ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના ખેડૂતો અત્યારે અવઢવની સ્થિતિમાં છે. આકાશી આફતને કારણે ખેડૂતોને શું કરવું અને શું ન કરવું તેની સ્થિતિ સમજાતી નથી. એવામાં હાલ એજ પાક પર ગુજરાતના મોટા ભાગના ખેડૂતોની નજર છે. કારણકે, માવઠાને કારણે એ પાકના ભાવમાં આવ્યો છે અધધ ઉઠાળો. અહીં વાત થઈ રહી છે જીરાના પાકની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીરાના ભાવમાં ધરખમ વધારોઃ
માવઠાના મારથી જીરાના ભાવમાં અધધ ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં જીરાના ભાવમાં  ૧૧ ટકાનો ઉછાળો નોંધાયો છે. મહત્ત્વનું છેકે, ફેબ્રુઆરીમાં ક્વિન્ટલ દીઠ જીરાનો ભાવ રૂ. ૨૮,૫૦૦ હતો જે હાલમાં વધીને રૂ. ૩૩,૫૦૦ થઈ ગયો છે. 


ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ભલે ગરમીમાંથી રાહત અપાવી હોય પણ માવઠાએ મસાલાના વેપારીઓ અને ખેડૂતો માટે ચિંતા વધારી છે. સિઝનમાં બમ્પર પાક થવાનો અંદાજ હોવા છતાં જીરાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઊંઝા માર્કેટ યાર્ડના આંકડાઓ અનુસાર જીરાના ભાવ પંદર દિવસ પહેલાની સરખામણીએ ૧૧ ટકા વધુ રૂ. ૩૩,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ પર પહોંચ્યા હતા.


ગત વર્ષ કરતા ઉત્પાદનમાં વધારોઃ
હાલના જીરાના ઉત્પાદનના અંદાજો ગયા વર્ષના આંકડા કરતા ઘણા વધારે છે અને તેથી ભાવ નીચા હતા. જો કે તાજેતરના માવઠાને કારણે ગુણવત્તા અને ઉપજમાં અમુક અંશે અપેક્ષિત ઘટાડાને કારણે ભાવમાં વધારો તોળાયો છે. એક વખત પાક સર્વે થયા પછી સપ્તાહ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. જીરાના ભાવ જે રૂ. ૪૦,૦૦૦ પ્રતિ ક્વિન્ટલથી વધુ હતા, તે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ઘટીને રૂ. 28,500 પર આવી ગયા હતા. કમોસમી વરસાદને કારણે ભાવો ફરી વધ્યા છે. અને ક્વિન્ટલ દીઠ કિંમત રૂ. 33,500 થઈ છે. 


જીરાના ઉત્પાદન પર એક નજરઃ (લાખ બેગમાં)


રાજ્ય             2023    2024    ઉત્પાદનમાં વધારો


ગુજરાત          23.39    46.02    22.83
રાજસ્થાન       37.17    56.08    19.63
કુલ    60.56    103.02    42.26


સપ્લાયમાં થયો છે ઘટાડોઃ
વેપારીઓ હાલ જીરાની ખરીદી કરવા માંગતા નહીં હોઈ સપ્લાઈમાં ઘટાડો થયો છે. જયારે ખેડૂતોએ પણ ઉપજને સલામત સ્થળે સંગ્રહિત કરી છે. લગભગ ૧૫ ટકા પાક હજુ પણ ખેતરમાં છે, જેના કારણે પેદાશની ગુણવત્તા બગડવાની પ્રબળ શકયતા છે. જે ખેડૂતોએ મોડી વાવણી કરવાનું પસંદ કર્યું હતું તેઓ હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે ગુજરાત અને રાજસ્થાન વિશ્વમાં જીરાના મુખ્ય સપ્લાયર હતા કેમ કે, બે મુખ્ય ઉત્પાદકો સીરિયા અને તુર્કીમાંથી ઉત્પાદન અને નિકાસમાં ઘટાડો થયો હતો. અંદાજ મુજબ, ગુજરાતમાં આ વર્ષે જીરાનું ઉત્પાદન લગભગ ૪૬.૨ લાખ બેગ (૫૫ કિલોગ્રામ) અથવા ૨.૫૪ લાખ મેટ્રિક ટન થશે, જે વર્ષ ૨૦૨૩ કરતાં લગભગ ૮૦ ટકા વધુ છે.