નવી દિલ્હી: આવનારા સમયમાં તમારા ઘર કે ઓફિસમાં એસીનું ટેમ્પરેચર 24 ડિગ્રી જ નક્કી થઈ જશે. સરકાર આ અંગે કડક નિયમ કરવા જઈ રહી છે. જેમ મુજબ ઉર્જા મંત્રાલય એક કન્ડીશનર માટે ટેમ્પરેચરનું સ્તર 24 ડિગ્રી નક્કી કરી શકે છે. સરકારે એસીમાં વીજળી ખર્ચ ઓછો કરવાના હેતુથી આ નિર્ણય લીધો છે. કહેવાય છે કે સરકારના આ નિર્ણયથી વાર્ષિક લગભગ 20 અબજ યુનિટ વીજળીની બચત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારના આ નિર્ણયની સાથે એસી માટે 24 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન પણ ડિફોલ્ટ સેટ થઈ જશે. એટલે કે તમે ઘરે જ્યારે એસી સ્ટાર્ટ કરશો તો તે આપોઆપ 24 ડિગ્રી પર જ સ્ટાર્ટ થશે. સરકાર ગાઈડલાઈન તરીકે જણાવશે કે તમારા શરીર માટે 24 ડિગ્રી તાપમાન બિલકુલ બરાબર છે. જે તમારા સ્વાસ્થ્ય અને ખિસ્સા બંને માટે સારું છે. સરકારે તમામ એસી મેન્યુફેક્ચર્સને આ લાગુ કરવા જણાવ્યું છે. શરૂઆતમાં તેને 4-5 મહિના વૈકલ્પિક વ્યવસ્થા તરીકે લાગુ કરાશે. ત્યારબાદ બધા માટે ફરજિયાત કરી દેવાશે.


ઉર્જા મંત્રી આર કે સિંહના જણાવ્યાં મુજબ શરીરનું તાપમાન સામાન્ય રીતે 36-37 ડિગ્રી હોય છે. પરંતુ દેશમાં મોટાભાગના કોમર્શિયલ, ઓફિસ, રેસ્ટોરા, હોટેલ્સમાં એસીનું તાપમાન 18-21 ડિગ્રી રખાય છે. જેની જરૂર હોતી જ નથી. સરકારના જણાવ્યાં મુજબ એર કંડિશનરમાં એક ડિગ્રી ટેમ્પ્રેચર વધવાથી વીજળીના વપરાશમાં 6 ટકા બચત થાય છે. જો બધા માટે આ સ્વીકૃત કરાય તો દર વર્ષે 20 અબજ યૂનિટ વીજળીની બચત થઈ શકે છે.


જાપાન જેવા દેશોમાં છે એસી માટે નિયમ
જોવામાં આવ્યું છે કે હોટલ અને ઓફિસોમાં તાપમાનમાં 18થી 21 ડિગ્રી રાખવામાં આવે છે. જે તકલીફદાયી તો છે જ પરંતુ સાથે સાથે શરીર માટે હાનિકારક પણ છે. આ તાપમાનથી લોકોએ કાં તો ગરમ કપડાં પહેરવા પડે છે અને કાં તો કંબલનો ઉપયોગ કરવો પડે છે. જેને જોતા જાપાન જેવા દેશોમાં તાપમાન 28 ડિગ્રી સેલ્સિયર રાખવાના નિયમ બનાવવામાં આવ્યો છે.


પહેલા ચલાવવામાં આવશે એક જાગરૂકતા અભિયાન
ઉર્જા મંત્રાલયના જણાવ્યાં મુજબ 4 થી 6 મહિનાના જાગરૂકતા અભિયાન બાદ લોકોના મત જાણવા સર્વે કરવામાં આવશે. ત્યારબાદ મંત્રાલય તેને અનિવાર્ય કરવા પર વિચાર કરશે. જો બધા ગ્રાહકો તેને અપનાવશે તો એક વર્ષમાં જ 20 અબજ યુનિટ વીજળીની બચત થશે.