ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી તા. ૩ થી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ ૨૦૬ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. 


કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે, ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં તુવેર પકવતાં ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે તુવેર પાકનું વાવેતર થાય તે પહેલા જ તુવેર માટે રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈને તુવેર સહિતના પાકોનું મબલખ વાવેતર કરી શકે.