નવી દિલ્હી: દેશભરના 50 કરોડ મોબાઈલ ગ્રાહકોના નંબર બંધ થઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ એવા મોબાઈલ ગ્રાહકો માટે ઊભુ થયું છે જેમણે કનેક્શન લેવા દરમિયાન આધાર કાર્ડ ઉપરાંત બીજુ કોઈ ઓળખપત્ર આપ્યું નથી. આવામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારી અડધી જનતાએ નવી KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આધાર વેરિફિકેશન દ્વારા લેવાયેલા આ સિમ કાર્ડને જો કોઈ બીજી આઈડેન્ટિફિકેશન પ્રક્રિયાનો બેકઅપ નહીં મળે તો તે ડિસકનેક્ટ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમના એ ચુકાદા બાદ આ સમસ્યા ઊભી થઈ છે જેમાં કોર્ટે કોઈ પણ ખાનગી કંપની પર કોઈ વ્યક્તિના યુનિક આઈડીના ઉપયોગ પર રોક લગાવી છે. કોર્ટના આ ચુકાદા બાદ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે ટેલિકોમ કંપનીઓને નવેસરથી કેવાયસી પ્રક્રિયા પૂરી કરવા માટે સમય આપશે.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ બુધવારે ટેલિકોમ સેક્રેટરી અરુણ સુંદરરાજને આ મામલે ટેલિકોમ કંપનીઓ સાથે મુલાકાત કરી અને ઓથેન્ટિકેશનના કોઈ બીજા તરીકા પર વિચાર કર્યો. આ સમસ્યાને લઈને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પણ યુઆઈડીએઆઈ સાથે વાતચીત કરી રહ્યું છે. 


અરુણ સુંદરરાજને જણાવ્યું કે આ વિષયને લઈને સરકાર ગંભીર છે અને તેમાંથી બહાર નીકળવા માટે બીજા વિચારો પર ચર્ચા થઈ રહી છે. તેમણે જણાવ્યું કે સરકાર ઈચ્છે છે કે નવી પ્રક્રિયાના કારણે લોકોને પરેશાન ન થવું પડે. તેમણે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે એક સરળ પ્રક્રિયા હેઠળ આ કામ થાય. જેમાં ગ્રાહકોને ઓછામાં ઓછી સમસ્યાનો સામનો કરવો પડે. 



જિયોના ગ્રાહકોને સમસ્યા
અત્રે જણાવવાનું કે રિલાયન્સ JIOએ ફક્ત આધાર કાર્ડ લઈને સૌથી વધુ મોબાઈલ કનેક્શન આપેલા છે. JIOનો આખો ડેટાબેઝ અને નેટવર્ક ઓપરેશન બાયોમેટ્રિક ઓળખ પર આધારિત છે. આ વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીમાં જિયોના 25 કરોડ યૂઝર્સ બની ગયા છે. કંપનીએ બુધવારે આ જાહેરાત કરી હતી. જિયો ઉપરાંત ભારતી એરટેલ, વોડાફોન, બીએસએનએલ અને એમટીએનએલના નંબર યૂઝ કરનારા લોકો ઉપર પણ સંકટ તોળાઈ રહ્યું છે.