Increase in prices of vegetables: ઉનાળો જતો નથી અને ચોમાસુ આવતું નથી...આ સ્થિતિની વચ્ચે વરસાદની આગાહીઓમાં આસમાને પહોંચી ગયા છે શાકભાજીના ભાવ...સામાન્ય રીતે દર વખતે ચોમાસાના પ્રારંભમાં શાકભાજીના ભાવ ઉચકાય છે એટલું જ નહીં પણ ઉનાળામાં શાકભાજીના ભાવ કરતા પણ ચોમાસાના પ્રારંભમાં ભાવ વધુ ઊંચા જાય છે. તે પાછળનું ગણિત સમજવા જેવું છે. કેવી રીતે નક્કી થાય છે શાકભાજીના ભાવ? શાકભાજી ક્યાંથી આવે છે? જાણો વિગતવાર....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાળા અને ચોમાસાની સિઝનમાં શાકભાજીના ઉત્પાદનનું પ્રમાણ ઘટી જતા ભાવ ઉંચા જાય છે. અહીં ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ લાગુ પડે છે. એજ કારણે શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધતા જતા શાકભાજીના ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય છે. ઘણાં લોકો શાકભાજીના ભાવ વધતાં છાશ લઈને કઢી બનાવીને દિવસ કાઢતા હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની આ વાસ્તવિક સ્થિતિ છે. પરંતુ તેના પર ખાસ કોઈનું ધ્યાન જતુ નથી. અલબત્ત સરકાર પણ તેમની સમસ્યાઓમાં રસ લેતી નથી.


ઉનાળા બાદ ચોમાસાના પ્રારંભે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉનાળુ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજી વેચનાર વેપારીના મતે, ચોમાસામાં વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે છે. વરસાદ આવે છે પણ શાકભાજીનું બળી જાય કે છોડમાં જીવાતો થવાના કારણે જોઈએ તેટલો ઉતારો આવતો નથી. આથી અમે જ ઓછ ઉત્પાદનમાં ખરીદી કરીયે ત્યારે વધુ ભાવ ચૂકવીએ છીએ. હજુ પણ આ ભાવોમાં વધારો થઈ શકે છે.


ઘણાં શાકભાજી છે તેનું ઉત્પાદન અમદાવાદમાં થાય છે. જ્યારે અમુક શાકભાજી બહારથી લાવવામાં આવે છે. ખાસ કરીને ડુંગળી, ટામેટા અને બટાકાની ડિમાન્ડ સૌથી વધારે રહે છે. એટલું જ નહીં કોથમીર, લીલા મરચા, લીંબુ, આદુ અને ફુદિનાની માંગ વધારે રહે છે. એ જ કારણ છેકે, આ વસ્તુઓનો ભાવ હંમેશા ઉંચો હોય છે. એટલું જ નહીં અમદાવાદથી રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ શાકભાજી મોકલવામાં આવે છે. એટલે જ કોબિજ, ફલાવર, રીંગણ, સહિતના શાકભાજીના ભાવમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. ક્યારેક વધુ અછતના પગલે મહારાષ્ટ્ર, બેંગ્લોર તરફથી ટામેટા મંગાવવામાં આવે છે. જ્યારે મોટાભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ ઊંચકાય છે. અમદાવાદમાં અનાજના ઉત્પાદન સહિત જ્યાં પાણીની વ્યવસ્થા સારી હોય ત્યાં શાકભાજીનું વાવેતર થતું હોય છે. તેથી બહારથી મંગાવામાં આવતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે.


હાલ અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં કઈ શાકભાજીના શું છે સરેરાશ ભાવ?


શાકભાજી    કિલોના ભાવ
કોથમરી    200 થી 230 રૂપિયા
આદુ    180 થી 200 રૂપિયા
ગુવાર    140 થી 160 રૂપિયા
ફ્લાવર    140 થી 160 રૂપિયા
ચોળી    160 થી 180 રૂપિયા
લીંબુ    140 થી 160 રૂપિયા
કારેલા    120 થી 160 રૂપિયા
તુરિયા    140 થી 150 રૂપિયા
ટમેટા    100 થી 140 રૂપિયા
મરચા    100 થી 130 રૂપિયા
ભીંડો    120 થી 130 રૂપિયા
પરવળા    80 થી 120 રૂપિયા
ટીંડોળા    80 થી 120 રૂપિયા
કોબી    80 થી 100 રૂપિયા
રીંગણ    80 થી 100 રૂપિયા
બટાકા    30 થી 40 રૂપિયા
ડુંગળી    40 થી 60 રૂપિયા


ગત સપ્તાહે દેશના રાજ્યોમાં ટામેટા, રીંગણ, કેપ્સીકમ, પાલક, મેથી વગેરે શાકભાજીના ભાવ બમણા થઈ ગયા હતા. તે જ સમયે, માંગમાં વધારો અને ડુંગળી અને લસણની ઓછી સપ્લાયને કારણે ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વાસ્તવમાં બકરીદ પહેલા ડુંગળી અને લસણની માંગ વધી હતી. જે બાદ વેપારીઓ અને ખેડૂતોએ સ્ટોક બંધ કરવાનું શરૂ કરી દીધું છે. આ પછી, ડુંગળીના ભાવમાં લગભગ 20 થી 25 રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો હતો. જ્યારે લસણ 200 રૂપિયા પ્રતિ કિલોથી 350 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થઈ ગયું છે.


શાકભાજીથી માંડીને કઠોળ, ચોખા, તેલ વગેરેની કરિયાણાની ચીજવસ્તુઓના ભાવમાં અચાનક થયેલા વધારાની અસર ગ્રાહકો પર પડી રહી છે. મોંઘવારીના કારણે સામાન્ય માણસ માટે પરિવારનું ગુજરાન ચલાવવું લગભગ અશક્ય બની ગયું છે. શાકભાજીના વધેલા ભાવ અંગે વેપારીઓનું કહેવું છે કે ઓછા ઉત્પાદનના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. રાજ્યમાં ડુંગળીના ભાવમાં થયેલા વધારા અંગે વેપારી એસોસિએશને જણાવ્યું હતું કે, નાસિકથી આયાત થતા ઉંચા ભાવને કારણે ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.