મોટા સંકટમાં કોંગ્રેસ, 2019માં PM મોદી પાસેથી નહીં છીનવી શકે સત્તા!, જાણો કારણ
કોંગ્રેસ એક મોટા સંકટમાં છે. આ સંકટ તેના માટે 2019માં પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપને રોકવામાં રોડો બની શકે છે. આવામાં કોંગ્રેસનું સત્તામાં પાછા ફરવાનું સપનું અધૂરું દેખાઈ રહ્યું છે.
નવી દિલ્હી: 2019માં દેશનું સુકાન કોના હાથમાં હશે? શું કોંગ્રેસ કર્ણાટક ચૂંટણીના પરિણામોને નવી શરૂઆત માની રહી છે? ભલે કર્ણાટકમાં ચૂંટણીએ બુઝાતી જતી કોંગ્રેસમાં એક નવા પ્રાણનો સંચાર કર્યો હોય પરંતુ 2019માં સત્તા મેળવવી કોંગ્રેસ માટે મુશ્કેલ જોવા મળી રહ્યું છે. હકીકતમાં કોંગ્રેસ એક મોટા સંકટમાં છે. આ સંકટ તેના માટે 2019માં પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપને રોકવામાં રોડો બની શકે છે. આવામાં કોંગ્રેસનું સત્તામાં પાછા ફરવાનું સપનું અધૂરું દેખાઈ રહ્યું છે.
પાંચ મહિનાથી મોટા સંકટમાં છે કોંગ્રેસ
હકીકતમાં છેલ્લા પાંચ મહિનાથી કોંગ્રેસ નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે અનેક રાજ્યમાં પોતાના કાર્યાલય ચલાવવામાં માટે મોકલવામાં આવતા ફંડ પર રોક લગાવી છે. આ મામલે માહિતી ધરાવનારા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ નામ ન આપવાની શરતે આ અંગે પુષ્ટિ કરી છે. આ નાણાકીય સંકટમાંથી બહાર આવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટી કાર્યકર્તાઓ અને સભ્યોને યોગદાન વધારવાની અને અધિકારીઓને ખર્ચમાં કાપ મૂકવા જણાવ્યું છે.
ઉદ્યોગપતિઓએ આશાઓ પર પાણી ફેરવ્યું?
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઉદ્યોગપતિઓ તરફથી પાર્ટીને મળતા ફંડમાં દુકાળ જોવા મળી રહ્યો છે. નાણાની તંગીની સમસ્યા એટલી તે ગંભીર છે કે ઉમેદવાર માટે ફંડ ભેગુ કરવું પણ મુશ્કેલ છે. કોંગ્રેસ પાર્ટીની સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટની હેડ દિવ્યા સંપંદનાએ પણ આ વાતને કબુલ કરી કે તેમની પાસે ફંડ નથી. તેમના જણાવ્યાં મુજબ ભાજપની સરખામણીમાં ઈલેક્ટોરલ ફંડ દ્વારા કોંગ્રેસને ફંડિગ મળતું નથી. આ જ કારણે કોંગ્રેસે ઓનલાઈન સોર્સ દ્વારા રૂપિયા ભેગા કરવા પડી શકે છે.
મોદી રહેશે લોકપ્રિય નેતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્ય સહયોગી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથે મળીને કોંગ્રેસની પકડવાળા રાજ્યોમાં પણ કબ્જો જમાવી લીધો છે. એક આંકડા મુજબ ભાજપ અને તેના સહયોગી પક્ષોની હાલ 21 રાજ્યોમાં સરકાર છે. એક રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી આગામી વર્ષ સામાન્ય ચૂંટણી સુધી સૌથી લોકપ્રિય નેતા બની રહેશે. જ્યારે કોંગ્રેસ પાસે ફક્ત બે જ રાજ્યમાં સરકાર છે. જ્યારે 2013 સુધી તેમની 15 રાજ્યોમાં સરકાર હતી.
ઉદ્યોગપતિઓ, વેપારીઓ કોંગ્રેસથી જાળવે છે અંતર
વોશિંગ્ટન ડીસીમાં આંતરરાષ્ટ્રીય શાંતિના કાર્નેગી એન્ડોમેન્ટમાં દક્ષિણ એશિયાના એક વરિષ્ઠ સભ્ય મિલન વૈષ્ણવના જણાવ્યાં મુજબ કારોબારી વર્ગ સતત કોંગ્રેસથી દૂર થઈ રહ્યો છે. જ્યારે 2019 પહેલા જ ભાજપે જરૂરી ફંડ ભેગુ કરી લીધુ છે. તેનું એક કારણ એ પણ છે કે કોંગ્રેસ અને અન્ય ક્ષેત્રિય પાર્ટીઓ વ્યાપાર માટે અનુકૂળ ગણાતી નથી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આ મામલે કઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.
ભાજપની આવક 81 ટકા વધી
નાણાકીય વર્ષ 2017માં ભાજપની સરખામણીમાં કોંગ્રેસે એક ચતુર્થાંશ ફંડ મેળવી લીધુ હતું. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના જણાવ્યાં મુજબ ભાજપે આ સમયગાળા દરમિયાન 1034 કરોડ રૂપિયા (152 મિલિયન ડોલર)ની આવક જાહેર કરી, જે એક વર્ષ પહેલા કરતા 81 ટકા વધુ છે. જ્યારે કોંગ્રેસે આ સમયગાળા દરમિયાન કુલ 225 કરોડનું ફંડ મેળવ્યું. જે ગત વર્ષની સરખામણીએ 14 ટકા ઓછુ છે.
હવાઈયાત્રામાં પણ ફંડની અછત
નાણાની કમીના કારણે ફ્લાઈટની ટિકિટ માટે એક અંતહીન પ્રતિક્ષાનો અર્થ એ હતો કે એક વરિષ્ઠ નેતા આ વર્ષની શરૂઆતમાં ચૂંટણીની નિગરાણી માટે સમય પર રાજ્ય સુધી પહોંચી શક્યા નહીં. આ જ કારણે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની ચૂંટણીઓમાં પાર્ટીનું અભિયાન ભાજપની સરખામણીમાં ફીક્કુ રહ્યું. એક અધિકારીના જણાવ્યાં મુજબ આ રાજ્યોમાં પાર્ટીની હારનું એક મોટુ કારણ આ પણ રહ્યું. મુસાફરી ખર્ચ ઉપરાંત પાર્ટી કાર્યાલયોમાં મહેમાનો માટે ચા પાણીમાં પણ કપાત મૂકાઈ.
ફંડ ભેગુ કરવામાં ભાજપ આગળ
ADRના એક રિપોર્ટ મુજબ કોંગ્રેસની સરખામણીમાં ભાજપે બમણો ખર્ચ કર્યો છે. જ્યારે તે કોર્પોરેટમાંથી પણ ફંડ મેળવવામાં ખુબ આગળ છે. ચાર વર્ષના સમયગાળામાં માર્ચ 2016 સુધી ભાજપને કુલ 2987 ઉદ્યોગપતિઓ પાસેથી 705 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું. જ્યારે કોંગ્રેસને 167 કારોબારીઓ પાસેથી ફક્ત 198 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું. એડીઆરના જણાવ્યાં મુજબ 2014ની સામાન્ય ચૂંટમી દરમિયાન ભાજપે 588 કરોડનું ફંડ ભેગુ કર્યું હતું. જ્યારે કોંગ્રેસને 350 કરોડનું ફંડ મળ્યું હતું.
ફંડ વગર કોંગ્રેસ માટે મોટી સમસ્યા સર્જાશે 2019માં
કોંગ્રેસના એક વરિષ્ઠ સભ્યના જણાવ્યાં મુજબ ફંડની કમીની અસર ચૂંટણી પ્રચાર અને સંગઠનની ગતિશીલતા ઉપર જોવા મળે છે. જો કે પાર્ટી આ સમસ્યાને પહોંચી વળવા માટે કામ કરી રહી છે અને ખર્ચ ઉપર પણ આકરા પ્રતિબંધ લગાવ્યાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના સંસ્થાપક અને ટ્રસ્ટી જગદીપ છોકારના જણાવ્યાં મુજબ ચૂંટણી ફંડ વગર કોંગ્રેસને 2019માં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે એક પાર્ટી કે જેની પાસે ફંડ નથી તેણે ભારતીય ચૂંટણીઓમાં નુકસાન ઉઠાવવાનો વારો આવશે.
પાર્ટી ઓફિસ પણ તૈયાર નથી
કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ કહ્યું કે ભાજપ પહેલેથી નવી દિલ્હીમાં પોતાના નવા હેડક્વાર્ટરમાં જતો રહ્યો છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીની નવી ઓફિસ ફંડની અછતના કારણે હજુ પણ નિર્માણધીન છે. એક પછી એક રાજ્યમાં ચૂંટણી હારવાના કારણે પાર્ટી પર નાણાકીય સંકટ વધતુ જાય છે. જ્યારે બીજી બાજુ સત્તાધારી પક્ષ ફંડ ભેગુ કરતો ગયો. રાજકીય વિશેષજ્ઞ અજય બોસના જણાવ્યાં મુજબ કોંગ્રેસ પાસે તક છે કે જો તે સાબિત કરે કે ભાજપ પોતાની જીતને લઈને નિશ્ચિત નથી તો કોર્પોરેટ સેક્ટરને પોતાની તરફ ખેંચી શકે છે.
રસપ્રદ હશે ચૂંટણી
2019ની ચૂંટણી રસપ્રદ રહેશે કારણ કે જ્યારે દેશની એક મોટી અમીર પાર્ટી અને શક્તિશાળી સરકાર ચૂંટણી પ્રચાર પર જોરદાર ખર્ચ કરશે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ ફંડની કમીના કારણે બિલકુલ સાધારણ રીતે ચૂંટણી પ્રચાર કરશે.