્યોમાં ખરીદીનું સ્તર વધારવામાં મદદ મળશે. સચિવે કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણીઓ ઘઉંની ખરીદીની કામગીરીને અસર કરે તેવી શક્યતા નથી.


48 કલાકમાં મળી જશે MSP ના પૈસા-
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યું કહ્યું કે બિન-પરંપરાગત રાજ્યોમાંથી ઘઉંની ખરીદીમાં વૃદ્ધિથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ ઘઉંની ફાળવણી પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે, સચિવે કહ્યું કે સરકારે બેંકિંગ સંબંધિત મુદ્દાઓને સુવ્યવસ્થિત કરવા માટે પગલાં લીધા છે જેમ કે 48 કલાકની અંદર ખેડૂતોના બેંક ખાતામાં MSP ટ્રાન્સફર સુનિશ્ચિત કરવું, ખેડૂતો માટે પ્રાપ્તિના આકસ્મિક ભારણને સુવ્યવસ્થિત કરવું, બેંક ખાતાઓ સાથે આધાર એકીકરણ.


ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યું કે સરકારે પ્રોડક્શન હોટસ્પોટ્સને લક્ષ્યાંક બનાવતા વધુ પ્રાપ્તિ કેન્દ્રો પણ ખોલ્યા છે અને મોબાઇલ પ્રાપ્તિ કેન્દ્રો સ્થાપિત કર્યા છે. સ્વ-સહાય જૂથો, પંચાયતો અને ખેડૂત ઉત્પાદક સંગઠનોનો લાભ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સરકારે 48 કલાકની અંદર ખેડૂતોને MSPની ચુકવણી સુનિશ્ચિત કરવા એજન્સીઓને કાર્યકારી મૂડી દ્વારા સંસ્થાકીય તૈયારી સુનિશ્ચિત કરી છે. સચિવે માહિતી આપી હતી કે વિવિધ એજન્સીઓ વચ્ચે ખરીદીની વાસ્તવિક સમયની દેખરેખ માટે દિલ્હીમાં FCI હેડક્વાર્ટર ખાતે એક કેન્દ્રીય કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે.


7.06 લાખ ટન ઘઉંનું વેચાણ થયું હતું-
ઘઉં અને ચોખાના ભાવ અંગે સચિવે કહ્યું કે 'ભારત' બ્રાન્ડ ઘઉંના લોટનું છૂટક વેચાણ શરૂ થયા બાદ લોટ અને ઘઉંના ભાવ હાલમાં સ્થિર છે. અત્યાર સુધીમાં લગભગ 7.06 લાખ ટન ઘઉંના લોટનું વેચાણ થયું છે. ચોખાનો છૂટક ફુગાવાનો દર પણ છેલ્લા બે મહિનાથી 13 ટકા અને 14 ટકા પર સ્થિર રહ્યો છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 3.1 લાખ ટન FCI ચોખા ભારત બ્રાન્ડ હેઠળ વેચવામાં આવ્યા છે.