ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે પોતાના ઘરમાં તૈયાર કરવા માંગો છો કિચન ગાર્ડન? કિચન ગાર્ડન બનાવીને ઉગાડવા માંગો છો પોતાની મનગમતી શાકભાજી? તો એના માટે તમારે ખેતીને લગતી કેટલી માહિતી જાણવાની જરૂર છે. ખેતીવાડી સાથે સંકળાયેલાં નિષ્ણાતોની માનીએ તો હાલ બજારમાં મળતા શાકભાજીમાં ઘણાં હાનિકારક તત્વો હોય છે. બીજી તરફ તબીબો એવી સલાહ આપે છેકે, આપણે શરીરની તંદુરસ્તી માટે પુખ્ત ઉંમરના વ્યક્તિએ દરરોજ પોતાનાં ખોરાકમાં 300 ગ્રામ તાજા અને સારી ગુણવત્તા વાળા લીલા શાકભાજી લેવા જોઇએ. ત્યારે જાણીએ કિચન ગાર્ડનના કોન્સેપ્ટ અંગે વિગતવાર માહિતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શા માટે આપણે ઘરમાં ઉભું કરવું જોઈએ કિચન ગાર્ડન?
નિષ્ણાંતો જણાવે છેકે, હાલમાં બજારમાં મળતા ખેડૂતોએ પકવેલા મોટા ભાગના શાકભાજી માં રસાયણયુકત ખાતરો , ઝેરી જંતુનાશક દવાઓના અવશેષો કે ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાથી શકયતાઓ રહેલ છે. જેને લઇને આવા દૂષિત શાકભાજી ખાવાથી આપણા શરીરની તંદુરસ્તી ને લાંબે ગાળે વિપરીત અસર થાય છે જેથી આપણે આપણા ઘર આંગણે શાકભાજી ઉગાડવા જોઇએ અને એજ ખાવા જોઈએ.


કિચન ગાર્ડન કોને કહેવાય?
“ઘરની આજુબાજુ થોડી પણ જમીન ઉપલબ્ધ હોય ત્યારે તેનો સુંદર અને મહત્ત્મ ઉપયોગ થાય તેવી દરેકની ઇચ્છા હોય છે. કોઇ ઘર આંગણે સુંદર બગીચો બનાવવાનું આયોજન કરે છે તો કોઇ રોજબરોજ ની જરુરીયાત સંતોષે તેવા શાકભાજી નું વાવેતર કરે છે. આમ મકાનની આજુબાજુ ફાજલ જમીન , અગાશી , છત કે બાલકનીમાં ફળ, ફૂલ કે શાકભાજીનું વાવેતર કરે / ફૂલછોડ ઉગાડે તેને કિચન ગાર્ડન કહે છે. જેમાંથી આપણને આપણાં ઘરની જરૂરીયાત મુજબનું રોજબરોજનું શાકભાજી મળી રહે.“


ઘરાઆંગણે શાકભાજી ઉગાડવાના ફાયદાઓ :
તાજા અને તંદુરસ્ત શાકભાજી ઇચ્છાનુસાર ગમે ત્યારે મેળવી શકાય છે .
બજારમાં મળતા મોંઘા શાકભાજીનો ખર્ચ ઘટાડી શકાય છે .
ઘર આંગણે તૈયાર કરેલ શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષ સિવાય ના અને કુદરતી સેંન્દ્રિય ખાતરોના ઉપયોગવાળા ઓર્ગેનિક શાકભાજી મેળવી શકાય છે .
આપણા ફાજલ સમયમાં બગીચામાં કાર્યરત બની શારીરિક વ્યાયામ મેળવી શરીર તંદુરસ્ત રાખી શકાય છે .
ઘર આંગણા ના બગીચા માં વિવિધ પ્રકારના શાકભાજી પાકોની વાવણી કરવાથી ઘરની શોભામાં વધારો થાય છે / સ્વચ્છતા જળવાય છે .
ઘર આંગણે બાળકો વિવિધ ફૂલ , છોડ , પાકની ઓળખ , ખેતી પધ્ધ્તી અને ઉપયોગીતાની માહિતી પ્રત્યક્ષ નિહાળી / મેલવી શકે છે .
ઘરના નકામા વહેતા પાણીનો બગીચામાં સદઉપયોગ થતાં પ્રદુષણના પ્રશ્નો નિવારી તંદુરસ્તી કેળવી શકાય છે .
ઘણી વ્યકિતોની ફરિયાદ હોય છે કે ઘણી મહેનત કરવા છતાં ઘર આંગણે શાકભાજી કે ફુલછોડ બરાબર ઉછરતા નથી જે અગે ઘણા કારણો હોઇ શકે , તે પૈકી જમીન અગત્યનો મુદો છે તેમજ જે તે શાકભાજી પાકોની ખેતી પધ્ધતિ અંગે પુરતી માહિતી ન  હોય તો પણ સફળતા મળતી નથી . આ માટે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા અતિ આવશ્યક છે.


ઘર આંગણે શાકભાજી ઉગાડવા માટેના અગત્યના મુદાઓ :
હવામાન , ઋતુ અને વિસ્તાર પ્રમાણેના શાકભાજી પાકના વાવેતર માટેની પસંદગી કરવી .
ઘર આંગણાની જગ્યાએ દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો ખાસ આવશ્યક છે .
શાકભાજી પાક માટે ઘરઆંગણાની જગ્યા અનુસાર ખરીફ , રવી અને ઉનાળુ પાકની પસંદગી કરવી હિતાવહ છે .
રીંગણી , મરચી , ટામેટી , કોબીજ , ફલાવર , ડુંગળી જેવા પાકોનું ધરુઉછેર કરી કયારામાં રોપણી કરવી જોઇએ .
ટીંડોળા ( ઘીલોડા ) ,પરવળ જેવા પાક માટે આંગણાના ખૂણાંમા મંડપ બનાવી એકાદ બે થાણામાં રોપણી કરી ઉછેર કરવો .
વેલાવાળા શાકભાજી (દૂધી , ગલકા , તુરીયા ) પાકોને ઝાડ પર , અગાશી કે ફેન્શીંગની ધારે જરૂરિયાત મુજબ રોપણી કરી ઉછેરવા .
છાંયાયુકત જગ્યામાં અળવી , ધાણા , મેથી , ફૂદીનો , પાલક , આદુ જેવા પાક લેવા જોઇએ .
કચરાનું આયોજન એવી રીતે કરવું જેથી ખરીફ ઋતુ ના પાક પુરા થયા બાદ રવી ઋતુના પાકની વાવણી કરી શકાય .
ઘર આંગણાના બાગમાં ખૂણામાં નાનો કમ્પોસ્ટ પીટ ( ખાતર માટેનો ખાડો ) બનાવવો , જેથી બાગનું કચરુ , ઘાસ અને પાંદડા તેમાં નાખી ખાતર બનાવી શકાય .
આ ઉપરાંત વધુ જગ્યા હોય તો ગાર્ડનમાં પપૈયા , મીઠી લીમડી , સરગવો , લીંબુ , કેળ જેવા પાકના એકાદ છોડનું પણ આયોજન થઇ શકે છે .
જરુરિયાત મુજબ ખેડ , ખાતર , પાણી અને પાક સંરક્ષણ ના પગલાં લેવા જરૂરી છે .
બગીચામાં ખેતીકાર્ય માટે ઉપયોગી નાના સાધનો જેવાકે કોદાળી, દાતરડા , ખુરપી , પાવડો ,પંજેઠી , દવા છાંટવાનો પંપ વગેરે  રાખવા ખાસ આવશ્યક છે.


કઈ રીતે બનાવી શકાય છે કિચન ગાર્ડન?
ઘરઆંગણે જગ્યા ન હોય અને ફલેટ માં રહેતાં હોઇએ તો ટેરેસ ગાર્ડન / કૂંડામાં કે ટ્રેમાં શાકભાજીના છોડ ઉછેરીને આંગણવાડીના શાકભાજીનો આનંદ લઇ શકાય છે. જેના માટે ગેલેરીની જગ્યા અથવા ધાબા ઉપરની ખુલ્લી જગ્યા કે જયાં સીધો સૂર્યપ્રકાશ મળતો હોય તેનો ઉપયોગ કરી શકાય છે. મોટા કૂંડામાં રીંગણ, મરચાં, ટામેટા, દૂધી , ગલકાં ,કાકડી જેવા પાકો અને છીછરા કૂંડામાં /ટ્રેમાં મેથી, ધાણા, પાલક જેવા ભાજીપાલાના પાકો સફળતા પૂર્વક લઇ શકાય છે. આ અંગે કૂંડામાં અડધી સારી માટી + છાણીયું ખાતર અથવા વર્મિકમ્પોસ્ટ અથવા દિવેલી ખોળ અથવા લીમડા ખોળ નું મિશ્ર્ણ બનાવી કૂંડા ભરવા.