સાતમું પગાર પંચ : 19 લાખ સરકારી કર્મચારીઓનો વધશે પગાર, દિવાળી પર મળશે મોટી ભેટ
મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી પર સાતમા પગાર પંચનો લાભ મળશે. દિવાળીથી સાતમું પગાર પંચ લાગુ કરી દેવાશે.
નવી દિલ્હી : કેન્દ્રિય કર્મચારીઓ ભલે લાંબા સમયથી સાતમું પગાર પંચ લાગુ થવાની રાહ જોઇ રહ્યા હોય, પરંતુ રાજ્યોમાં પગાર વધારાની શરૂઆત થઇ ગઇ છે. કેટલાક રાજ્યો અગાઉથી જ પગાર વધારાની જાહેરાત કરી ચૂક્યા છે. આ સંજોગોમાં એ પણ સામે આવી રહ્યું છે કે 15 ઓગસ્ટથી કેન્દ્ર સરકાર પણ અમલ કરવા જઇ રહી છે. મોદી સરકાર સ્વતંત્રતા દિવસે એની જાહેરાત કરી શકે એમ છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આ અંગે જાહેરાત કરી દીધી છે અને આગામી દિવાળીથી રાજ્યના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળશે.
રાજ્યના નાણામંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું કે, સરકાર દિવાળીથી રાજ્યના કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરી દેશે. જેનાથી રાજ્ય સરકારની તિજોરી પર મોટું ભારણ પડશે. મુનગંટીવારે કહ્યું કે સરકાર તરફથી રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના 19 લાખ જેટલા કર્મચારીઓને લાભ થશે.
રાજ્યના સરકાર દ્વારા સાતમા પગાર પંચની સાથોસાથ કર્મચારીઓની વય મર્યાદામાં પણ વધારો થવાની સંભાવના છે. 58 વર્ષને બદલે નિવૃત્તિની વય 60 કરવાની સાથોસાથ સપ્તાહમાં પાંચ દિવસ કામકાજ કરવાની પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરાઇ રહ્યા છે.