પડતા પર પાટુ, પેટ્રોલ-ડીઝલ બાદ હવે `આ` અત્યંત જરૂરી વસ્તુ થશે મોંઘી
દેશભરમાં જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવોને લઈને હોબાળો મચ્યો છે ત્યાં હવે એક બીજી વસ્તુ મોંઘી થવાની છે જેની સીધી અસર સામાન્ય માણસને થશે.
નવી દિલ્હી: દેશભરમાં જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવોને લઈને હોબાળો મચ્યો છે ત્યાં હવે એક બીજી વસ્તુ મોંઘી થવાની છે જેની સીધી અસર સામાન્ય માણસને થશે. આ મોંઘવારીનો ઝટકો આપશે વીજળી. થર્મલ પાવરની વધતી માગણી અને તેની સરખામણીમાં કોલસાનો ઓછો સપ્લાય હોવાના કારણે હવે વીજળી પણ મોંઘી થવા જઈ રહી છે. વીજળીની કિંમત બે વર્ષની રેકોર્ડ સ્તર 6.20 રૂપિયા પ્રતિ યુનિટ પહોંચી ગઈ છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો થોડા દિવસમાં સ્થિતિમાં સુધારો નહીં થાય તો અનેક રાજ્યોમાં વીજળીના ભાવો વધી જશે.
વધુ કિંમત ચૂકવવી પડશે
ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ કોલસાની અછતના પગલે દેશવાસીઓએ હવે વીજળીની વધુ કિંમત ચૂકવવી પડશે. વીજળી માટે વધુ રૂપિયા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. કારણકે હાલ વીજળીનો ભાવ 6.20 રૂપિયા પ્રતિ યુનિટ છે. આ અગાઉ વીજળીનો ભાવ પ્રતિ યુનિટ 6 રૂપિયા 2016માં થયો હતો.
ગરમીના કારણે માંગમાં વધારો
અચાનક જ ગરમીમાં જબરદસ્ત વધારો થવાના કારણે વીજળીની માગણીમાં પણ વધારો થયો છે. પરંતુ કોલસાના ઓછા સપ્લાયના કારણે તેના ભાવોમાં ઉછાળો નોંધાયો છે. ગત અઠવાડિયે વીજળીની સરેરાશ કિંમત પ્રતિ યુનિટ 4 રૂપિયા હતી. જે આ અઠવાડિયે 2 રૂપિયા પ્રતિ યુનિટ વધીને 6 રૂપિયા પ્રતિ યુનિટ પહોંચી ગઈ છે. પશ્ચિમ ભારતની ટ્રાન્સમિશન લાઈન ફેલ થઈ ગઈ છે. અહીંથી ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વીજળી સપ્લાય થાય છે. જ્યારે ઉત્તર રાજ્યમાં વધતી માંગના પગલે આ અઠવાડિયે કેટલાક રાજ્યોમાં યુનિટના ભાવ 8 રૂપિયા સુધી પહોંચી ગયા છે. હાલ કિંમત હવે 7.43 રૂપિયા પ્રતિ યુનિટ છે.
અનેક રાજ્યોને ઓછી મળી રહી છે વીજળી
જાણકારોનું માનીએ તો વધતા ભાવો કે મુશ્કેલી લાંબા સમય માટે નથી. પરંતુ સ્પોર્ટ માર્કેટથી વીજળી ખરીદનારા ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર અને તામિલનાડુ રાજ્યની વિતરણ કંપનીઓને સપ્લાય માટે વીજળી ઓછી મળી રહી છે. આ જ કારણ છે કે વધુ ભાવે વીજળી મળવાનો બોજ ઉદ્યોગો અને જનતા પર પડવાનું લગભગ નક્કી છે.
કેટલી મોંઘી થશે વીજળી
ગ્રાહકો પર વધતા ભાવનો કેટલો બોજો પડશે તે તો એ વાત પર નિર્ભર રહેશે કે રાજ્યની વીજળી કંપનીઓ મોંઘી વીજળીનો બોજો ગ્રાહકો પર કેટલો નાખે છઓે. એક રાજ્યની વિદ્યુત વિતરણ કંપનીના અધિકારીના જણાવ્યાં મુજબ મોટાભાગના મામલાઓમાં કંપનીઓ તરફથી બોજો ગ્રાહકો ઉપર જ નાખી દેવાય છે. આવામાં લગભગ નક્કી છે કે ગ્રાહકોએ જ વધુ કિંમત ચૂકવવાનો વારો આવશે.